Ahmedabad News/ ડૉ. મનસુખ માંડવિયાએ ESICથી આરોગ્ય તપાસ પહેલ શરૂ કરી

ESIC કવરેજ એક દાયકા પહેલાના લગભગ 7 કરોડ લાભાર્થીઓથી વધીને આજે લગભગ 15 કરોડ લાભાર્થીઓ સુધી પહોંચ્યું છે

Gujarat Ahmedabad
ડૉ. મનસુખ માંડવિયાએ આજે ESIC મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, બસૈદારાપુર, દિલ્હી ખાતેથી 40 વર્ષ અને તેથી વધુ વયના તમામ કામદારો માટે દેશવ્યાપી વાર્ષિક આરોગ્ય તપાસ પહેલનો પ્રારંભ કર્યો હતો

Ahmedabad News : કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી, ડૉ. મનસુખ માંડવિયાએ આજે ESIC મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, બસૈદારાપુર, દિલ્હી ખાતેથી 40 વર્ષ અને તેથી વધુ વયના તમામ કામદારો માટે દેશવ્યાપી વાર્ષિક આરોગ્ય તપાસ પહેલનો પ્રારંભ કર્યો હતો, જે ભારતના શ્રમબળ માટે વ્યવસાયિક આરોગ્ય સંભાળ અને સામાજિક સુરક્ષા કવચને મજબૂત કરવામાં એક મોટો સીમાચિહ્નરૂપ છે.
સભાને સંબોધતા કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે ચાર લેબર કોડનું અમલીકરણ દેશભરના કામદારો માટે ગરિમા, કલ્યાણ અને સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગેરંટીનું પ્રતિબિંબ પાડે છે.

આ પ્રસંગને “શ્રમ શક્તિ” ના સન્માન માટે સમર્પિત દિવસ ગણાવતા તેમણે કહ્યું કે સરકાર તમામ કામદારો માટે સામાજિક સુરક્ષા કવચને મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે.
કેન્દ્રીય મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં, સરકારે છેલ્લા 12 વર્ષમાં રોજગાર નિર્માણ અને કલ્યાણકારી પગલાં દ્વારા “શ્રમ શક્તિ” અને “યુવા શક્તિ” ને સશક્ત બનાવવા માટે કામ કર્યું છે.

તેમણે એ પણ હાઇલાઇટ કર્યું કે દેશમાં સામાજિક સુરક્ષા કવચ એક દાયકા પહેલાના લગભગ 30 કરોડ લોકોથી નોંધપાત્ર રીતે વધીને આજે આશરે 94 કરોડ લાભાર્થીઓ સુધી પહોંચ્યું છે, જે 19 ટકાથી વધીને 64 ટકા થયું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ESIC કવરેજ એક દાયકા પહેલાના લગભગ 7 કરોડ લાભાર્થીઓથી વધીને આજે આશરે 15 કરોડ લાભાર્થીઓ થયું છે.

કામદારોના કલ્યાણ માટેની એક મોટી પહેલની જાહેરાત કરતા ડૉ. માંડવિયાએ જણાવ્યું હતું કે 40 વર્ષથી વધુ ઉંમરના તમામ કામદારો માટે મફત આરોગ્ય તપાસ હવે દર વર્ષે દેશભરમાં હાથ ધરવામાં આવશે.

તેમણે કહ્યું કે આરોગ્ય તપાસ દ્વારા વહેલી ભાળ ગંભીર રોગોને રોકવામાં મદદ કરી શકે છે અને જાણકારી આપી હતી કે કેમ્પ દરમિયાન ઓળખાયેલ સારવાર અને દવાઓ ESIC સુવિધાઓ દ્વારા પૂરી પાડવામાં આવશે.

