Canada News : કેનેડાના ટોરોન્ટોમાં યોજાયેલા પ્રખ્યાત ‘સાલ્સા ઓન સેન્ટ ક્લેર’ લેટિન સ્ટ્રીટ ફેસ્ટિવલ (Salsa Festival) દરમિયાન અચાનક ગોળીબાર (Firing)થતાં અફરાતફરી મચી ગઈ હતી. આ દુઃખદ ઘટનામાં બે લોકોના મોત થયા છે, જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું સ્થાનિક પોલીસે જણાવ્યું છે. હુમલો કર્યા બાદ શંકાસ્પદ હુમલાખોરો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા અને તેમની શોધખોળ માટે પોલીસ દ્વારા મોટા પાયે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, હજારો લોકો દર વર્ષની જેમ આ વર્ષે પણ ‘સાલ્સા ઓન સેન્ટ ક્લેર’ ફેસ્ટિવલની ઉજવણી માટે એકત્ર થયા હતા. છેલ્લા 22 વર્ષથી યોજાતા આ લોકપ્રિય ફેસ્ટિવલ દરમિયાન સંગીત, ડાન્સ અને સાંસ્કૃતિક કાર્યક્રમો ચાલી રહ્યા હતા ત્યારે અચાનક ગોળીબાર (Firing)શરૂ થતાં સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી.

ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ઇમરજન્સી ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે હજુ સુધી હુમલાખોરોની સંખ્યા અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી અને લોકોને સતર્ક રહેવાની અપીલ કરી છે.
ઓન્ટેરિયોના પ્રીમિયર ડગ ફોર્ડે વ્યક્ત કર્યું દુઃખ
ઓન્ટેરિયોના પ્રીમિયર ડગ ફોર્ડે આ ઘટનાને નિરર્થક હિંસા ગણાવી મૃતકોના પરિવારજનો પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે નિર્દોષ લોકો પર થયેલો આ હુમલો અત્યંત દુઃખદ છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
કેનેડામાં ફરી ગન વાયોલન્સની ચર્ચા
તાજેતરના સમયમાં કેનેડામાં ગોળીબાર (Firing)ની આ બીજી મોટી ઘટના માનવામાં આવી રહી છે. થોડા અઠવાડિયા પહેલાં મોન્ટ્રિયલમાં પણ ગોળીબારની ઘટના બની હતી. જ્યારે વર્ષ 2020માં નોવા સ્કોટિયામાં થયેલા હુમલામાં 22 લોકોનાં મોત થયા બાદ કેનેડા સરકારે ‘એસોલ્ટ સ્ટાઇલ’ હથિયારો પર પ્રતિબંધ સહિત ગન કાયદાઓ વધુ કડક બનાવ્યા હતા. તેમ છતાં આવી ઘટનાઓને કારણે દેશમાં ફરી એકવાર જાહેર સુરક્ષા અને ગન કંટ્રોલ અંગે ચર્ચા તેજ બની છે.
