Rajkot News : વેટ ચોરી(Vat Evasion) કેસમાં રાજકોટની એક સમયની નામાંકિત ઈગલ ટ્રાવેલ્સ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કંપનીના બે સહમાલિકોની ધરપકડ થતાં સમગ્ર મામલો ફરી ચર્ચામાં આવ્યો છે.
વેટ ચોરી(Vat Evasion) કેસમાં આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે
મળતી માહિતી મુજબ, વેરા વસૂલાત માટે રચાયેલી ખાસ સ્કવોડે જયુભાઈ ગોળવાળાને અમદાવાદથી અને મનીષભાઈ ગોળવાળાને રાજકોટથી ઝડપી પાડ્યા છે. લાંબા સમયથી ચાલતા વેટ ચોરી કેસમાં આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
આ કેસમાં ખુલ્યું છે કે ઈગલ મોટર્સ પ્રા. લિ. કંપનીની સ્થાપના વર્ષ 2005માં થઈ હતી. કંપનીના સંચાલકોમાં રસિકભાઈ બાવરીયા (ગોળવાળા) સહિત પરિવારના અન્ય સભ્યો સામેલ હતા. સ્થાપનાના બે વર્ષ બાદથી જ કંપનીએ રાજ્ય વેરા અને કેન્દ્રીય વેચાણ વેરો સરકારમાં જમા કરાવવાનું બંધ કરી દીધું હતું.
તપાસ દરમિયાન સામે આવ્યું કે વર્ષ 2015 સુધીમાં બાકી રહેલી કરચોરી(Vat Evasion)ની રકમ લગભગ 28 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. આટલો મોટો વ્યવસાય હોવા છતાં કંપની આર્થિક રીતે નબળી પડી ગઈ હતી અને ફડચામાં ગઈ હોવાનું પણ જાણવા મળ્યું છે.
રાજ્ય વેરા કમિશનર દ્વારા વર્ષ 2015 અને 2019માં રિકવરી માટે નોટિસો પાઠવવામાં આવી હતી, છતાં આરોપીઓએ બાકી રકમ જમા ન કરાવતા અંતે તેમના સામે ફોજદારી ફરિયાદ નોંધવામાં આવી હતી.
હવે બંને સહમાલિકોની ધરપકડ બાદ આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ કેસમાં વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
