ChatGPT/ ChatGPT શું છે, જે ગુગલ કરતા વધારે સારા જવાબો આપે છે

હાલના દિવસોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો વિસ્ફોટ થયો છે. જો તમે અખબારોનાં પાના ઊથલાવતાં હશો કે સોશિયલ મીડિયાની માલીપા ટેક્નોલોજીની દુનિયામાં ચાલી રહેલી વાતોથી થોડા ઘણા વાકેફ…

Mantavya Exclusive
What is ChatGPT

What is ChatGPT: હાલના દિવસોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો વિસ્ફોટ થયો છે. જો તમે અખબારોનાં પાના ઊથલાવતાં હશો કે સોશિયલ મીડિયાની માલીપા ટેક્નોલોજીની દુનિયામાં ચાલી રહેલી વાતોથી થોડા ઘણા વાકેફ રહેતા હશો, તો એક નામ તમારી આંખે જરૂર ચડ્યું હશે. તે નામ એટલે ‘ChatGPT’. આવો જોઈએ શું છે ChatGPT મંતવ્ય વિશેષમાં.

દર બીજા દિવસે ન્યૂઝ આવી રહ્યા છે કે ChatGPTએ અઘરામાં અઘરી પરીક્ષાઓનાં પેપર સોલ્વ કરી નાખ્યાં, ChatGPTએ ફલાણા નેતા વિશે આવું કહ્યું, ChatGPT આમ છે, તેમ છે વગેરે વગેરે. આ દિશામાં થોડું ખોતરશો તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું શું કરી શકે છે. તે જાણીને રોમાંચ પણ થશે અને તેના કરતાં વધારે તમારી કરોડરજ્જુમાંથી ભયનું એક લખલખું પણ પસાર થઈ જશે. કેમ કે, ChatGPT જેવા AI પ્રોગ્રામ એટલી બધી કળાઓમાં માહેર છે કે તે વિશ્વના કરોડો લોકોની નોકરીઓ પળવારમાં ખાઈ જશે અને ઓડકાર પણ નહીં લે!

શું છે ChatGPT?

ChatGPT એટલે કે ‘ચેટ જનરેટિવ પ્રિ-ટ્રેઇન્ડ ટ્રાન્સફોર્મર’ એક ચેટ બોટ છે. ચેટ બોટ એટલે જેની સાથે વાત કરી શકાય તેવો કોમ્પ્યૂટર પ્રોગ્રામ. અમેરિકાની ‘OpenAI’ નામની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નામની કંપનીએ આ ChatGPT વિકસાવ્યું છે. આ OpenAI કંપનીમાં માઇક્રોસોફ્ટનું એક અબજ ડૉલરનું રોકાણ છે. તે ઉપરાંત એલોન મસ્ક, પીટર થીલ જેવા સિલિકોન વેલીના માંધાતાઓએ પણ મબલખ નાણાં રોક્યાં છે. આ જ કંપની વિશ્વનું પાંચમું સૌથી શક્તિશાળી સુપરકોમ્પ્યૂટર પણ ચલાવે છે.

ChatGPTના નામમાં એક મહત્વનો શબ્દ છે ‘પ્રિ-ટ્રેઇન્ડ’. અત્યારના તબક્કે તેની પાસે 2021 સુધીનું વિશ્વભરનું નોલેજ છે. તમે chat.openai.com/chat વેબસાઇટ પર જશો, એટલે લોગઇનની સરળ વિધિ પતાવ્યા બાદ તે એક ખાલી સર્ચ બોક્સ આપણી સામે રજૂ કરશે. હવે તમે તેને જે સવાલ પૂછશો તેનો જવાબ તે લિટરલી ચપટી વગાડતાંમાં આપવા માંડશે. મોટે ભાગે તે એવા જવાબો આપશે જે વાંચીને તમને એવું જ લાગશે કે આપણે કોઈ કલિકાલસર્વજ્ઞ ઋષિમુની સાથે વાત કરી રહ્યા છીએ! એવા ગુરુ જેની પાસે વિશ્વનું બધું જ નોલેજ છે.

