Vadodara Agora City Center Accident: સંસ્કારી નગરી વડોદરાના સમા વિસ્તારમાં આવેલા જાણીતા ‘અગોરા સિટી સેન્ટર’માં આજે એક ભયાનક અકસ્માત સર્જાયો છે. બિલ્ડિંગના 17મા માળે લિફ્ટ મેન્ટેનન્સનું કામ કરી રહેલા એક યુવાનનું નીચે પટકાતા કરૂણ મોત નીપજ્યું છે. ચોંકાવનારી વાત એ છે કે, આ જ બિલ્ડિંગમાં માત્ર 7 દિવસમાં આ બીજી મોતની ઘટના છે, જેને પગલે અનેક સવાલો ઉઠી રહ્યા છે.
કેવી રીતે સર્જાઈ દુર્ઘટના?
મૂળ પશ્ચિમ બંગાળના રહેવાસી 30 વર્ષીય શાર્દુલ અલી છેલ્લા પાંચ વર્ષથી અગોરા સિટી સેન્ટરમાં મેન્ટેનન્સ વિભાગમાં ફરજ બજાવતા હતા. શનિવારે (28 ફેબ્રુઆરી) તેઓ 17મા માળે લિફ્ટની પુલીમાં વાયર બદલવાનું કામ કરી રહ્યા હતા. આ દરમિયાન લિફ્ટનો ભારેખમ વાયર ખેંચતી વખતે અચાનક તેમનું સંતુલન બગડ્યું હતું અને તેઓ સીધા લિફ્ટની ખુલ્લી શાફ્ટમાં નીચે પટકાયા હતા. 17મા માળેથી પડવાને કારણે ગંભીર ઈજાઓ થતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું.

6 દિવસ પછી ઘરે જવાનો હતો
શાર્દુલ અલીના લગ્ન માત્ર 8-9 મહિના પહેલા જ થયા હતા. તેમની પત્ની સુમૈયા થોડા સમય પહેલા જ વડોદરા રહેવા માટે આવી હતી. પત્નીએ ડૂસકે ને ડૂસકે રડતા જણાવ્યું કે, “આવતા રવિવારે (6 માર્ચ) અમે વતન જવાની તૈયારી કરી રહ્યા હતા. સવારે તેઓ ડ્યુટી પર ગયા ત્યારે હું સૂતી હતી, મને ખબર નહોતી કે આ અમારી છેલ્લી મુલાકાત હશે. મને કોઈ સ્પષ્ટ વાત નથી કરતું, મારે બસ મારા પતિ પાછા જોઈએ.”
Agora City Center વિવાદમાં
આ ઘટનાએ અગોરા સિટી સેન્ટરમાં સુરક્ષાના નિયમો સામે મોટા પ્રશ્નાર્થ ચિન્હો ઉભા કર્યા છે. બરાબર એક અઠવાડિયા પહેલા જ હિતેન્દ્ર પરમાર નામના 35 વર્ષીય યુવકનું પણ અહીં બીજા માળેથી નીચે પટકાતા મોત થયું હતું, જેના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતા. એક જ અઠવાડિયામાં બીજી જિંદગી હોમાતા સ્થાનિકો અને પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પોલીસ કાફલો ઘટનાસ્થળે
ઘટનાની જાણ થતા જ સમા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડ્યો છે. આ અકસ્માત હતો કે બેદરકારી? તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.
આ પણ વાંચો:અમદાવાદમાં 31st પૂર્વે પોલીસના નાક નીચે જ ડ્રગ્સ અને રૂપલલનાઓ બિન્દાસ્ત!
આ પણ વાંચો:40 કરોડના ડ્રગ્સ કેસ માં ગુજરાત કનેક્શનની તપાસ
આ પણ વાંચો:સુરતમાં રાંદેર પોલીસે 5.21 ગ્રામ MD ડ્રગ્સ કબ્જે કર્યું
