IAS Sujeet Kumar: પુસ્તકોને પ્રેરણાસ્ત્રોત માનતા બિહારના 2010ની કેડરના IAS અધિકારી સુજીત કુમાર (IAS Sujeet Kumar) ગુજરાતમાં તેમની નિમણૂક સાથે જ એક પ્રભાવશાળી અધિકારી તરીકેની તેમની ઇમેજ પ્રસ્થાપિત કરી દીધી છે. તેમણે આગમનની સાથે જ તેમની છડી પોકારતા હોય તેમ નાગરિક કેન્દ્રિત શાસનને તેમની કામગીરીનો મુદ્રાલેખ બનાવી દીધો હતો. તેમણે વહીવટી સેવાના અત્યાર સુધીના દરેક હોદ્દામાં પ્રજાલક્ષી શાસનના મુદ્રાલેખના ધ્યેયને જ ધ્યાનમાં રાખ્યો છે. દરેક વહીવટીકાર્યોમાં લોકોની સુખાકારી અને લોકોની સમસ્યાનો ઉકેલ કેન્દ્રસ્થાને હોય છે. તેમણે આ સૂત્ર ફક્ત ગોખી જ નથી રાખ્યુ તેનો અક્ષરક્ષઃ અમલ પણ કર્યો છે.

પુસ્તકની વિદ્યાને જમીન પર ઉતારી
અભ્યાસ દરમિયાન પુસ્તકોના કીડા તરીકેની ઓળખ ધરાવતા આ અધિકારી આજે પણ પોતે જે છે તેના માટે પુસ્તકોને જ આભારી માને છે. સમસ્યાઓને ઓળખીને તેને ઉકેલવાની દિશામાં કામ કરવાની તેમની ક્ષમતા કાબિલેદાદ છે. ગુજરાતમાં પાણીના ઉંડા જતાં તળ મોટી સમસ્યા છે. તેમણે આ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી નીભાવી છે. તેમણે ગ્રામીણ તળાવોને પુર્નજીવિત કરવાની કામગીરી કરી છે અને વૃક્ષારોપણ દ્વારા ભૂગર્ભ જળના ઘટાડાને રોકવાની ઝુંબેશ સંભાળી છે. તેની સાથે તેના ઘણા બધા હિસ્સાને હવે જી રામજી યોજના સાથે જોડીને ગ્રામીણ વિસ્તારોના ગરીબોને પર્યાવરણીય કામગીરી પહેલ સાથે જોડયા છે. તેના કારણે પર્યાવરણનું સંરક્ષણ થયું છે અને ગ્રામીણોને રોજગારી મળી છે.

શિક્ષણથી મુસીબતોને પટકવા સક્ષમ
પટણામાં શિક્ષણ મેળવનારા સુજીત કુમાર (IAS Sujeet Kumar) શિક્ષણથી ભલભલી મુસીબતોને પટકી દેવાની ક્ષમતા ધરાવે છે. તેમણે જમીન મહેસૂલ રેકોર્ડના મોરચે કરેલા સુધારા અને કામગીરીને અદ્વીતિય માનવામાં આવે છે. જમીન મહેસૂલના મોરચે તેમની કામગીરીનો કોઈ તોડ નથી તેમ બીજા અધિકારીઓ પણ માને છે. જમીન મહેસૂલ સૌથી અઘરામાં અઘરો વિભાગ માનવામાં આવે છે અને તેમા સારી કામગીરી કરવી કોઈપણ અધિકારી માટે અત્યંત કપરી માનવામાં આવે છે, પરંતુ સુજીતકુમારે તે કરી બતાવી છે.

મહિલાઓ અને દિવ્યાંગો માટે અનોખી પહેલ
આ ઉપરાંત મહિલાઓ અને દિવ્યાંગો તથા હાંસિયે ધકેલાયેલા જૂથોને તેમણે રોજગારી પૂરી પાડવા માટે નવી જ પહેલ શરૂ કરી છે. ભાવનગરમાં તેમણે શરૂ કરેલી આ પહેલને ઉમ્મીદ નામ આપવામાં આવ્યું છે. જો તેઓ ક્યાંય પણ જોવા ન મળે તો ચોક્કસ તે કોઈ લાઇબ્રેરીમાં જ હશે તેવી તેમની છાપ આજે પણ છે. તેઓ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી પર એકસમાન કાબૂ ધરાવે છે. તેમને ગુજરાતી બોલતા જોઈને કલ્પી ન શકાય કે તે બિહારી અધિકારી છે.

IAS Sujeet Kumar: આધુનિકીકરણથી સામાજિક જોડાણમાં વિશ્વાસ
તેઓ આધુનિકીકરણને ખરાબ માનતા નથી, પણ તેને સામાજિક સમન્વય સાથે જોડવામાં માને છે. આધુનિકીકરણનો ઉપયોગ તે સમાજને જોડવા માટે કરવામાં માને છે. સમાજના દરેક વર્ગના જીવનસ્તરને આધુનિકીકરણ દ્વારા જ ઉપર લાવી શકાય તેમ તેઓ માને છે. આના કારણે આજે તે ગુજરાત સરકારના સૌથી અગ્રણી અધિકારીઓમાં એક અધિકારી તરીકે ઉભરી આવ્યા છે.

રાષ્ટ્રીય સ્તરે જ્વલંત કામગીરી
આ સિવાય ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરના ખાનગી સચિવ જેવા પ્રતિષ્ઠિત પદે પણ કામગીરી બજાવી ચૂક્યા છે. આ ઉપરાંત તેમણે કેન્દ્રીય બંદરો, શિપિંગ, જળમાર્ગ મંત્રી, કેન્દ્રીય રસાયણો અને ખાતર મંત્રીના ખાનગી સચિવ જેવા હોદ્દા પર પણ કામગીરી બજાવી છે. તેના પરથી અંદાજ આવી શકે છે કે કેન્દ્ર સરકાર અને પીએમઓને પણ તેમની કામગીરી કરવાની ક્ષમતા પર કેટલો વિશ્વાસ છે.
View this post on Instagram
આ પણ વાંચો:IAS ઓફિસર ક્ષિપ્રા આગ્રેનું સૂત્રઃ લોકોના પ્રશ્નો ઉકેલવા જ નહીં, જીવનસ્તર ઊંચે લઈ જવું સાચી સફળતા
આ પણ વાંચો:જનસંવાદને જનઉકેલની ચાવી માને છે IAS ઓફિસર શાલિની દુહાન
આ પણ વાંચો:ત્રણ-ત્રણ ગિનીઝ બૂક રેકોર્ડ ધરાવતા IAS ઓફિસરઃ શાલિની અગ્રવાલ