ChatGPT-દૂધ માગો તો ખીર લાવી આપતો AI ‘જિન’

તમે કહેશો કે આ બધું તો અત્યાર સુધી ગૂગલ પણ કરતું હતું, તો પછી આ ChatGPTમાં નવું શું છે? ગૂગલ અને ChatGPT વચ્ચે સૌથી મોટો તફાવત એ છે કે ગૂગલ આપણી સામે હજારો સર્ચ રિઝલ્ટનો ખડકલો કરી દે છે. તેમાંથી આપણને જોઈતી માહિતી તારવવાનું કામ આપણું. જ્યારે ChatGPT આપણને એક સમયે એક જ જવાબ, અને તે પણ વ્યવસ્થિત રીતે ટાઇપ કરીને આપે છે. જો તમને તે જવાબથી સંતોષ ન થાય, તો તમે બીજો જવાબ પણ માગી શકો. નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ વીડિયો, હોટસ્ટાર જેવાં OTT પ્લેટફોર્મ પર આપણી પસંદગીની ફિલ્મો કે વેબસિરીઝ સિલેક્ટ કરતી વખતે આપણા સૌનો અનુભવ છે કે જ્યારે આપણી સામે વિકલ્પોનો ઢગલો કરી દેવામાં આવે ત્યારે આપણો મોટાભાગનો સમય શું જોવું તે સિલેક્ટ કરવામાં જ જતો રહે. જ્યારે ChatGPT અલાદ્દીનના ચિરાગની જેમ આપણને જોઇતા જવાબનું મોતી જ શોધી લાવે! તમે ઇચ્છો તો ChatGPT પાસે તમારું હોમવર્ક, ઓફિસવર્ક કરાવી શકો, રજાચિઠ્ઠી પણ લખાવી શકો, કે સારાં પુસ્તકો, સારી ફિલ્મો, સારાં પ્રવાસન સ્થળો વગેરે અનેક જાતનાં સજેશન પણ લઈ શકો. તમે તેની પાસે તમારા પ્રિયપાત્ર માટે લવલેટર પણ લખાવી શકો, કવિતાઓ અને શાયરીઓ પણ લખાવી શકો, અથવા તો ગ્રાહક સુરક્ષા મુદ્દે ફરિયાદ કરતા લેટર પણ લખાવી શકો. આ ChatGPT કે તેનાં જેવાં કોઇપણ AI મોડેલ દ્વારા આપવામાં આવેલા જવાબોને ગૂગલ પર સર્ચ મારીને ક્રોસ ચેક કરીએ ત્યારે આપણું આશ્ચર્ય બેવડાઈ જાય છે. કેમ કે, તે અન્ય કોઈ વેબસાઇટ પર ઓલરેડી છપાયેલા જવાબો આપણને ચીપકાવી નથી દેતું, બલકે જાણે કોઈ માણસ લખતો હોય તે રીતે નવેસરથી જવાબ ‘ક્રિએટ’ કરીને, ‘લખીને’ આપે છે!

જેમ કે, અમે આ સ્ટોરી લખવા માટે ChatGPTને પૂછ્યું કે ભઈ, પહેલાં તો તું અમને એ કહે કે તું પુરુષ છો કે સ્ત્રી? ત્યારે ચેટ-જીપીટીએ પટ્ દઇને જવાબ આપ્યો કે હું તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સવાળું લેંગ્વેજ મોડેલ છું. મને સ્ત્રી કે પુરુષ જેવી કોઈ જેન્ડર આઇડેન્ટિટી નથી. મારું કામ તમારા સવાલોના જવાબ આપવાનું ને તમને સજેશન આપવાનું છે. અચ્છા, ત્યાર પછી અમે ChatGPTને પૂછ્યું કે અમને ગુજરાતીમાં એક કવિતા સંભળાવો. ત્યારે એણે અગેઇન પટ્ દઇને નરસિંહ મહેતાની એક પંક્તિ રજૂ કરી બતાવી. સાથોસાથ એ પણ લખ્યું કે નરસિંહ મહેતા ગુજરાતના પંદરમી સદીના ભક્તકવિ હતા. નરસૈયાની પંક્તિ ગુજરાતીમાં રજૂ કરીને વણમાગ્યે તેણે તેનું અંગ્રેજી ટ્રાન્સલેશન પણ આપી દીધું, બોલો! જોકે સારો એવો સમય ChatGPT સાથે વિતાવ્યા પછી અમે એ તારણ પર પહોંચ્યા છીએ કે હજુ તેનું હિંદી અને ગુજરાતી કાચું છે. પરંતુ આ તો મશીન છે, અંગ્રેજી, ગુજરાતી જ નહીં, દુનિયાની કોઇપણ ભાષામાં મહારત મેળવતાં અને એક ભાષામાંથી બીજી ભાષામાં અનુવાદ કરતાં તેને કંઈ ઝાઝો સમય લાગવાનો નથી તે હકીકત છે.

