Bagodara Temple Youth Death Mystery: અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના બગોદરા (Bagodara) પાસે આવેલા એકલ માતાજીના મંદિર પરિસરમાંથી યુવક-યુવતીના મૃતદેહ મળવાના મામલે પોલીસે મોટો ખુલાસો કર્યો છે. આ ઘટના હત્યા નહીં પરંતુ આત્મહત્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પ્રેમીયુગલે મંદિરના ચોગાનમાં આવેલા લીમડાના ઝાડ સાથે દોરડું બાંધીને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.
મૃતકોની ઓળખ થઈ
પોલીસ તપાસમાં મૃતક યુવક અને યુવતી બંનેની ઓળખ થઈ ગઈ છે:
યુવતી: કિંજલબેન બાબુભાઈ રાઠોડ (રહે. કેશરડી ગામ)
યુવક: ગૌતમ પરસોતમભાઈ જાદવ (રહે. મીઠાપુરના વતની, હાલ રહે. ચિયાડા)

15 દિવસથી ઘરેથી ગુમ હતું યુગલ
ઘટનાની વધુ વિગતો મુજબ, મૃતક ગૌતમ જાદવ પરિણીત હતો અને તેની પત્ની સાથે રહેતો હતો. ચર્ચા છે કે આ પ્રેમીયુગલ છેલ્લા પંદર દિવસથી પોતપોતાના ઘરેથી ભાગી ગયું હતું. આખરે આજે એકલ માતાજીના મંદિર પરિસરમાં બંનેના મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યા હતા.

પોલીસ કાર્યવાહી
ઘટનાની જાણ થતાં જ બગોદરા પોલીસ અને 108 ની ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસે બંનેના મૃતદેહોને નીચે ઉતારી, પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. પરિણીત યુવક અને અપરિણીત યુવતીના આ અંતિમ પગલાં પાછળના કારણો જાણવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
