Vadodara Bike Stunt Video: આજના યુવાનોમાં સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે બાઇક પર જીવલેણ સ્ટંટ કરવાનો ક્રેઝ સતત વધી રહ્યો છે, પરંતુ આવા સ્ટંટબાજોને પોલીસ હવે સીધો પાઠ ભણાવી રહી છે. વડોદરાના કમાટીબાગ વિસ્તારમાં રાતના સમયે સ્પોર્ટ્સ બાઇક પર જોખમી સ્ટંટ કરનાર એક યુવકને સયાજીગંજ પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો છે. પોલીસના સકંજામાં આવતા જ સ્ટંટબાજનું શૂરાતન ઉતરી ગયું હતું અને તેણે કાન પકડીને માફી માંગતા કહ્યું હતું કે, “ઉતાવળમાં ભૂલ થઈ ગઈ, હવે આવી ભૂલ ક્યારેય નહીં કરું.”
સિંગલ વ્હીલ પર કર્યા હતા Stunt
પ્રાપ્ત વિગતો અનુસાર, ગત 12 એપ્રિલ, 2026 ના રોજ રાત્રે 11 વાગ્યાની આસપાસ નરહરી સર્કલથી કાળાઘોડા તરફ જવાના મુખ્ય માર્ગ પર આ ઘટના બની હતી. એક યુવક પોતાની યામાહા R15 બાઇક પર ઉભો રહીને અત્યંત જોખમી રીતે સ્ટંટ કરી રહ્યો હતો. તે સ્પીડમાં બાઇક ચલાવીને તેને એક વ્હીલ પર ઊંચી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. બેફામ રીતે બાઇક હંકારીને તેણે પોતાનો તેમજ રસ્તા પરથી પસાર થતા અન્ય નિર્દોષ વાહનચાલકોનો જીવ પણ જોખમમાં મૂક્યો હતો. કોઈ જાગૃત નાગરિકે આ ઘટનાનો વીડિયો ઉતારીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો.
એપની મદદથી પોલીસે શોધ્યો નંબર
આ વાયરલ વીડિયો વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહા કોમાર, જોઈન્ટ પોલીસ કમિશનર સુધીર દેસાઈ અને ઝોન-1 ના ડીસીપી ડો. જગદીશ ચાવડાના ધ્યાને આવતા તેમણે તાત્કાલિક એક્શન લેવાના આદેશ આપ્યા હતા. સયાજીગંજ પોલીસ સ્ટેશનના પી.આઈ. એસ.જે. પંડ્યા અને ડી.કે. ગામારાની ટીમે વીડિયોમાં દેખાતા બાઇકના નંબરના આધારે તપાસ હાથ ધરી હતી. પોલીસે ઈ-ગુજકોપ એપ્લિકેશનનો ઉપયોગ કરીને બાઇકના માલિકનું સરનામું શોધી કાઢ્યું હતું અને તેને તાત્કાલિક પોલીસ સ્ટેશનનું તેડું મોકલ્યું હતું.

કાન પકડી માંગી માફી
પોલીસે બાઇક ચાલક નીખીલ મણિલાલ જાદવ (રહે. સરસ્વતીનગર, ઓલ્ડ છાણી રોડ, ફતેગંજ, વડોદરા) ને પોલીસ સ્ટેશન બોલાવીને તેનો જ વાયરલ વીડિયો બતાવ્યો હતો. પોલીસનો કડક મિજાજ જોઈને આરોપીએ તરત જ પોતાનો ગુનો કબૂલી લીધો હતો.
નીખીલે કાન પકડીને પોલીસ સમક્ષ માફી માંગતા જણાવ્યું કે, “ગઈકાલે રાત્રે હું કમાટીબાગ રોડ પર બાઇક ચલાવી રહ્યો હતો. મેં ત્યાં બાઇક પર સ્ટંટ કર્યા હતા અને એક વ્હીલ પર ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. મને મારી ભૂલનો પૂરેપૂરો અહેસાસ છે. મેં ઉતાવળમાં આ ભૂલ કરી દીધી છે. હું માફી માંગુ છું અને હવેથી ક્યારેય આવું નહીં કરું.”
કડક કલમો હેઠળ નોંધાયો ગુનો
સયાજીગંજ પોલીસે આરોપી નીખીલ જાદવની માફી સ્વીકારવાને બદલે સમાજમાં દાખલો બેસાડવા માટે તેની સામે કડક કાર્યવાહી કરી છે. પોલીસે તેની સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 281 હેઠળ બેફામ અને બેદરકારીથી વાહન ચલાવવા બદલ, તેમજ મોટર વાહન અધિનિયમ (MV Act) ની કલમ 177 અને 184 હેઠળ ટ્રાફિકના નિયમોના ભંગ અને જોખમી ડ્રાઇવિંગ બદલ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
