ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલને જામનગર અને જૂનાગઢ જિલ્લામાં ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા સંચાલિત બસો સંદર્ભે નાગરીકો તરફથી વિવિધ રજૂઆતો અને ફરિયાદો મળી હતી. નાગરિકોના પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ લાવી તેમને ઉત્તમ પરિવહન સેવા પૂરી પાડવા મંત્રી રાઘવજી પટેલે રાજ્યના વાહન વ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી હતી.
વાહન વ્યવહાર મંત્રીએ પણ નાગરિકોના પ્રશ્નોને વાચા આપવા તાત્કાલિક ધોરણે ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના અધિકારી ઓની ટીમ તૈયાર કરી હતી. ગાંધીનગર ખાતે મંત્રી રાઘવજી પટેલે અધિકારીઓની આ ટીમ સાથે ખાસ બેઠક યોજી હતી. અધિકારીઓની ટીમમાં GSRTCના સચિવ, જામનગરના ડીવીઝનલ કંટ્રોલર, ચીફ કોમર્શીયલ મેનેજર સહિતના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
આ બેઠક દરમિયાન જામનગર અને જૂનાગઢ જિલ્લાના વિસ્તારોમાં બસની અનિયમિતતા, જૂના બસ રૂટ ફરી શરૂ કરવા જેવા વિવિધ પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
ચર્ચા દરમિયાન મંત્રીએ જામનગર જિલ્લાના જોડીયા શહેરમાં નવીન બસ સ્ટેશન બનાવવા માટે જમીન શોધવા મહેસૂલ વિભાગના અધિકારીઓ સાથે તાકીદે બેઠક કરી નિવારણ લાવવા સૂચના આપી હતી. કોરોનાકાળ દરમિયાન કેટલાક ગામડાના બંધ થયેલા બસ રૂટ ફરી શરુ કરવા, જામનગરથી સુરત અને રાજકોટના બસ રૂટ શરુ કરવા, અપ-ડાઉન કરતા વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નો તેમજ શ્રાવણ માસને ધ્યાને રાખી જૂનાગઢના ધાર્મિક સ્થળો ખાતે વધારાની બસો દોડાવવા અને શ્રદ્ધાળુઓને સર્વોત્તમ પરિવહન સેવા પૂરી પાડવા મંત્રી પટેલે સૂચનાઓ આપી હતી.
અધિકારીની ટીમે જામનગરના જોડીયા ખાતે બસ સ્ટેશનના નિર્માણ માટે જમીન શોધવાની કવાયત શરૂ કરી દેવામાં આવી હોવાનું મંત્રીને જણાવ્યું હતું. આ ઉપરાંત બેઠકમાં ઉપસ્થિત થયેલા મોટાભાગના પ્રશ્નોનો સત્વરે હકારાત્મક ઉકેલ લાવવા પણ અધિકારીઓ દ્વારા મંત્રીને ખાતરી આપવામાં આવી હતી.