ગુજરાત/ રાજ્યમાં દર કલાકે ૧૧૫ મોતીયાનાં નિ:શુલ્ક ઓપરેશન થાય છે : ૪ મહિનામાં ૩.૩૦ લાખ ઓપરેશન

ગુજરાતમાં છેલ્લા ૧૦ વર્ષમાં દર વર્ષે સરેરાશ ૭ લાખ જેટલા મોતિયાના ઓપરેશન: પ્રતિ ૧૦ લાખ વસ્તીએ ૧૦ હજાર થી વધુ મોતિયાના ઓપરેશનનો દર હાંસલ કરીને ગુજરાત સમગ્ર દેશમાં મોખરે છે.

Gujarat Others
અંધત્વ

ગુજરાતના નાગરિકોને અંધત્વમુક્ત કરવા સરકાર દ્વારા “મોતીયા અંધત્વ મુક્ત ગુજરાત” મહાઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સક્ષમ નેતૃત્વ હેઠળ અને આરોગ્યમંત્રી  ઋષિકેશ પટેલના દ્રષ્ટિવંત માર્ગદર્શન હેઠળ આ ઝુંબેશમાં ગુજરાત સરકારે સિધ્ધી હાંસલ કરી છે. આરોગ્ય વિભાગ તરફથી મળતી વિગતો અનુસાર ગુજરાતમાં ફક્ત ચાર માસના ટુંકા ગાળામાં ૩.૩૦ લાખ જેટલા મોતીયાના નિ:શુલ્ક ઓપરેશન કરીને જરૂરિયાતમંદોને નવી દ્રષ્ટિ આપવાનું કાર્ય સફળતાપૂર્ણ સંપન્ન કરવામાં આવ્યું છે.

રાજ્યની વિવિધ હોસ્પિટલમાં દર કલાકે ૧૧૫ જેટલા મોતીયાના ઓપરેશન કરીને જરૂરિયાતમંદોને નવી દ્રષ્ટિ આપીને અંધત્વમુક્ત કરવામાં આવ્યા. રાજ્યની ૨૨ જીલ્લા હોસ્પિટલ, ૩૬ સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ, ૨૨ મેડિકલ કૉલેજ, ૧ આર.આઇ.ઓ. અને ૧૨૮ જેટલી રજીસ્ટર્ડ સ્વૈચ્છિક સંસ્થાઓમાં નિ:શુલ્ક સર્જરી ઉપલબ્ધ છે. આ ઝુંબેશ અંતર્ગત દર્દીને ફેકો ઇમ્લ્સીફીકેશન પધ્ધતિથી મોતીયાનું ઓપરેશન કરીને ૭૦ હજારથી વધુ કિંમતના હાઇડ્રોફોબીક ઇન્ટ્રાઓક્યુલર લેન્સ વિના મૂલ્યે મુકવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિખામી નિયંત્રણ કાર્યક્રમ ગુજરાત રાજયમાં વર્ષ ૧૯૭૮ થી અમલીકરણમાં છે. જેનો મુખ્ય ધ્યેય અંધત્વનો દર વર્ષ ૨૦૨૫ સુધીમાં ૦.૨૫% સુધી લઇ જવાનો છે. રાજય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૪માં થયેલ સર્વે મુજબ અંધત્વનો દર ૦.૭% હતો. કેન્દ્ર સરકાર દ્વારા ૨૦૧૮-૧૯માં કરવામાં સર્વે મુજબ આ દર ઘટીને ૦.૩૬% થયેલ છે. મોતિયાના કારણે અંધત્વનું ભારણ ૩૬% જેટલું જણાયેલ છે. અન્ય કારણોમાં ચશ્માના નંબરની ખામી, ઝામર, ત્રાંસી આંખ, કીકીના રોગો, ડાયાબેટીક રેટીનોપેથી હોય છે. રાજ્યના નાગરિકો પ્રચ્યે સંવેદનશીલતા દાખવીને મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર દ્વારા ફેબ્રુઆરી મહિનામાં સમગ્ર રાજ્યમાં મોતીયા અંધત્વ અને દ્રષ્ટિનિવારણ કાર્યક્રમ અંતર્ગત મોતીયા અંધત્વ મુક્ત ગુજરાત ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે.

‘‘મોતિયા અંધત્વ મુકત ગુજરાત’’ ઝુંબેશ અંતર્ગત ચાર માસ દરમ્યાન કુલ ૩,૩૦,૦૦૦ જેટલા મોતિયાના ઓપરેશન કરવામા આવેલ છે. જે પૈકી ૨૭૦૦૦ જેટલા બન્ને આંખે અંધહોય તેવા વ્યક્તિઓના ઓપરેશન થયેલ છે.ગુજરાત રાજ્ય દ્વારા છેલ્લા 10 વર્ષમાં દર વર્ષે સરેરાશ ૭ લાખ જેટલા મોતિયાના ઓપરેશન કરીને પ્રતિ ૧૦ લાખ વસ્તીએ ૧૦૦૦૦ થી વધુ મોતિયાના ઓપરેશનનો દર હાંસલ કરીને રાજય સમગ્ર દેશમાં  અગ્રેસર રહ્યું છે. નોંધનીય બાબત એ છે કે, મોતિયાની અસર સામાન્ય રીતે ૫૦ વર્ષ પછીની ઉંમરમાં થતી હોય છે જેના કારણે ઝાંખપ આવતી હોય છે. મોતિયાની સારવાર એક સરળ શસ્ત્રક્રિયા દ્વારા નેત્રમણી મૂકીને કરી શકાય છે અને સંપૂર્ણ રીતે દ્રષ્ટિ પરત મેળવી શકાય છે.

આ પણ વાંચો : ધારી તાલુકાનું કથીવદર ગામ થયું સમ્પર્ક વિહોણું : અહીં ક્યારે થશે વિકાસ?