ChatGPT તો જાણે આપણે લખેલા સવાલોના જવાબો આપે છે. પરંતુ અત્યારે વિશ્વભરમાં હજારો ટેક્નોલોજી કંપનીઓ પોતપોતાનાં AI મોડેલ વિકસાવવામાં પડી છે. ભારતમાં પણ આવી AI કંપનીઓની સંખ્યા સેંકડોમાં થવા જાય છે. ભારતમાં વિપ્રો, TCS, ઇન્ફોસિસ, એક્સેન્ચર જેવી જાયન્ટ કંપનીઓ AI વિકસાવી રહી છે. જ્યારે ‘હેપ્ટિક’ નામની AI કંપનીએ બિઝનેસનો ચેટબોટ વિકસાવ્યો છે. ‘Niramai’ નામની કંપનીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને એવું સોફ્ટવેર આધારિત ટૂલ વિકસાવ્યું છે, જે કહી આપે છે કે કોઈ સ્ત્રીને ભવિષ્યમાં સ્તન કેન્સર થશે કે કેમ. ‘SigTuple’ નામની કંપનીએ લેબોરેટરીનું તમામ કામ AIને હવાલે કરી દીધું છે. એક જ સમયે તે સંખ્યાબંધ બ્લડ, યુરિન સેમ્પલ ચકાસીને તેના રિપોર્ટ કાઢી આપે છે, એટલું જ નહીં, તેને વિશ્વભરમાં ગમે ત્યાં મોકલી પણ આપે છે. આવી તો ઢગલાબંધ કંપનીઓ ચૂપચાપ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ક્રાંતિ લાવી રહી છે.

આ ક્રાંતિથી દુનિયાભરની સ્કૂલ-કોલેજો સફાળી જાગી ગઈ છે. ગયા મહિને જ ન્યૂયોર્ક સિટીની સ્કૂલોમાં ChatGPT વાપરવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. હોંગકોંગમાં પણ આવો જ નિર્ણય લેવાયો. ChatGPTની રાતોરાત વધી ગયેલી લોકપ્રિયતા અને ખાસ તો વિદ્યાર્થીઓ દ્વારા તેનો દુરુપયોગ કરાતો જોઇને બેંગલુરુની એક યુનિવર્સિટીએ તાત્કાલિક અસરથી ChatGPT અને અન્ય AI ટૂલ્સ કેમ્પસની અંદર વાપરવા પર પ્રતિબંધ લાદી દીધો. તેનું કારણ એ હતું કે વિદ્યાર્થીઓ પોતાનાં અસાઇનમેન્ટ કરવાનું કામ ChatGPT પાસે કરાવી લેતા હતા!

