મોંઘવારી મોંઘવારી મોંઘવારી/ જથ્થાબંધ ફુગાવો ૧૫ %ને પાર, શ્રીમંતોને અનુભવાઈ રહી છે મોંઘવારી

જથ્થાબંધ મોંઘવારી દરે પણ નવો રેકોર્ડ બનાવ્યો છે અને તે ૧૫ ટકાને પાર કરી ગયો છે. ૧૯૯૮ પછી આ પ્રથમ વખત છે જ્યારે જથ્થાબંધ મોંઘવારી દર ૧૫ ટકાને વટાવી ગયો છે. અગાઉ ડિસેમ્બર ૧૯૯૮માં જથ્થાબંધ ફુગાવો ૧૫ ટકાથી ઉપર હતો.

Top Stories Business
જથ્થાબંધ ફુગાવો

મોંઘવારી માઝા મૂકી રહી છે એ વાત હવે પાનાના ગલ્લાઓ ઉપર હસીને નથી થતી પરંતુ મોંઘી થતી ચીજવસ્તુઓના આંકડાઓ સામાન્ય માણસનું બ્લડપ્રેશર વધારે છે. માત્ર મધ્યમ વર્ગ નહિ પરંતુ શ્રીમંત વર્ગને પણ મોંઘવારી સતાવી રહી તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ગ્રાહક સ્તરનો મોંઘવારી દર ૧૮ મહિનાની ટોચે પહોંચ્યા બાદ હવે આજે જાહેર થયેલ આંકડા અનુસાર ભારતમાં જથ્થાબંધ ફુગાવા માં પણ તીવ્ર વધારો જોવા મળ્યો છે. જથ્થાબંધ ફુગાવા ને નવા વિક્રમી સ્તરે પહોંચાડવામાં સૌથી મોટો ફાળો ખાદ્યપદાર્થોથી માંડીને જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં થયેલા વધારાનો છે. આજે સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર એપ્રિલમાં જથ્થાબંધ મોંઘવારી દર ૧૫.૦૮ ટકાના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે. નોંધનીય છે કે ગત મહિને માર્ચમાં WPI Inflation Index ૧૪.૫૫ ટકા હતો. જે ગત વર્ષના સમાન સમયગાળામાં ૧૦.૭૪ ટકા હતો.

પેટ્રોલ-ડીઝલ-ગેસ બાદ અન્ય ચીજવસ્તુઓના ભાવ આસમાને આંબતા દેશના જથ્થાબંધ મોંઘવારી દરમાં પણ રેકોર્ડ સ્તર જોવા મળી રહ્યાં છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે માસિક રિપોર્ટમાં જણાવ્યું એપ્રિલ, ૨૦૨૨માં ફુગાવાનો ઊંચો દર મુખ્યત્વે ખાદ્ય અને અન્ય તેલ, કોમોડિટી, ક્રૂડ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, ખાદ્ય પદાર્થો, બિન-ખાદ્ય ઉત્પાદનો અને કેમિકલના ભાવ વધારાને કારણે છે. સરકારી ડેટા અનુસાર શાકભાજી, ઘઉં, ફળો અને બટાટાના ભાવમાં એક વર્ષ અગાઉની સરખામણીએ તીવ્ર વધારો જોવા મળતાં ખાદ્ય ચીજવસ્તુઓમાં ફુગાવો ૮.૩૫ ટકા રહ્યો હતો. આ સિવાય ફ્યુઅલ અને પાવરમાં ફુગાવો ૩૮.૬૬ ટકા હતો. ચોંકાવનારો આંકડો ક્રૂડ પેટ્રોલિયમ અને નેચરલ ગેસના ફુગાવોનો છે, જે એપ્રિલમાં ૬૯.૦૭ ટકા હતો. આમ જીવન જીરૂરીયાતની વસ્તુના ભાવ સતત વધી રહ્યા છે. ભારતમાં મોંઘવારી સતત વધી રહી છે. રિટેલ ફુગાવો પહેલેથી જ ૮ વર્ષની ટોચે છે. હવે જથ્થાબંધ મોંઘવારી દરે પણ નવો રેકોર્ડ બનાવ્યો છે અને તે ૧૫ ટકાને પાર કરી ગયો છે. ૧૯૯૮ પછી આ પ્રથમ વખત છે જ્યારે જથ્થાબંધ મોંઘવારી દર ૧૫ ટકાને વટાવી ગયો છે. અગાઉ ડિસેમ્બર ૧૯૯૮માં જથ્થાબંધ ફુગાવો ૧૫ ટકાથી ઉપર હતો.

આ પણ વાંચો : વવાણિયામાં માતૃશ્રી રામબાઇમા જગ્યામાં સાડાપાંચ કરોડનાં કામોનું સીએમના હસ્તે લોકાર્પણ