૧૯૬૪ બાદ શરૂ થયેલો સિલસિલો આજે પણ યથાવત
@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર
આપણો ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે ૧૯૪૭ માં આઝાદ થયેલા ભારત દેશે સાત દાયકા કરતા વધુ સમયથી લોકશાહી ટકાવી રાખી છે. પરંતુ પહેલા વડાપ્રધાન સિવાયના બધા જ વડાપ્રધાનોને બીજી ટર્મમાં કા તો સત્તા છોડવી પડી છે અથવા તો આફત સભર સમયગાળામાંથી પસાર થવું પડ્યું છે.
આ અંગે વાત કરીએ તો પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ ૧૯૪૭ થી ૧૯૬૪ સુધી રાજ કર્યું હતું તેમાં છેક ૧૯૬૨માં ચીન સામેનો સંઘર્ષ તેમના માટે પણ દુઃખદ સ્વપ્ન સમો પુરવાર થયો હતો. તેમના નિધન બાદ સત્તા પર આવેલા લાલબહાદુર શાસ્ત્રીનું દોઢ બે વર્ષના ટૂંકા ગાળામાં નિધન થયું હતું. શાસ્ત્રીજી બાદ દેશનું સુકાન સંભાળનાર નહેરૂ પુત્રી ઇન્દિરા ગાંધી ૧૯૬૭ની ચૂંટણી તો જીત્યા પણ ત્યાર બાદ કૉંગ્રેસનું વિભાજન અને ત્યારબાદ ૧૯૭૧માં ચૂંટણી તો જીત્યા પણ પાકિસ્તાન સામેના યુદ્ધના કપરા છતાં સફળ પડકારનો સામનો કરવો પડ્યો.
૧૯૭૫માં તેમની ચૂંટણી અલાહાબાદ હાઇકોર્ટે રદ કરી અને સર્વોદય નેતા જયપ્રકાશ નારાયણની આગેવાની હેઠળ સંપૂર્ણ ક્રાંતિ આંદોલન આવી પડ્યું. આ આંદોલનના કારણે ૧૯૭૫માં કટોકટી લાદવી પડી અને વિપક્ષી નેતાઓને જેલમાં પુરી દઈ અખબારો પર સેન્સરશીપ સહિતના પગલાં તેમને ભારે પડયા અને ૧૯૭૭ની ચૂંટણીમાં પોતે પણ હાર્યા અને તેમના પક્ષ કોંગ્રેસને પણ સત્તા ગુમાવવી પડી.
૧૯૭૭માં પ્રથમ બિન કોંગ્રેસી સરકાર રચનાર મોરારજીભાઈ દેસાઈ પણ તત્કાલીન વિપક્ષમાં ભંગાણના કારણે લાબું ટકી ન શક્યાં, ત્યારબાદ ચૌધરી ચરણસિંહ પણ ગણતરીના દિવસો સુધીજ ટકી શક્યા. ૧૯૮૦માં ફરી સત્તા પર આવેલા શ્રીમતી ઇન્દિરા ગાંધીએ આતંકવાદનો સામનો કરવા વધુ કડક પગલાં ભર્યા પણ તેઓ પોતાના આતંકવાદી કાવતરાના કારણે તેમના અંગરક્ષકોની ગોળીનો શિકાર બન્યા. તેમના સ્થાને સત્તા પર આવેલ તેમના મોટા પુત્ર રાજીવ ગાંધી ૧૯૮૪માં ભારે બહુમતીથી ચૂંટણી તો જીત્યા પણ ૧૯૮૯માં તેમને પણ સત્તા ગુમાવવી પડી એટલુંજ નહિ પણ ૧૯૯૧માં તેઓ એલ ટી ટી ઇ ત્રાસવાદીઓના હુમલાનો ભોગ બની શહીદ થયા. આ પહેલા દોઢ વર્ષમા વી.પી.સિંહ અને ચંદ્રશેખર વડાપ્રધાન બન્યા પણ લાબું ટકી શક્યાં નહિ.
૧૯૯૧ માં સત્તા પર આવેલા પી.વી.નરસિંહરાવે અનેક પડકારો વચ્ચે પાંચ વર્ષ પુરા તો કરી દીધા પણ ૧૯૯૬માં કોંગ્રેસ હારી ગઈ. ૧૯૯૬ બાદ પહેલા અટલજી પછી દેવગોડા અને ત્યારબાદ આઇ.કે.ગજરાલ વડાપ્રધાન બન્યા પણ તે લાબું ટકી ન શક્યા. ૧૯૯૮માં યોજાયેલી ચૂંટણીમાં મોટી સંખ્યામાં સાથી પક્ષને સાથે રાખી અટલ બિહારી વાજપેયીની આગેવાની હેઠળ સરકાર રચી પણ એક વર્ષમા આ સરકારને સત્તા છોડવી પડી. ૧૯૯૯માં અટલજીની આગેવાની હેઠળ રચાયેલી સરકારે પાંચ વર્ષ તો પુરા કર્યા પણ ૨૦૦૪માં એન.ડી.એની હાર થઈ.
૨૦૦૪ની ચૂંટણીમાં કોંગ્રેસના મનમોહનસિંહની આગેવાની હેઠળ યુ.પી.એની સરકાર રચાઈ અને પાંચ વર્ષ પુરા કર્યા અને ૨૦૦૯ની ચૂંટણી પણ જીત્યા. આ વિશ્વ વિખ્યાત અર્થશાસ્ત્રી વડાપ્રધાનની બીજી ટર્મ દરમિયાન વૈશ્વિક મંદીનો સામનો કરવો પડ્યો.મુશ્કેલીઓ વચ્ચે દેશને મંદીથી બચાવ્યો છતાં પણ ૨૦૧૪ની ચૂંટણીમાં કોંગ્રેસની લપડાક સમાન હાર થઈ અને મુખ્ય વિપક્ષનું સ્થાન મળે તેટલી બેઠકો પણ ન મળી. વિક્રમસર્જક બેઠકો સાથે વડાપ્રધાન બનેલા નરેન્દ્રભાઈ મોદીએ સરકાર પણ રચી સારી કામગીરી પણ કરી અને એટલુંજ નહિ પણ ૨૦૧૯ની ચૂંટણીમાં અગાઉ કરતા વધુ બેઠકો મેળવી.
બીજી વખત સત્તા તો મેળવી પણ ત્યારબાદ ૨૦૨૦માં કોરોનાનો કહેર શરૂ થયો તે થોડા સમયના બ્રેક બાદ વધુ ઉગ્ર સ્વરૂપે ૨૦૨૧માં પણ યથાવત છે અને કોર્ટની ટકોર પ્રમાણે મેડિકલ ઇમરજન્સી જેવી સ્થિતિ સર્જી દીધી છે. આમ બીજા સત્રમાં નરેન્દ્રભાઈ સામે પડકાર ઉભો થયો છે. આશા રાખીએ કે આ આફતને અવસરમાં પલટાવી દેવામાં સરકાર સફળ થાય.