આપણા મોબાઇલ ફોનમાં રહેલા ‘ગૂગલ આસિસ્ટન્ટ’ કે ‘સિરી’ જેવા આસિસ્ટન્ટ પણ AIનું જ એક ઉદાહરણ છે. ઘણી કંપનીઓએ તો ગ્રાહકોની ફરિયાદો સાંભળવા માટે ‘ચેટબોટ’ સોફ્ટવેર વેચાતા લઇને તેને કામે પણ લગાડી દીધા છે. યાને કે કસ્ટમર કેરમાં ફોન કરીને ‘હિન્દી કે લિયે 2 દબાઇયે, ગુજરાતી માટે 3 દબાવો, મુખ્ય મેન્યુમાં જવા માટે 8 દબાવો’ વગેરે જફાનો છેદ ઊડી જવાનો છે. અત્યારના તબક્કે સૌથી રસપ્રદ ક્રાંતિ આવી રહી છે ભાષા, સંગીત, ચિત્રકામ, મીડિયા વગેરે જેવા ક્રિએટિવ ફિલ્ડમાં. તેમાં એવાં એવાં ટૂલ અસ્તિત્વમાં આવી ચૂક્યાં છે અને કામ કરતાં થઈ ગયાં છે જેના વિશે જાણીને આપણું દિમાગ ફેરફુદરડી ખાઈને ભફાંગ થઈ જાય! તેનાં થોડાં સેમ્પલ ચેક કરી જોઇએ…

Dall-E: તમે આદેશ આપો અને ચિત્ર તૈયાર!

આ ChatGPT બનાવનારી ઓપન AI કંપનીએ જ બનાવેલો AI પ્રોગ્રામ છે ‘Dall-E’. તમે સાદી ભાષામાં તેને કમાન્ડ આપો અને તે શબ્દો વાંચીને તે અદભુત રિયલ લાગે તેવું ચિત્ર તૈયાર કરી આપે. આ વાત ચેક કરવા માટે અમે Dall-Eને કહ્યું કે, ‘અમદાવાદના સરખેજ-ગાંધીનગર હાઇવે પર આંટો મારી રહેલા હાથીની તસવીર બનાવી આપ.’ અમે એક બે ને સાડાત્રણ ગણ્યા ત્યાં સુધીમાં તેણે અમને આ સિચ્યુએશનવાળી એક નહીં, બલકે ચાર તસવીરો રજૂ કરી આપી! વળી, એ તસવીરો એટલી બધી રિયલિસ્ટિક હતી કે જોનારને ખબર જ ન પડે કે આ કોઇએ પાડેલો ફોટોગ્રાફ નથી, બલકે કોમ્પ્યૂટરના પ્રોગ્રામની કમાલ છે! અને સૌથી રસપ્રદ વાત એ છે કે અતિશય લાંબાં દંતશૂળ ધરાવતું હાથીઓના પૂર્વજ જેવું આ પ્રાણી આજથી લાખો વર્ષો પહેલાં જ લુપ્ત થઈ ચૂક્યું છે! ત્યારબાદ અમે Dall-Eને આદેશ આપ્યો કે મહાત્મા ગાંધીજીનું ચિત્ર બનાવો, પરંતુ તે ચિત્ર 19મી સદીના ખ્યાતનામ ડચ પેઇન્ટર વિન્સેન્ટ વાન ગોગની સ્ટાઇલમાં હોવું જોઇએ. ગણતરીની સેકન્ડોમાં જ આ ટૂલે ગાંધીજીનું અદ્દલ વિન્સેન્ટ વાન ગોગે બનાવ્યું હોય તેવી સ્ટાઇલમાં પેઇન્ટિંગ બનાવી આપ્યું.

 ‘બીટોવન’: ગમે તેવો ઔરંગઝેબ હવે સંગીતકાર બની જશે!

