દીકરી 'શાપ'નહીં પરંતુ 'આશીર્વાદ' સમાન/ 40 વર્ષ બાદ દીકરીનો જન્મ થતાં સુરતના વેપારી પરિવારમાં છવાઈ ખુશી, અનોખી રીતે કરી ઉજવણી 

હીરાના વેપારીએ દીકરીના જન્મની ભવ્ય અને અનોખી રીતે ઉજવણી કરીને સમાજને સારો સંદેશ આપ્યો છે. ઉદ્યોગપતિ પરિવાર ઘરે જન્મેલી નવજાત પુત્રીને ગુલાબી રંગની બસમાં લઈ શહેરભરમાં ફર્યો હતો.

Gujarat Surat
સુરતના વેપારી

પ્રાચીન કાળથી દીકરીઓના જન્મને એક ‘અભિશાપ’ ગણીને ભારતીય સમાજમાં તેને ધિક્કારવામાં આવે છે. પરંતુ જો આપણે ભારતીય સમાજના લોકો એકવાર વિચારીને જોઈએ તો શું સ્ત્રી વગર દુનિયામાં પુત્રનો જન્મ શક્ય છે ? શું સ્ત્રી વગર આ દુનિયામાં મનુષ્ય જીવનનું અસ્તિત્વ શક્ય છે ? જો આપણે જવાબ ‘ના’ હોય, તો શા માટે સમાજમાં સ્ત્રીહત્યા, ભ્રુણહત્યા, સ્ત્રીઓનું ઘરો, ઓફિસો, સ્કૂલો તેમજ અલગ અલગ જાહેર સ્થળો પર થતું શોષણ વગેરેનો દર દિવસેને દિવસે વધી રહ્યો છે ? શા માટે સ્ત્રીઓ પર થતા એસિડ અટેક તેમજ બળાત્કારનો દર વધી રહ્યો છે ? પરિવારમા એક દીકરીનો જન્મ થવો એ સમાજ માટે ‘શાપ ‘ નહીં પરંતુ  ‘આશીર્વાદ’ સમાન છે. આવું સુરતના એક વેપારી પરિવારે સાબિત કર્યું છે.

સુરત શહેરના એક હીરાના વેપારીએ દીકરીના જન્મની ભવ્ય અને અનોખી રીતે ઉજવણી કરીને સમાજને સારો સંદેશ આપ્યો છે. ઉદ્યોગપતિ પરિવાર ઘરે જન્મેલી નવજાત પુત્રીને ગુલાબી રંગની બસમાં લઈ શહેરભરમાં ફર્યો હતો. પરિવારની વાત માનીએ તો 40 વર્ષ બાદ પહેલીવાર તેમના ઘરે બાળકીનો જન્મ થયો છે.

a 55 5 40 વર્ષ બાદ દીકરીનો જન્મ થતાં સુરતના વેપારી પરિવારમાં છવાઈ ખુશી, અનોખી રીતે કરી ઉજવણી 

શહેરના જાણીતા હીરાના વેપારી અને સામાજિક કાર્યકર ગોવિંદ ધોળકિયાના એકના એક પુત્ર શ્રેયાંસ ધોળકિયાને પહેલાથી જ બે પુત્રો હતા, પરંતુ તેઓ ઘરે પુત્રીના જન્મની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. આખરે એ સમય આવી ગયો અને શ્રેયાંસની પત્નીએ દીકરીને જન્મ આપ્યો. દીકરીના જન્મથી ખુશ થયેલા પરિવારે એક ઈવેન્ટનું આયોજન કર્યું હતું, જે અંતર્ગત તેમની સફેદ બસને ગુલાબી રંગથી રંગવામાં આવ્યો હતો અને પછી પરિવાર દીકરીને બસમાં લઈને શહેરના પ્રવાસ માટે રવાના થયો હતો. સુરત શહેરના માર્ગો પર ફરતી આ ગુલાબી બસ પર અંગ્રેજીમાં It’s a girl પણ લખવામાં આવ્યું હતું અને પ્રતિકાત્મક પુત્રીની તસવીર પણ બનાવવામાં આવી હતી. સુરત શહેરના અનેક વિસ્તારોના માર્ગો પર ફરતી આ બસમાં દીકરીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

સુરતના વેપારી

નવજાત શિશુના પિતા શ્રેયાંસ ધોળકિયાએ માહિતી આપી છે કે, આ ખુશી લોકો સુધી પહોંચાડવા, દીકરીના જન્મની ઉજવણી કરવા તેમજ ‘બેટી બચાવો બેટી પઢાવો’નો સંદેશ ફેલાવવા પરિવારે ખાનગી વેનિટી વાન ઉભી કરી છે. તે જ દિવસે, તેને સફેદથી ગુલાબી રંગમાં રંગવામાં આવી હતી અને લક્ઝરી બસ સુરતના રસ્તાઓ પર દોડતી હતી.

ઉલ્લેખનીય છે કે, ગોવિંદ ધોળકિયા સુરતના જાણીતા ઉદ્યોગપતિ છે. સોશ્યિલ એક્ટિવિટી માટે પણ એટલા જ જાણીતા ગોવિંદભાઈ ધોળકિયાના 17 સભ્યોના પરિવારના કાર કલેક્શનમાં અલગ-અલગ મોડેલની સાત જેટલી મર્સિડીઝ ઉપરાંત રોલ્સ રોય્સ, ફેરારી, બીએમડબલ્યુ અને લેમ્બોર્ગિની જેવી એકથી એક ચડિયાતી લક્ઝુરિયસ કાર સામેલ છે.

આજે સમાજમાં દીકરીને વધાવવા માટે ઘણી વાતો થાય છે છતાં પણ પુત્રીના જન્મ થી લોકો નિરાશ પણ થઇ જતા હોય છે. ત્યારે આવા લોકોમાં જાગૃતિ આવે અને દીકરીના જન્મને પણ તેટલું જ પ્રોત્સાહન આપવામાં આવે તે હેતુથી તેમના દ્વારા એક પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો:PM મોદી ગુજરાતને આપશે નવી ભેટ, 200 બેડની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ કરશે સમર્પિત