Surat News/ સુરતના કાપોદ્રામાં 3 વર્ષની બાળકીનું અપહરણ

આ સમગ્ર ઘટના પૂર્વનિયોજિત હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કારણ કે આરોપીએ ચોક્કસ સમય પસંદ કરી બાળકીનું અપહરણ(Kidnapped) કર્યું

Gujarat Surat
ફૂટપાથ પર માતા સાથે સૂતી માત્ર ત્રણ વર્ષની નિર્દોષ બાળકીનું અજાણ્યા શખ્સ દ્વારા અપહરણ (Kidnapped)કરી લેવાયું છે

Surat News : સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં રવિવારની રાત્રે એક હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ફૂટપાથ પર માતા સાથે સૂતી માત્ર ત્રણ વર્ષની નિર્દોષ બાળકીનું અજાણ્યા શખ્સ દ્વારા અપહરણ (Kidnapped)કરી લેવાયું છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે અને પોલીસ તંત્ર પણ તાત્કાલિક એક્શનમાં આવ્યું છે.

નાના વરાછા બ્રિજ નીચે રહેતી પીડિત માતા મૂળ દેવભૂમિ દ્વારકાના મીઠાપુર તાલુકાની રહેવાસી છે. પતિ સાથેના પારિવારિક વિખવાદને કારણે તે બે દિવસ પહેલા જ પોતાની ત્રણ વર્ષની દીકરીને લઈને સુરત આવી હતી અને અહીં પરિચિત વ્યક્તિ સાથે ફૂટપાથ પર આશરો લીધો હતો. રવિવારે મજૂરી કામ કરીને થાકી ગયેલી માતા રાત્રે આશરે 8 વાગ્યે દીકરી સાથે ઊંઘી ગઈ હતી. પરંતુ રાત્રે અંદાજે 1 વાગ્યે જ્યારે તેની ઊંઘ ખુલી, ત્યારે બાજુમાં સૂતી દીકરી ગાયબ જોવા મળતાં તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

બાળકીના ગાયબ થવાની જાણ થતાં જ કાપોદ્રા પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં એક આશરે 30 વર્ષીય શખ્સ રાત્રે 9:30 વાગ્યે બાળકીને ઉઠાવી લઈ જતો સ્પષ્ટ જોવા મળ્યો હતો. વધુ તપાસમાં જાણવા મળ્યું કે આરોપી રિક્ષામાં બેસી સીધો સુરત રેલવે સ્ટેશન પહોંચ્યો હતો અને રાત્રે 10:10 વાગ્યે દૌન્ડ-ઇન્દોર એક્સપ્રેસ ટ્રેનમાં સવાર થઈ ગયો હતો.

આ માહિતી મળતા જ પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું છે. સુરત પોલીસ દ્વારા 20થી વધુ જવાનોની ટીમો બનાવી આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. સાથે જ વડોદરા, દાહોદ સહિત મધ્યપ્રદેશ બોર્ડર સુધીના તમામ મુખ્ય રેલવે સ્ટેશનો અને RPFને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ઇન્દોર રૂટ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે, કારણ કે આરોપી ટ્રેન મારફતે મધ્યપ્રદેશ તરફ ભાગ્યો હોવાની શકયતા છે.

આરોપીએ ચોક્કસ સમય પસંદ કરી બાળકીનું અપહરણ(Kidnapped) કર્યું

પોલીસની પ્રાથમિક તપાસમાં આ સમગ્ર ઘટના પૂર્વનિયોજિત હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કારણ કે આરોપીએ ચોક્કસ સમય પસંદ કરી બાળકીનું અપહરણ કર્યું અને થોડા જ સમયમાં ટ્રેન પકડી લીધી, જે બતાવે છે કે તે પહેલાંથી જ બાળકી પર નજર રાખી રહ્યો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ શખ્સ અગાઉ ક્યારેય આ વિસ્તારમાં જોવા મળ્યો નહોતો.

આ ઘટનાએ પીડિત માતા પર આભ તૂટી પડ્યું છે. ત્રણ દીકરીઓમાં સૌથી નાની દીકરીને લઈને સુરત આવી માતા માટે આ દુર્ઘટના અસહ્ય બની છે. પોતાની દીકરી સલામત પરત મળે તેવી આશા સાથે તે સતત પોલીસ પાસે વિનંતી કરી રહી છે. બીજી તરફ, પોલીસ તંત્ર પણ બાળકીની સુરક્ષિત વાપસી માટે તમામ સંભવિત પ્રયાસો કરી રહ્યું છે.


આ પણ વાંચો : સુરતમાં આપના ઉમેદવારનું અપહરણ કરી ડરાવવા-ધમકાવવામાં આવ્યાનો આરોપ

આ પણ વાંચો : બનાસકાંઠામાં ધોળા દિવસે 2 બાળાઓનું ફિલ્મી ઢબે અપહરણ, સમગ્ર જિલ્લામાં નાકાબંધી

આ પણ વાંચો : પગાર ન મળતા સુપરવાઈઝરનું ફિલ્મી ઢબે અપહરણ