Lifestyle News: મુલાયમ, ઝગારા મારતી ત્વચા મેળવવી એ હવે લક્ઝરી નથી. સમજદારીપૂર્વક પ્રોડક્ટની પસંદગી કરીને તમે તમારી ત્વચાની વિશેષ સંભાળ રાખી શકો છો. હૅલ્ધી સ્કિનકૅરનું લક્ષ્ય સાધવા માટે, સતત ચાલતા વિજ્ઞાપનો અને સોશિયલ મીડિયાના પ્રભાવશાળી વ્યક્તિત્વોથી ભરેલી આ દુનિયામાં સ્કિનકૅર કરવી, એ સેલ્ફકૅરથી પણ મોંઘી લાગવા લાગી છે. એવા એવા સીરમ, કે જેનું તમે નામ સુધ્ધાં બોલી શકતા નથી, તથા એવા જાર, કે જેની કીંમત એક માસના કરિયાણાના સામાનથી પણ વધારે હોય છે, ત્યારે એવું લાગવા લાગે કે સારી ત્વચા મેળવવા માટે વધુ કીંમત તો ચૂકવવી જ પડે! પરંતુ, આ બાબતમાં સચ્ચાઇ નથી. આપણે આપણી ત્વચાને આરામથી સ્વયં મૅનેજ કરી શકીએ એમ છીએ. ત્વચાની સંભાળ બેશક જરૂરી છે, પરંતુ એ માટે વધારે પૈસા ખર્ચ કરવાની લગીરે જરૂર નથી. સૉફ્ટ, શાઇની સ્કિન હવે લક્ઝરી નથી. સમજદારીપૂર્વક પ્રોડક્ટ પસંદ કરીને તમે તમારી ત્વચાની વિશેષ સંભાળ રાખી શકો છો
પરંતુ, સૌ પ્રથમ તમારે એ જાણવું જોઇએ કે તમારી ત્વચાને આખરે જોઇએ છે શું? ચાલો જાણીએ આ વિશે-
1. સ્કિનને સમજવી
કંઇ પણ ખરીદતા પહેલા, પોતાની ત્વચાને ઓળખો. એવું જરૂરી નથી કે જે પ્રોડક્ટ તમારા ફ્રેન્ડની ત્વચાને અનુકૂળ હોય એ તમારી ત્વચાને પણ અનુકૂળ રહેશે જ! સૌથી પહેલા એ જાણવાનો પ્રયત્ન કરો કે તમારી ત્વચાનો પ્રકાર કયો છે? એનો મતલબ એ છે કે શું એ ઑઇલી છે, ડ્રાય છે કે પછી બંનેનું કૉમ્બિનેશન છે. કોઇ પણ પ્રોડક્ટ ખરીદતા પહેલા એનું લૅબલ વાંચી લો, આમ કરવાથી તમે મોંઘી પ્રોડક્ટને ખરીદવાની ભૂલ કરવાથી બચી જશો. એ વાત પર ધ્યાન આપો કે તમારી ત્વચા જુદી-જુદી ઋતુમાં કેવી રીતે પ્રતિસાદ આપે છે. જ્યાં સુધી તમે એને જાણી નહિ લો, ત્યાં સુધી બને તો કૉમન પ્રોડક્ટ જ ખરીદો.
2. સ્કિન ક્લીનિંગ
સૌથી પાયાનું અને મહત્વપૂર્ણ પગલું એ ત્વચાની યોગ્ય રીતે સફાઇ કરવાનું છે. પણ એમાં સમસ્યા એ નડે છે કે સ્કિનને વધુ પડતી ઘસવામાં આવે તો તે છોલાવા લાગે છે તથા ખરાબ પણ થઇ શકે છે. તમારે દિવસમાં બે વખત ચહેરાને ધોવો જોઇએ, એક વાર સવારે ઉઠતાવેંત તથા બીજી વખત રાતના સમયે. દિવસભરની ધૂળ, પરસેવા અને પ્રદૂષણને સાફ કરવા માટે ચહેરાને સારી રીતે ધોવો જેથી ત્વચા ક્લીન થાય. આ માટે તમારે જૅન્ટલ ક્લીંઝર વાપરવું જોઇએ, ફીણવાળું કે ખરબચડું નહિ. હાર્ડ ક્લીનર તમારી ત્વચાનું કુદરતી ઑઇલ હટાવી દે છે અને તમારી ત્વચાને શુષ્ક બનાવી દે છે.
3. મૉઇશ્ચરાઇઝ કરો
તમારી ત્વચા ભલે ગમે તે પ્રકારની હોય, મૉઇશ્ચરાઇઝ કરવાનું ટાળવું ઉચિત નથી. સૌપ્રથમ તો એ જાણી લો કે ઑઇલી સ્કિનને પણ ભીનાશની જરૂર હોય છે. ક્રીમ આધારિત મૉઇશ્ચરાઇઝર શુષ્ક ત્વચા માટે યોગ્ય સાબિત થાય છે. જ્યારે તૈલીય ત્વચા માટે, હળવું અને જૅલ આધારિત મૉઇશ્ચરાઇઝર વાપરવું ઉચિત છે. કૉમ્બિનેશન સ્કિન માટે બંને પ્રકારના મૉઇશ્ચરાઇઝર વાપરી શકાય.
4. સનસ્ક્રીન લૉશન
સૂર્યના તડકાથી ત્વચાનો બચાવ એ સ્કિનકૅરમાં ગંભીરતાપૂર્વક ધ્યાનમાં લેવા જેવો મુદ્દો છે. સૂરજનો તાપ ફક્ત ટૅનિંગ જ નથી કરતો, પરંતુ ઍજીંગની અર્થાત્ વયવૃધ્ધિની પ્રક્રિયાને પણ ઝડપી બનાવે છે, ત્વચાના પિગમૅન્ટેશનને ગાઢ બનાવે છે અને ત્વચાના કોષોને નુકસાન પહોંચાડે છે. ભલે ને વાદળછાયું વાતાવરણ હોય, તમે ઘરમાં હો કે બહાર, કે પછી સૂર્યપ્રકાશ તમારી બારીઓમાંથી અંદર આવતો હોય, સનસ્ક્રીન લૉશન હંમેશા તમારી ત્વચાનું રક્ષણ કરીને તેને મુલાયમ રાખે છે.
5. ઍક્સફૉલિઍશન
ઍક્સફૉલિઍશન ત્વચાના મૃત કોષોને દૂર કરવામાં મદદ કરે છે અને તમારી ત્વચાને મુલાયમ અને ચમકદાર બનાવે છે. પરંતુ આ પ્રક્રિયા વધુ પડતી માત્રામાં કરવાથી ત્વચામાં બળતરા, લાલાશ અને અતિસંવેદનશીલતા જેવી સમસ્યાઓ થઇ શકે છે. અઠવાડિયે ફક્ત એક જ વાર આમ કરવું જોઇએ, જેની શરુઆત લાઇટ ઍક્સફૉલિઍશનથી થવી જોઇએ. હાર્ડ સ્ક્રબ તમારી ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે, ખાસ કરીને ત્યારે, જ્યારે એમાં ખરબચડા ઘટકો સમાવિષ્ટ હોય. પ્રથમ તમારી ત્વચાને સાંભળો અને પછી તેની સંભાળ લો. જો ઍક્સફૉલિઍશન કર્યા બાદ ત્વચા શુષ્ક લાગે, તો એની માત્રા ઓછી કરો.
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
