રિયાદ,
દુનિયાભરમાં એક કટ્ટરપંથી દેશ તરીકે ઓળખાતા સાઉદી અરબમાં મહિલાઓ માટે કેટલાક નિયમો અને પ્રતિબંધ લાગુ કરવામાં આવેલા છે, પરંતુ રવિવારે મહિલાઓ અંગે ૬૦ વર્ષ બાદ એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.
સાઉદી અરબમાં રવિવારથી જ મહિલાઓને કાયદાકીય રીતે રસ્તા પર ડ્રાઈવિંગ કરવા માત્રે અનુમતિ આપવામાં આવી છે. બીજી બાજુ સાઉદી અરબમાં મહિલાઓ અંગે કરવામાં આવેલા આ નિર્ણયની ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે.
આ સાથે જ સાઉદી અરબ દુનિયાનો અંતિમ દેશ બની ગયો છે જ્યાં મહિલાઓને ગાડી ચલાવવા માટેના પ્રતિબંધને હટાવવામાં આવ્યો છે.
સાઉદી અરબના ઈતિહાસમાં આ એક ઐતિહાસિક દિવસ છે, કારણ કે ૬૦થી વધુ વર્ષોથી મહિલાઓ માત્ર યાત્રી સીટ પર બેસતી હતી. ત્યારે હવે આ પ્રતિબંધ હટાવ્યા બાદ આ ખાડી દેશની ૧.૫૧ કરોડ મહિલાઓ પ્રથમવાર રસ્તાઓ પર પોતાની ગાડીઓ લઈને ઉતરવા માટે સક્ષમ હશે.
મહત્વનું છે કે, છેલ્લા ૩૦ વર્ષથી સાઉદી અરબમાં આ પ્રતિબંધ હટાવવા માટે સંઘર્ષ કરી રહી હતી. આ પહેલા સાઉદી અરબમાં સપ્ટેમ્બર, ૨૦૧૭ના રોજ ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન દ્વાર આ નિર્ણય કરવામાં આવ્યો હતો. તેઓએ પોતાના વિજન ૨૦૩૦ના કાર્યક્રમ અનુસાર આ નિર્ણય કર્યો હતો અને તેને જુન, ૨૦૧૮ સુધીમાં લાગુ કરવા માટે જણાવ્યું હતું.