Mahesana News: દીકરીના જન્મ બાદ સતત શારીરિક અને માનસિક (Domestic Harassment) ત્રાસનો સામનો કરી રહેલી 22 વર્ષીય પરિણીતાએ ફિનાઈલ પી આપઘાત (Suicide Attempt) કરવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના બહુચરાજી વિસ્તારમાં સામે આવી છે. સારવાર દરમિયાન ભાનમાં આવ્યા બાદ પરિણીતાએ પોતાના સાસુ, સસરા, જેઠ અને જેઠાણી વિરુદ્ધ બહુચરાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
![]()
દીકરીના જન્મ બાદ બદલાયો પરિવારનો વલણ
મળતી માહિતી અનુસાર, દેત્રોજ તાલુકાના કુકવાવ ગામની રહેવાસી હિરલબાના લગ્ન પાંચ વર્ષ પહેલાં બહુચરાજીની આસોપાલવ સોસાયટીમાં રહેતા જયપાલસિંહ વિષ્ણુભા ઝાલા સાથે સમાજના રિવાજ મુજબ થયા હતા.લગ્નના શરૂઆતના સમયમાં દાંપત્ય જીવન સામાન્ય રીતે ચાલી રહ્યું હતું. જોકે, દોઢ વર્ષ પહેલાં હિરલબાએ દીકરીને (Daughter Birth Harassment) જન્મ આપ્યા બાદ પરિવારનું વર્તન બદલાઈ ગયું હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
‘અમને દીકરી નહીં, દીકરો જોઈએ’ કહી મારતા મેણાં
ફરિયાદ મુજબ, સાસુ મનહરબા, સસરા વિષ્ણુભા પ્રહલાદસિંહ, જેઠ રાજપાલસિંહ અને જેઠાણી રાધિકાબા વારંવાર “અમારે દીકરી નહીં, દીકરો જોઈએ” કહી મેણાં-ટોણાં મારતા (Women Harassment Case) હતા.આ ઉપરાંત ઘરકામ અને રસોઈને લઈને પણ સતત ટીકા-ટિપ્પણી કરવામાં આવતી હતી અને નાની-નાની બાબતે ઝઘડા કરીને પરિણીતાને માનસિક તથા શારીરિક રીતે હેરાન કરવામાં આવતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
ઘરકામને લઈને ફરી થયો ઝઘડો
પરિવારના સતત ત્રાસથી કંટાળીને પરિણીતા અગાઉ પણ અનેક વખત પિયર જતી રહી હતી. જોકે, પરિવારજનો દ્વારા સમજાવટ બાદ તે ફરી સાસરીમાં પરત ફરતી હતી.બે દિવસ પહેલાં જ પિયરેથી પરત આવ્યા બાદ 18 જુલાઈની સવારે ઘરકામ દરમિયાન ફરી એકવાર સાસરિયાઓ સાથે ઘરકામને લઈને બોલાચાલી થઈ હતી. ફરિયાદ મુજબ, આ દરમિયાન ફરી અપમાનજનક શબ્દો બોલાતા પરિણીતા ભારે માનસિક તણાવમાં આવી ગઈ હતી.
ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ, હોસ્પિટલમાંથી જ પોલીસ ફરિયાદ
ઘટના બાદ પરિણીતાએ ઘરમાં રાખેલું ફિનાઈલ પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે તેમના પતિ ઘરે હાજર હોવાથી તેમણે તાત્કાલિક પરિસ્થિતિને સમજી પરિણીતાને નજીકની ક્લિનિકમાં સારવાર માટે ખસેડી હતી અને બાદમાં પિયરપક્ષને પણ ઘટનાની જાણ કરી હતી.પ્રાથમિક સારવાર બાદ પરિણીતાને વધુ સારવાર માટે દેત્રોજ સ્થિત અમૃતબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.સારવાર દરમિયાન ભાનમાં આવ્યા બાદ પરિણીતાએ પોતાના પિયરપક્ષની હાજરીમાં સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. ફરિયાદના આધારે બહુચરાજી પોલીસે (Bahucharaji Police) સાસુ, સસરા, જેઠ અને જેઠાણી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે અને ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપોની તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: રાજકોટમાં સ્પીડવેલ પાસે અકસ્માતમાં પિતાનું મોત, કામ ન મળતા યુવકનો આપઘાત
આ પણ વાંચો: વડોદરામાં પત્ની પર કટરથી હુમલો કરી પતિનો આપઘાત
