Lifestyle: પબ્લિક ટોયલેટ (Public Toilet)નો ઉપયોગ સામાન્ય સંજોગોમાં તમામ લોકોએ કર્યો જ હશે. હવે જાહેર સ્થળોના અદ્યતન પબ્લિક ટોયલેટમાં પેપર ટૉવેલ જોવા નથી મળતા પરંતુ, એના સ્થાને હેન્ડ ડ્રાયર આવી ગયા છે. પણ નવાઇની વાત તો એ છે કે, હેન્ડ ડ્રાયર (Hand Dryer)થી હાથ કોરા કર્યા બાદ આપણા હાથ પર વધારે જર્મ્સ (Germs) જોવા મળે છે! હવે હાઇજીન નિષ્ણાતો અને ડૉક્ટર્સ (Hygene Experts & Doctors) આનો વપરાશ બંધ કરવાની સલાહ આપી રહ્યાં છે. તો ચાલો જાણીએ, આ અંગે વિસ્તૃત રીતે…

જાહેર સ્થળોએ હેન્ડ ડ્રાયરનું ચલણ
નાના હોય કે મોટા, તમામ લોકોને એક વાતની તો જાણકારી હોય જ છે કે હાથ ધોવાથી રોગ થવાની સંભાવનાઓ ઘટી જાય છે. આ કારણથી ઘર, શાળાઓ, ઑફિસો, હૉસ્પિટલો, એરપોર્ટ, રેસ્ટૉરન્ટ્સ તથી સિનેમાઘરોમાં હાથ ધોવા માટેની સુવિધા અચૂક રાખવામાં આવે છે. પરંતુ વાસ્તવિક સમસ્યા ત્યારે શરુ થાય છે જ્યારે હાથ ધોયા પછી એમને કોરા કરવાના હોય છે. સામાન્ય રીતે, લોકો હાથ લૂછવા માટે રુમાલ, પેપર ટૉવેલ કે ટિશ્યૂ (Handkerchief, Paper Towel, Tissue Paper)નો વપરાશ કરે છે. પરંતુ, આજકાલ તો તમામ જગ્યાઓ પર વૉશરુમમાં પેપર ટૉવેલના સ્થાને હેન્ડ ડ્રાયર આવી ગયા છે. લોકોના મનમાં એ જ ખ્યાલ છે કે, હાથ કોરા કરવાની આ એક અદ્યતન, સરળ અને ઇકો-ફ્રેન્ડલી (Eco-Friendly) પદ્ધતિ છે પરંતુ, રિસર્ચમાં ચોંકાવનારા તથ્યો જાણવા મળ્યાં છે. તાજેતરમાં થયેલા અમુક રિસર્ચમાં એવું તારણ બહાર આવ્યું છે કે, પબ્લિક ટોયલેટના હેન્ડ ડ્રાયર એટલા સુરક્ષિત નથી જેટલા સુરક્ષિત એમને માનવામાં આવી રહ્યાં છે!
ડૉ. લૉરા ગોન્ઝાલિસ એક વિખ્યાત બાયોલૉજિસ્ટ છે અને વૈજ્ઞાનિક તથ્યોને આધારે લોકોને સ્વાસ્થ્ય સંબંધી માહિતી શૅર કરે છે. તેઓએ હાલમાં જ જાહેર સ્થળોએ લગાવેલા હેન્ડ ડ્રાયરના વપરાશથી ઉત્પન્ન થનારા જોખમો અંગે લોકોને ચેતવ્યા છે. એમના જણાવ્યાનુસાર, વૉશરુમ (Washroom) અગાઉથી જ બૅક્ટેરિયા અને વાયરસ (Bacteria & Viruses)થી ભરેલો હોય છે અને જ્યારે આપણે હૅન્ડ ડ્રાયરનો ઉપયોગ કરીએ છીએ ત્યારે એ ટૉયલેટમાંથી નીકળનારા ફ્લશ એરોસોલ એટલે કે માઇક્રોઓર્ગેનિઝમને ખેંચે છે જે, સીધા જ આપણા સ્વચ્છ હાથો પર ચોંટી જાય છે અને હાથ ધોવાનો કોઇ અર્થ રહેતો નથી. માત્ર આ બાયોલોજીસ્ટ દ્વારા જ નહિં પરંતુ, અન્ય સાયન્ટિફીક રિસર્ચ (Scientific Research)માં પણ જાણવા મળ્યું છે કે હેન્ડ ડ્રાયર કેવળ હાથને જ નહિં પણ આખા બાથરુમ (Bathroom)ને ગંદુ બનાવે છે!

