GETCO Recruitment Protest Update: GETCOમાં ઈલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી પ્રક્રિયાને લઈને ઉમેદવારોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. આજે આંબેડકર સર્કલ નજીક GETCOની કચેરી બહાર ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાંથી આવેલા ઉમેદવારોએ એકઠા થઈ વિરોધ નોંધાવ્યો હતો. ઉમેદવારોએ સૂત્રોચ્ચાર કરી ભરતી પ્રક્રિયામાં ઝડપ લાવવા અને કાયમી ભરતી કરવાની માંગ સાથે વિદ્યાભવન ગેટ પાસે બેસીને રજૂઆત કરી હતી.
આઉટસોર્સિંગ પદ્ધતિ દૂર કરવાની માંગ
વિરોધ કરી રહેલા ઉમેદવારોની મુખ્ય માંગ GETCOમાં લાગુ આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ કરીને નિયમિત અને કાયમી ભરતી કરવાની છે. ઉમેદવારોનું કહેવું છે કે સરકારી વીજ કંપનીમાં નોકરી મેળવવા માટે લાયકાત ધરાવતા યુવાનોને યોગ્ય તક મળવી જોઈએ અને તેમની રોજગાર સુરક્ષા પણ જળવાઈ રહેવી જોઈએ. ઉમેદવારોએ વર્ષ 2023માં કરવામાં આવેલા મોટા ભરતીના વાયદાને પૂર્ણ કરવાની પણ માંગ કરી છે. જો 2026ની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં હજુ સમય લાગે તો મેરિટ પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી ભરતીની સમયમર્યાદા વધારવાની માંગ પણ કરવામાં આવી છે.
માત્ર 271 જગ્યાના પ્રથમ રાઉન્ડથી ઉમેદવારો નારાજ
ડીસાથી આવેલા યુવા આંદોલનકારી વિક્રમ એદૈલિયાએ જણાવ્યું કે વીજ કંપનીઓમાં ખાનગીકરણ અને આઉટસોર્સિંગની(GETCO) પ્રક્રિયા સામે ઉમેદવારોમાં અસંતોષ છે. તેમના જણાવ્યા મુજબ અગાઉ મોટી સંખ્યામાં ભરતીનું આશ્વાસન આપવામાં આવ્યું હતું, પરંતુ હાલમાં માત્ર 271 જગ્યાઓ માટે પ્રથમ રાઉન્ડ જાહેર થતાં ઉમેદવારોમાં નારાજગી છે. તેમણે વધુ જગ્યાઓ પર ભરતી કરવાની અને બેરોજગાર યુવાનોને સરકારી નોકરીની તક આપવાની માંગ કરી છે. માંગણીઓનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં ધરણાં કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.
પરીક્ષા બાદ અલોટમેન્ટને લઈને પણ સવાલ
કપડવંજના ઉમેદવાર ખાંટ હિતેશે જણાવ્યું કે 5 એપ્રિલ 2026ના રોજ યોજાયેલી પરીક્ષામાં આશરે 5600 ઉમેદવારો સામે માત્ર 273 ઉમેદવારોનું પ્રથમ અલોટમેન્ટ જાહેર થયું છે. બાકીના ઉમેદવારોના અલોટમેન્ટ માટે 7 જુલાઈએ રજૂઆત કરવામાં આવી હતી. તે સમયે આગળના મહિનામાં અલોટમેન્ટ જાહેર કરવાની ખાતરી મળ્યાનો તેમનો દાવો છે, પરંતુ ત્યારબાદ પણ યોગ્ય જવાબ મળ્યો નથી.અરવલ્લીથી આવેલા રાવલ વિમલે 4 હજાર કે તેથી વધુ જગ્યાઓ પર કાયમી ભરતી કરવાની માંગ કરી છે. સાથે જ આઉટસોર્સિંગ પ્રથા બંધ કરી વધુ યુવાનોને સરકારી નોકરીની તક આપવા અને ભરતીના આગામી રાઉન્ડ તથા નિમણૂક પત્રોની તારીખ અંગે સ્પષ્ટતા કરવાની માંગ કરવામાં આવી છે.
માંગ નહીં સંતોષાય તો આંદોલન ઉગ્ર કરવાની ચીમકી
મધ્ય ગુજરાત(GETCO) સહિત વિવિધ જિલ્લાઓમાંથી આવેલા ઉમેદવારોનું કહેવું છે કે ભરતી અંગે અગાઉ કરવામાં આવેલા કમિટમેન્ટ મુજબ પ્રક્રિયા આગળ વધતી નથી. સ્થાનિક આગેવાન સ્વેજલ વ્યાસે પણ ઉમેદવારોની માંગને સમર્થન આપ્યું છે. તેમણે જણાવ્યું કે વાતચીતથી ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવી શકે છે.
આ પણ વાંચો:વડોદરામાં વેપારીને ભ્રષ્ટાચારની ફરિયાદ ભારે પડી
આ પણ વાંચો:વડોદરામાં પણ કરો ચંડોળા તળાવ જેવી કાર્યવાહી
આ પણ વાંચો:વડોદરામાં ગણેશોત્સવના ફાળાને લઈને ધીંગાણું, યુવક પર લાકડીથી હુમલો