અઢારમી સદીના જર્મનીમાં લુડવિગ વાન બીથોવન નામનો જિનિયસ સંગીતકાર થઈ ગયો. વિશ્વમાં સંગીતની દુનિયામાં બે જ નામ સૌથી વધુ જાણીતાં છે, એક, મોઝાર્ટ અને બીજો બીથોવન. એવા બીથોવનના નામ પરથી બે ભારતીય જુવાનિયાઓએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ કંપની સ્થાપી છે. નામ આપ્યું છે ‘બીટોવન’ . સિદ્ધાર્થ ભારદ્વાજ અને મન્સૂર રહિમત ખાન નામના આ બે ભેજાબાજ યુવાનોએ AIની મદદથી એવું ટૂલ વિકસાવ્યું છે, જેમાં ગમે તેવો સંગીત સાથે બાપે માર્યાં વેર હોય તેવો ઔરંગઝેબ પણ જાતભાતનું સંગીત ક્રિએટ કરી શકે છે. આપણે બસ, www.beatoven.ai સાઇટ પર લોગઇન થવાનું, કેટલી મિનિટનો મ્યુઝિકલ પીસ જોઇએ છે અને તેનો ટેમ્પો ફાસ્ટ, મીડિયમ કે સ્લો કેવો રાખવો છે, તે કહેવાનું. ત્યારબાદ આ પ્રોગ્રામ તમને પૂછશે કે તમારે તમારા સંગીતની સ્ટાઇલ કેવી રાખવી છે? યાને કે, તેને ઇન્ડિયન રાખવું છે, હિપહોપ જોઇએ છે, ઇન્ડિ કે પછી ઇલેક્ટ્રોનિક રાખવું છે? માની લો કે તમે ‘ભારતીય’ શૈલી સિલેક્ટ કરો, એટલે 16 પ્રકારનાં ઇમોશન્સનું લિસ્ટ હાજર થઈ જાય. તેમાં શાંત, દુઃખી, ખુશ, ઉત્સાહપ્રેરક, ગુસ્સાવાળું, રિલેક્સ કરે તેવું, આનંદી, ડરામણું, ઊર્જાથી તરબતર વગેરેનો સમાવેશ થાય છે. આપણે ભારતીય શૈલી સિલેક્ટ કરી છે એટલે તેમાં ભારતીય સિતાર, સારંગી, વાંસળી, સંતૂર, તબલાં, સરોદ વગેરે વાદ્યો સંભળાશે. તેમાંથી કોઈ સિલેક્ટ કરો એટલે ચપટી વગાડતાંમાં આપણે માગેલી લંબાઈની એટલે કે એક મિનિટની સંગીતની ધૂન તૈયાર! આ તૈયાર થયેલી ટ્યુનને તમે ત્યાં ને ત્યાં જ કમ્પોઝ પણ કરી શકો ને તેમાં એડિટિંગ પણ કરી શકો અને એકદમ ફ્રીમાં ડાઉનલોડ કરીને તમારા યુટ્યૂબ વીડિયો કે પોડકાસ્ટ વગેરેમાં વાપરી પણ શકો! સાંભળીને કોઈ કહી જ ન શકે કે આ ધૂન કોઈ સિદ્ધહસ્ત સંગીતકારે નહીં, પરંતુ એક કોમ્પ્યૂટર સોફ્ટવેરે તૈયાર કરી છે!

સ્કાય ઇઝ ધ લિમિટ

ઉપર વર્ણવ્યાં એ તો પાશેરામાં પૂણી જેવાં માત્ર ચપટીભર ઉદાહરણો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લેખો-રિપોર્ટ-કવિતાઓ, લખી આપશે, કોઇપણ ઘટનાઓ-વ્યક્તિની ટેવો વગેરેના ઇતિહાસ અને વર્તમાનનો અભ્યાસ કરીને તેનું સચોટ ભવિષ્ય કહી આપશે, રોબોટ્સ અને ડ્રાઇવર વિનાનાં વાહનોને ચલાવી શકશે, ક્રેડિટ કાર્ડ-ઇન્શ્યોરન્સ વગેરેની છેતરપિંડીઓને પકડી પાડશે, પર્યાવરણમાં જે ઊથલપાથલ થઈ રહી છે તેનું ભવિષ્ય પણ કહી આપશે. માઇક્રોસોફ્ટે ઓલરેડી પોતાના સર્ચ એન્જિન ‘બિન્ગ’માં ઓલરેડી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વિન્ડો ઉમેરી દીધી છે. ગૂગલે પણ તેની સામે પોતાનું ‘બાર્ડ’ નામનું AI રિઝલ્ટ આપતું ટૂલ જાહેર કરી દીધું છે… ChatGPT એ આપણું ભવિષ્ય છે. AI અને ChatGPT આપણામાંથી ઘણાની નોકરી પણ ખાઈ જશે અને નવી રોજગારીનું સર્જન પણ કરશે. આ સાથે જે લોકો પાસે નવા પ્રકારની સ્કિલ હશે તે ChatGPT સાથે કામ કરી શકશે.