જેટ ડ્રાયર પર શું કહે છે રિસર્ચ?
અમેરિકાની કનેક્ટિકટ યુનિવર્સિટી અને એક અન્ય યુનિવર્સિટીના રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, જ્યારે ડ્રાયર ચાલુ કરવામાં આવ્યું અને પેટ્રી ડિશને બાથરુમની હવાની નજીક રાખવામાં આવી તો એમાં 254 બૅક્ટેરિયાની કૉલોની બની ગયેલી જોવા મળી હતી. પરંતુ, જ્યારે ડ્રાયર બંધ હતુ ત્યારે લગભગ કોઇ જ બૅક્ટેરિયાનો ગ્રોથ જોવા મળ્યો નહિં. આમાંથી મોટાભાગના બૅક્ટેરિયા ટૉયલેટમાંથી નીકળનારા નાના-નાના એરોસોલ (Airosol) દ્વારા આવ્યાં હતા. તેજ ગતિથી હવા ફેંકતા ડ્રાયર આવા જોખમને ઓર વધારી દે છે કારણ કે, આ દૂષિત કણો (Polluted Particles)ને ડ્રાયર આપણા હાથ, કપડાં અને આજુબાજુની વસ્તુઓ પર ફેલાવી દે છે. આનાથી ડ્રાયર વાપરનારી વ્યક્તિ સૂક્ષ્મ જીવો (Microorganisms)ના સંપર્કમાં ઝડપથી આવી શકે છે.
અભ્યાસમાં શું જાણવા મળ્યું?
વર્ષ 2018 માં ‘અમેરિકન સોસાયટી ફોર માઇક્રોબાયોલૉજી’ દ્વારા થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું હતુ કે, ગરમ હવાયુક્ત ડ્રાયર (Hot Air Dryer) હવાની સાથોસાથ, સૂક્ષ્મ જીવોને પણ બહાર ફેંકે છે અર્થાત્, ડ્રાયરની હવા સ્વચ્છ હોતી નથી પણ એમાં ગંદા કણો ભળેલા હોય છે. એ પણ જાણવા મળ્યું હતુ કે, HEPA ફિલ્ટર (HEPA Filter) લગાવ્યા છતાં પણ ડ્રાયર હવામાં બૅક્ટેરિયા ફેલાવે છે. આનો અર્થ એ થયો કે આવા ફિલ્ટર પણ જોખમને પૂર્ણ રીતે ટાળી શકતા નથી.

પરંપરાગત રુમાલ કે ટૉવેલ વધુ સુરક્ષિત
હાલમાં ‘ઇન્ફેક્શન કંટ્રોલ એન્ડ હૉસ્પિટલ એપિડેમિયોલૉજી જર્નલ’ માં પ્રકાશિત એક રિસર્ચમાં દર્શાવવામાં આવ્યું છે કે, કપડાના બનેલા ટૉવેલ અને રુમાલ જેવા પરંપરાગત પદ્ધતિઓની સરખામણીએ જેટ ડ્રાયર સૂક્ષ્મ જીવોને વધુ દૂર સુધી ફેલાવે છે. ડ્રાયરમાંથી ફેંકાતા પાણીના સૂક્ષ્મ કણો કેટલાય મીટર સુધી ઉડે છે અને લાંબો સમય હવામાં તર્યા કરે છે.
