Exclusive/ ગુજરાત સરકારના મંત્રીમંડળ બાદ અંગત સ્ટાફમાં પણ નો રિપીટ ફોર્મુલા

સવાલ એવો પણ થઇ રહ્યો છે કે શું હવે આ બાકીના પદ માટે પણ નો રિપિટ થિયરી લાગું થશે. કે પછી મંત્રીઓની ડિમાન્ડ મુજબ સ્ટાફ ગોઠવાશે?

Gujarat Mantavya Exclusive
sachivalay 3 ગુજરાત સરકારના મંત્રીમંડળ બાદ અંગત સ્ટાફમાં પણ નો રિપીટ ફોર્મુલા

ગુજરાતના મંત્રીમંડળમાં નો રીપિટ થિયરીની લાગે છે કે મોસમ ચાલી છે કે પછી એક વિચારશીલ રણનિતીના ભાગરૂપે ૨૦૨૨ને ધ્યાનમાં રાખીને એક ચોક્કસ ફોર્મુલા નક્કી કરવામાં આવી છે. કારણ કે જેમ અગાઉ આપણે જોયું તેવી રીતે ગુજરાત સરકારના મંત્રીમંડળમાં નો રિપિટ થિયરી લાગું કરીને જબરજસ્ત માસ્ટરસ્ટ્રોક ફટકારાયો અને સરકાર કામ કરવા માંડી. નવા ચહેરાઓ દોડવા પણ માંડ્યા. હવે સરકારની રચનાના લગભગ ૩૦ દિવસ બાદ ફરી એક વાર નો રિપીટ થિયરીની ફોર્મુલા સામે આવી છે. અને તેને નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ઐતહાસિક નિર્ણય માનવામાં આવી રહ્યો છે.

વાત એમ છે કે કેબિનેટ કક્ષાના અને રાજ્ય કક્ષાના મંત્રીઓ માટે આજે ૭૨ જેટલા PS, PA અને અંગત મદદનીશની નિમણૂંક કરવામાં આવી. હવે અહી પણ રાજ્ય સરકારની નો રિપિટ થિયરીની ફોર્મુલા આગળ વધતી જોવા મળી. જે સ્ટાફની નિમણૂંક કરવામાં આવી છે તે તમામ ચહેરા તદ્દન નવા છે. તેમાં આગળના મંત્રીઓની સાથે ફરજ બજાવી ચૂકેલા સ્ટાફમાંથી કોઇની પણ પસંદગી કરવામાં આવી નથી. નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો આ ઐતહાસિક નિર્ણય છે કે પછી આ ફોર્મુલા પાછળ કોઇનો દોરી સંચાર? તે વિચાર માંગે તેવો વિષય છે.

sachivalay 1 ગુજરાત સરકારના મંત્રીમંડળ બાદ અંગત સ્ટાફમાં પણ નો રિપીટ ફોર્મુલા

મંત્રી મંડળની રચના બાદ છેલ્લા કેટલાય સમયથી મંત્રીઓના અંગત સ્ટાફને લઇને દોડધામ ચાલતી હતી. અને જૂના સ્ટાફને પણ ક્યાંકને ક્યાંક એવી આશાઓ હતી કે તેમનો મેળ પડી જશે. પણ ખુબ લાંબી ગહનચર્ચા બાદ લેવાયેલા નિર્ણયમાં જૂના સ્ટાફની આશાઓ પર પાણી ફરી વળ્યુ છે. જો કે આ પહેલાં ઘણા સમયથી નવા સ્ટાફનું લીસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યુ હતું. અને તે લીસ્ટના એક એક મેમ્બરની ગૃહવિભાગ પાસે ચોકસાઇથી ચકાસણી પણ કરવામાં આવી હતી. કે જે લોકોને લેવાઇ રહ્યા છે તેમનો કોઇ ગુનાહિત ઇતિહાસ તો નથી ને ! આ બધુ ચારેબાજુથી જોઇને આખરે ૭૨ની આ યાદી પર મહોર મારવામાં આવી છે.

જો કે આ તમામ નિમણૂંકમાં પણ એક વાત ધ્યાન ખેચે તેવી છે. અને તે એ છે કે આ નવી નિમણૂંકમાં મંત્રીઓની ડિમાન્ડને પણ ના મંજુર કરી દેવામાં આવી છે એટલે કે મંત્રીઓએ જેની પસંદગીને આગળ કરી હોય તેના બદલે કોઇ નવી જ વ્યક્તિને તેમના સ્ટાફમાં સ્થાન અપાયુ છે. અને મંત્રીમંડળની જેમ અંગત સ્ટાફમાં પણ નો રિપિટ થિયરીને લાગું કરવામાં આવી છે.

sachivalay 2 ગુજરાત સરકારના મંત્રીમંડળ બાદ અંગત સ્ટાફમાં પણ નો રિપીટ ફોર્મુલા

તમને જણાવી દઇએ કે એક કેબિનેટકક્ષાના મંત્રીને ૧પથી ૧૭ જેટલા લોકોનો અંગત સ્ટાફ ફાળવવામાં આવે છે. અને એક રાજ્યકક્ષાના મંત્રીને ૧૦થી ૧૨ લોકોનો અંગત સ્ટાફ અપાય છે. જેમાં હાલ ત્રણ પદની નિમણૂંક કરવામાં આવી છે. અને બાકીના પદોની ભરતી બાકી છે ત્યારે સવાલ એવો પણ થઇ રહ્યો છે કે શું હવે આ બાકીના પદ માટે પણ નો રિપિટ થિયરી લાગું થશે. કે પછી મંત્રીઓની ડિમાન્ડ મુજબ સ્ટાફ ગોઠવાશે?

વાત સ્પષ્ટ છે કે આગામી ૨૦૨૨ની ચૂંટણીઓ પહેલાં ભાજપ કોઇ પણ જાતની કોઇ કસર છોડવા માંગતું નથી. જનતાના દિમાગમાં એકદમ નવુ એસ્ટાબ્લિસમેન્ટ ગોઠવવા માંગે છે જેની સામે કોઇ તરત જ આંગળી ન કરી જાય. અને સરકારની ખરીખોટી ન થાય. જેનાથી આગળના સમયમાં જ્યારે ચૂંટણીઓ વખતે લોકોની વચ્ચે જવાનું થાય ત્યારે જનતાની કોઇ ફરિયાદ ન સાંભળવી પડે.