Dharm & Bhakti: ભગવાન શિવ (Lord Shiva)ના બે સ્વરુપો છે…એક આદર્શ ગૃહસ્થ અને બીજું સ્મશાનના દેવતા…શિવજીનો સ્મશાનવાસ જીવન-મૃત્યુના ચક્ર અને વૈરાગ્યનું પ્રતીક ગણાય છે જે સર્વ મોહ-માયાથી પરે રહેવાની યાદ અપાવે છે.
મહાશિવરાત્રિએ સૌથી રહસ્યમય દેવતા ભગવાન શિવ (Lord Shiva) આરાધના
આ વર્ષે મહાશિવરાત્રિનું પર્વ 15 ફેબ્રુઆરી 2026 (Mahashivratri, 15 February 2026) રવિવારના રોજ મનાવવામાં આવશે. આ પર્વ ભગવાન શિવને સમર્પિત સૌથી મોટો અને પવિત્ર દિવસ ગણાય છે. ભક્તજનો આખી રાત જાગરણ કરે છે અને શિવપૂજનમાં મગ્ન રહે છે. શિવલિંગ પર જળાભિષેક અને બીલીપત્ર અર્પણ કરે છે. ભોળાનાથના વિભિન્ન સ્વરુપોનું સ્મરણ કરે છે. પરંતુ, ભગવાન શિવનું એક રુપ એવું પણ છે જે જોઇને લોકોના મનમાં અનેક પ્રશ્નો ઉદ્ભવે છે! આ સ્વરુપ છે સ્મશાનવાસી વૈરાગી શિવ (Smashanvasi Shiv)નું…

હિન્દુ સનાતન પરંપરામાં ભગવાન શિવને સૌથી રહસ્યમય દેવતા માનવામાં આવે છે. એક તરફ તો એ આદર્શ ગૃહસ્થ છે અને શિવ પરિવારમાં માતા પાર્વતી, ભગવાન ગણેશ, કાર્તિકેય અને નંદી (Shiv Pariwar Goddess Parvati, Lord Ganesha, Kartikeya and Nandi)નો સમાવેશ થાય છે. એ કૈલાશ પર્વત પર પોતાના પરિવાર સહિત નિવાસ કરે છે આથી જ એમને કૈલાશપતિ કહેવામાં આવે છે. પણ અહિં વિચારવાલાયક બાબત એ છે કે જો એ પરિવાર સાથે રહે છે તો એ પોતાનું નિવાસસ્થાન અંતિમ ધામ (Antim Dham)ને કેમ માને છે? ચાલો એની પાછળનું તર્કસંગત રહસ્ય જાણીએ…

ગૃહસ્થ હોવા છતાંયે શિવને સ્મશાન કેમ પસંદ છે?
સામાન્યત: ભગવાન શિવને એક પરિવાર સહિત પૂજવામાં આવે છે. તમે જોશો તો ઘણા બધા ઘરમાં શિવ-પાર્વતી, ગણેશ અને કાર્તિકેયની તસવીરો જોવા મળશે! આપણને પ્રશ્ન અવશ્ય થાય કે, શિવ એક આદર્શ ગૃહસ્થ હોવા છતાં એમનું એક સ્વરુપ સ્મશાન સાથે કેમ જોડાયેલું છે? આપણા મનોમસ્તિષ્કને આ સવાલ ક્યારેક નો ક્યારેક તો ઝંઝોડે જ છે!
વાસ્તવમાં કોઇ પણ વ્યક્તિ જ્યારે કોઇના પણ અંતિમ સંસ્કાર (Antim Sanskar)માં જાય છે ત્યારે એને એક પળ માટે તો જીવનની નશ્વરતાનો અહેસાસ થાય જ છે. જીવનની તમામ ભાગમભાગ, ધન-સંપત્તિ અને અહંકાર અહિં આવતા જ વિરમી જાય છે! આ જ ભાવનાને શાસ્ત્રોમાં વૈરાગ્ય ભાવ કહેવામાં આવે છે. ભગવાન શિવનું સ્મશાનમાં નિવાસ કરવાનું તાત્પર્ય એ જ છે કે, સંસારમાં રહેવા છતાં મનને મોહ-માયાથી અલિપ્ત રાખવું જોઇએ…

ત્રિદેવોમાં શિવ છે સંહારના દેવતા અને મુક્તિદાતા
ભગવાન શિવના સ્મશાનવાસ પાછળ એક ગહન ધાર્મિક આસ્થા જોડાયેલી છે. એવું માનવામાં આવે છે કે, સંસાર હંમેશા એકસમાન નથી રહેતો, ક્યારેક નિર્માણ હોય છે તો ક્યારેક વિનાશ!
મનુષ્ય જન્મે છે ત્યારથી માંડીને મૃત્યુ પામે છે ત્યાં સુધી સંસારના વિષચક્રમાં ગોથા ખાતો રહે છે અને અંતે તો એનો અંતિમ પડાવ તો સ્મશાન ભૂમિ જ હોય છે! પરંતુ જીવતેજીવત એ આ સત્ય ક્યારેય સ્વીકારતો નથી એ વિડંબના છે!
બ્રહ્મા સૃષ્ટિના સર્જનહાર છે, વિષ્ણુ પાલનકર્તા અને શિવ સંહારના દેવ (Brahma, Vishnu, Destroyer Shiv) ગણાય છે. જીવનના સોળ સંસ્કાર પૈકીનો અંતિમ સંસ્કાર થતાની સાથે જ જીવની શિવ તરફ ગતિ થાય છે. અને અંતિમ ધામ પહોંચીને મનુષ્ય કેવળ શરીરથી જ નહિં પણ તમામ સંબંધો અને બંધનોમાંથી મુક્તિ મેળવી લે છે! બધું જ અગ્નિમાં ભસ્મ થઇ જાય છે અને એકમાત્ર આત્મા જ શેષ રહે છે.

ધાર્મિક માન્યતાનુસાર, મૃત્યુ બાદ આત્મા પરમ તત્વમાં વિલીન થઇ જાય છે. શિવ એ જ પરમ તત્વનું પ્રતીક છે. આથી જ કહેવાય છે કે, ભગવાન શિવનો નિવાસ એવા સત્યને ઉજાગર કરે છે કે, જે અનુસાર મૃત્યુ અને જીવન (Life-Death) એ સંસારચક્રના બે પૈડાં છે. જે જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત છે અને અંતે તો સર્વ કંઇ શિવ તત્વમાં જ વિલીન થઇ જાય છે! આથી જ એમને અંતિમ ધામના દેવતા તરીકે પૂજવામાં આવે છે.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો: 5 રાશિઓ પર શનિની વક્ર દ્રષ્ટિ…મહાશિવરાત્રિની સાંજે ચૂપચાપ કરવા આ 5 દાન…સંકટ ટળી જશે!
આ પણ વાંચો: માયાવી ગ્રહ રાહુ બન્યો શક્તિશાળી, 2026માં આર્થિક અને કેરિયર ક્ષેત્રે આ રાશિઓનો ગોલ્ડન ટાઇમ…
આ પણ વાંચો: વર્ષ 2026નું પહેલું ચંદ્રગ્રહણ આ 3 રાશિઓ માટે લાવશે મુસીબત! જાણો શું કરવું અને શું નહીં