પેપર ટૉવેલ ઉત્તમ કે પછી હેન્ડ ડ્રાયર?
1. ‘મેયો ક્લિનિક પ્રોસીડિંગ્સ’ માં પ્રકાશિત એક અભ્યાસમાં એ સ્પષ્ટ જાણવા મળ્યું છે કે, હાથ ધોયા પછી એને સુકવવા માટે પેપર ટૉવેલ એ ડ્રાયરથી વધારે સુરક્ષિત અને અસરકારક છે.
2. પેપર ટૉવેલથી હાથના બૅક્ટેરિયાને સીધા જ લૂછીને હટાવી શકાય છે જ્યારે, ડ્રાયરથી હવામાં સૂક્ષ્મ જીવો ફેલાઇ જાય છે.
3. આ ઉપરાંત, વૉશરુમ કે ટૉયલેટના સૂક્ષ્મ જીવો હવામાં ફેલાતા નથી.
4. પેપર ટૉવલનો ઉપયોગ નળને બંધ કરવા અથવા ટૉયલેટનો દરવાજો ખોલવા માટે પણ લોકો કરતા હોય છે. આવી કેટલાય લોકોના સ્પર્શ વાળી ગંદી જગ્યાઓનો સીધો જ સ્પર્શ કરવાથી બચી શકાય છે અને બીમારીઓનો ખતરો (Risk of Diseases) ઓછો થઇ જાય છે.
પેપર ટૉવેલ વધારે સુરક્ષિત
1.વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) જેવા મોટા વૈશ્વિક સ્વાસ્થ્ય સંગઠનના મતે, હાથ સુકવવા માટે પેપર ટૉવેલ સૌથી વધુ સુરક્ષિત વિકલ્પ (Safe Option) છે. કારણ કે, એ હાથનો ભેજ ઝડપથી શોષી લે છે.
2. એર ડ્રાયરથી થનારા પોલ્યુશન અને હવામાં સૂક્ષ્મ જીવોનો ફેલાવો અટકાવે છે.
3. સૂક્ષ્મ જીવોનું એક સ્થળેથી બીજા સ્થળે સ્થાનાંતર થવાની સંભાવના ઓછી થઇ જાય છે.
4. વિશેષ કરીને, શાળાઓ, એરપોર્ટ અને હૉસ્પિટલ (Schools, Airports, Hospitals) જેવી લોકોની અવરજવર વાળી જગ્યાઓ પર જેટ એર ડ્રાયરને બદલે પેપર ટૉવેલ વાપરવા યોગ્ય રીત છે કારણ કે, એનાથી ચેપ લાગવાનું જોખમ (Infection Risk) ઓછું થઇ જાય છે.

કોને-કોને હેન્ડ ડ્રાયરનું વધુ જોખમ?
1. ડાયાબિટીસ, કેન્સર (Diabetes, Cancer) અથવા અન્ય બીમારીઓથી પીડિત વ્યક્તિઓની ઇમ્યૂનિટી (Immunity) નબળી હોય છે જેથી તેઓ ઝડપથી બીમાર પડે છે.
2. બાળકો અને વડીલોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે જેથી ઇન્ફેક્શનનું જોખમ વધી જાય છે.
3. ફૂડ ઇન્ડસ્ટ્રી (Food Industry), હૉસ્પિટલ અને ક્લિનિકમાં કામ કરતા લોકો રોજબરોજ દર્દીઓ અને ખોરાકના સંપર્કમાં આવે છે એટલે આવી વ્યક્તિઓ ઝડપથી રોગના સકંજામાં આવી શકે છે.
આ પણ વાંચો:વડાપ્રધાન મોદી આ સુપર ફૂડને વર્ષમાં 300 દિવસ ખાય છે! એ છે પોષણનો ખજાનો, ‘મખાના’..!
આ પણ વાંચો: યુવાનો માટે વધુ પ્રોટીન જોખમી, બોડી બિલ્ડર બનશો પણ કિડની ખરાબ કરશો…!!
