આંતરરાષ્ટ્રીય મંચ પર એક તરફ ભારત દ્વારા પાકિસ્તાનમાં આતંકીઓની ઉપસ્થિતિના મુદ્દાને ઉઠાવવા પર ઇસ્લામાબાદ તેનો વિરોધ કરી રહ્યું છે ત્યારે બીજી તરફ હવે ખુદ પાકિસ્તાન સેનાએ પાકિસ્તાનમાં આતંકીઓનો અડ્ડો હોવાની વાતની પુષ્ટિ કરી છે અને સાથોસાથ આતંકવાદનો ખાત્મો બોલાવવા માટે સખત કાર્યવાહી કરવાની જરૂરિયાત હોવાનું પણ પાકિસ્તાન સેનાએ જણાવ્યું હતું. ભારતએ ઇસ્લામાબાદને ત્યાં હાજર આતંકીઓ વિરુદ્વ સખત કાર્યવાહી કરવા કહ્યું છે અને ત્યારબાદ જ ભારત ઇસ્લામાબાદ સાથે કોઇ ચર્ચા કરવા માટે તૈયાર થશે તેવું ભારતે કહ્યું હતું. તેથી આ સમયે આવેલું પાકિસ્તાન સેનાનું આ નિવેદન ખૂબજ મહત્વપૂર્ણ મનાય છે.
આ અંગે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા ઇન્ટર-સર્વિસીઝ પબ્લિક રિલેશસના ડીજી મેજર જનરલ આસિફ ગફૂરે કહ્યું હતું કે અમે હિંસક ચરમપંથી અને જિહાદી સંગઠનો પર પ્રતિબંધ ફરમાવ્યો છે અને અમે તેઓ વિરુદ્વ કાર્યવાહી કરી રહ્યા છીએ. ગફૂરે વધુમાં ઉમેર્યું હતું કે આતંકવાદને કારણે પાકિસ્તાને ખૂબજ નુકસાન વેઠ્યું છે અને આતંકવાદનો સંપૂર્ણપણે નાશ કરવા સખત કાર્યવાહી કરવાની આવશ્યક્તા છે. આતંકવાદને કારણે લાખો ડોલરની ખોટ સહન કરવી પડી છે.
તેમણે સરકારની નિષ્ક્રીયતા પર નિશાન સાધતા કહ્યું હતું કે પૂર્વની સરકાર આતંકવાદને નાથવામાં નિષ્ફળ નિવડી છે અને તેને કારણે પાકિસ્તાનને લાખો ડોલરનું નુકસાન સહન કરવું પડ્યું છે. સરકાર માત્ર મહેરબાની કરી રહી છે અને સુરક્ષા એજન્સીઓ પણ તેમાં જ વ્યસ્ત છે. સરકાર અને સુરક્ષા એજન્સીઓની આ જ નિષ્ક્રીયતાને કારણે અમે પ્રતિબંધિત સંગઠનો વિરુદ્વ વ્યૂહાત્મક રણનીતિ બનાવવામાં નિષ્ફળ રહ્યા છે, કે જે અમે હવે બનાવી રહ્યા છે.
નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાન આતંકીઓને શરણ આપી રહ્યું છે. જેનો ભારત, અમેરિકા, રશિયા, ફ્રાન્સ, યુરોપ સહિતના દેશોએ આ વાતનો સ્વીકાર કર્યો છે. તેમ છતાં પાકિસ્તાન સરકારના આ આતંકીઓને શરણ આપીને નાપાક ઇરાદાઓ સતત સામે આવતા રહ્યા છે. અનેક દેશોએ પણ પાકિસ્તાનમાં આતંકવાદને નષ્ટ કરવાના મુદ્દાને મહત્વનો ગણાવ્યો છે.