ચાર લેબર કોડ હેઠળના મુખ્ય શ્રમ સુધારાઓ પર પ્રકાશ પાડતા મંત્રીએ જણાવ્યું હતું કે પુરૂષ અને મહિલા કામદારો માટે સમાન વેતનની જોગવાઈઓ સુનિશ્ચિત કરવામાં આવી છે, પ્રસૂતિ રજા 12 અઠવાડિયાથી વધારીને 26 અઠવાડિયા કરવામાં આવી છે અને મહિલાઓ માટે વર્ક-ફ્રોમ-હોમની જોગવાઈઓ પણ સામેલ કરવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે વિશ્વભરના દેશો હજુ પણ ગિગ અને પ્લેટફોર્મ વર્કર્સને સામાજિક સુરક્ષા માળખા હેઠળ લાવવાના માર્ગો શોધી રહ્યા છે, ત્યારે મોદી સરકારે નવા લેબર કોડ દ્વારા તેમની સામેલગીરીને સક્રિયપણે સુનિશ્ચિત કરી છે.

ડૉ. માંડવિયાએ ઉમેર્યું હતું કે જોખમી વ્યવસાયોમાં જોડાયેલા કામદારો અને 10 થી ઓછા કામદારો ધરાવતી સંસ્થાઓમાં કામ કરતા કર્મચારીઓને પણ હવે ESIC કવરેજ હેઠળ લાવવામાં આવી રહ્યા છે.

તેમણે એમ પણ કહ્યું કે કામદારોને અગાઉ અવગણવામાં આવતા હતા અને સાંભળવામાં આવતા નહોતા, પરંતુ વર્તમાન સરકારે ખાતરી કરી છે કે તેમની ચિંતાઓને પ્રતિબદ્ધતા અને સંવેદનશીલતા સાથે ઉકેલવામાં આવે. તેમણે કહ્યું કે રાષ્ટ્રવ્યાપી આરોગ્ય તપાસ પહેલ એ દેશના કાર્યબળ માટે સન્માન, સલામતી અને વધુ સારા આરોગ્ય સંભાળ પરિણામો સુનિશ્ચિત કરવાનો બીજો મહત્વપૂર્ણ પ્રયાસ છે.

દેશભરમાં કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) હોસ્પિટલોના અન્ય 11 સ્થળોએ આ લોન્ચ ઇવેન્ટ એકસાથે જોવામાં આવી

રાજ્યના શ્રમ મંત્રીઓ, સંસદ સભ્યો, ધારાસભ્યો, વરિષ્ઠ અધિકારીઓ, એમ્પ્લોયર્સ (નિયોક્તા) ના પ્રતિનિધિઓ, કામદારો અને અન્ય મહાનુભાવોની હાજરીમાં દેશભરમાં કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) હોસ્પિટલોના અન્ય 11 સ્થળોએ આ લોન્ચ ઇવેન્ટ એકસાથે જોવામાં આવી હતી.
આ પ્રસંગે દિલ્હી એનસીટી સરકારના કાયદા અને ન્યાય, શ્રમ, રોજગાર, વિકાસ, કલા, સંસ્કૃતિ અને ભાષા, પ્રવાસન મંત્રી શ્રી કપિલ મિશ્રા અને ESICના ડાયરેક્ટર જનરલ શ્રી અશોક કુમાર સિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા.


આ પણ વાંચો : નોઈડામાં હિંસક વિરોધ પ્રદર્શનો વચ્ચે, યુપી સરકારનો મોટો નિર્ણય,કામદારોના વેતનમાં 21 ટકાનો વધારો

આ પણ વાંચો :  ભારતમાં LPG કટોકટી, મધ્ય પૂર્વ યુદ્ધની અસરથી સુરત,રાજસ્થાન, મુંબઈમાં ઉદ્યોગ બંધ,કામદારોનું સ્થળાંતર

આ પણ વાંચો :  સુરતમાં હજીરા સ્થિત આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા SMP-3 પ્લાન્ટમાં કામદારોની હડતાળથી અરાજકતા