snow storm/ અમેરિકામાં બરફના તોફાને તબાહી મચાવી, અનેક લોકોના થયા મોત, વિસ્તૃત અહેવાલ

અમેરિકામાં એટલી બધી હિમવર્ષા થઈ કે ઘરો, ખેતરો અને લોકો જ્યાં હતા ત્યાં થીજી ગયા. એક સાથે અનેક પ્રકારના હવામાન જોવા મળ્યા. જ્યારે વાવાઝોડું સમાપ્ત થયું, ત્યારે કેલિફોર્નિયામાં પૂર આવ્યું…

Mantavya Exclusive
A Snow Storm in America

A Snow Storm in America: અમેરિકામાં એટલી બધી હિમવર્ષા થઈ કે ઘરો, ખેતરો અને લોકો જ્યાં હતા ત્યાં થીજી ગયા. એક સાથે અનેક પ્રકારના હવામાન જોવા મળ્યા. જ્યારે વાવાઝોડું સમાપ્ત થયું, ત્યારે કેલિફોર્નિયામાં પૂર આવ્યું. તો સ્વિટ્ઝર્લેન્ડમાં પર્વતો પરથી બરફ ગાયબ છે. યુરોપના ઘણા દેશોમાં જાન્યુઆરીમાં જ ગરમી જેવું વાતાવરણ જોવા મળે છે. સ્વિટ્ઝર્લેન્ડ ગરમીથી બચવા કૃત્રિમ બરફ બનાવી રહ્યું છે. આ વિચિત્ર હવામાનનું કારણ શું છે, આવો જોઈએ, મંતવ્ય વિશેષમાં…

અમેરિકામાં બરફનું તોફાન સતત તબાહી મચાવી રહ્યું છે. તિવ્ર ઠંડીના કારણે 50 લોકોના મૃત્યુ થયા છે. ક્રિસમસ દરમિયાન દેશના લગભગ 20 કરોડ લોકો આ વાવાઝોડાથી પ્રભાવિત થયા છે. બરફના તોફાનના કારણે અત્યાર સુધીમાં 8,000 ફ્લાઈટ રદ થઈ ગઈ છે. બર્ફિલા તોફાનોએ સૌથી વધુ તબાહી અમેરિકાના બફેલોમાં મચાવી છે. તેજ બર્ફિલા પવનોના કારણે લોકો રસ્તા પર ચાલી નથી શકતા. અમેરિકામાં હાલ ઘણી જગ્યાએ તાપમાન માઈનસ 45 ડિગ્રી સેલ્સિયસ છે.

સફેદ આફતના કારણે વિઝીબીલીટીમાં ઘટાડો જોવા મળ્યો છે. ક્રિસમસને લઈને હાલમાં અમેરિકામાં રજાનો માહોલ છે. ત્યારે મોટાભાગના વિસ્તારમાં હિમવર્ષાની ચપેટમાં આવ્યું છે. બરફના તોફાનોના કારણે જનજીવન અસ્ત વ્યસ્ત છે. રસ્તાઓ સૂમસામ બન્યા છે.  લોકો ઘરોમાં પૂરાયા છે. વીજળી ગુલ થવાના કારણે મુશ્કેલી વધારે કઠિન બની છે.

અમેરિકાના નોર્થ કેરોલિનામાં બર્ફિલા પવન અને હિમવર્ષાને કારણે લાખો લોકો પ્રભાવિત થયા છે. 4 લાખ 15 હજારથી વધુ ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. રસ્તા પર બરફ જામી જતા વાહનોની લાંબી કતારો લાગી છે. અમેરિકામાં હાલ તાપમાનનો પારો માઈનસ 45 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. ન્યૂયોર્કના બફેલોમાં તો બર્ફિલા તોફાનોને કારણે આંતરરાષ્ટ્રીય એયરપોર્ટ બંધ કરી દેવાયા છે.

ન્યુયોર્કમાં બફેલો સિટી તાજેતરના દિવસોમાં સબ-ઝીરો તાપમાન અને ભારે બરફવર્ષાથી પ્રભાવિત છે. ન્યૂયોર્કમાં બફેલો આ દિવસોમાં ભારે બરફના તોફાનની ઝપેટમાં છે. આ બરફના તોફાનના કારણે ન્યૂયોર્કમાં ક્રિસમસનો તહેવાર ફિક્કો પડી ગયો હતો. ઘાતક હિમવર્ષાને કારણે વાહનચાલકો અને બચાવ કાર્યકરોને તેમના વાહનોમાં ફસાઈ જવાની ફરજ પડી હતી. ‘NBC’એ અહેવાલ આપ્યો છે કે વાવાઝોડાને કારણે હજારો ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. તો અમેરિકામાં હવામાન સંબંધિત ઘટનાઓમાં ઓછામાં ઓછા 50 લોકોના મોત થયા છે. સૂત્રો મુજબ, આ બરફના તોફાનને કારણે મોટાભાગના મૃત્યુ બફેલો અને તેની આસપાસના વિસ્તારોમાં થયા છે. બફેલો પોલીસ વિભાગે ઓનલાઈન પોસ્ટ દ્વારા લોકોને સર્ચ અને રિકવરીના પ્રયાસોમાં મદદ માટે અપીલ કરી છે. અધિકારીઓએ ‘સ્નો મોબાઈલ’ ધરાવતા અને મદદ કરવા ઈચ્છુક લોકોને હોટલાઈન પર કોલ કરવા સૂચના આપી છે.

આ સમયે સમગ્ર અમેરિકા તીવ્ર ઠંડીનો સામનો કરી રહ્યું છે. ત્યારે સૌથી વધુ ઠંડીની અસર ન્યૂયોર્કના બફેલો શહેર પર જોવા મળી રહી છે. અહીં બરફના તોફાનથી સામાન્ય લોકોનું જનજીવન સંપૂર્ણપણે થંભી ગયું છે. બફેલોમાં ચાલી રહેલા બરફના તોફાનના કારણે આખું શહેર લગભગ લાચાર બની ગયું છે. આ બરફનું તોફાન એક પ્રકારનું શિયાળુ વાવાઝોડું છે,  આ વાવાઝોડામાં પાણીને બદલે બરફ કે કરા પડે છે. જાણકારોનું કહેવું છે કે આ પહેલા વર્ષ 1816માં ઉનાળામાં પણ આવું જ વાવાઝોડું આવ્યું હતું. જે બાદ વર્ષ 2013માં પણ આવું જ તોફાન જોવા મળ્યું હતું. ત્યારે વાવાઝોડાને કારણે 10 સેમી બરફની ચાદર જામી ગઈ હતી.

એક તરફ દુનિયિભરમાં ક્રિસમસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી તો બીજી તરફ અમેરિકામાં ખતરનાક બરફ પડી રહ્યો છે જેણે હાહાકાર મચાવી દીધો છે. મળી રહેલા સમાચાર અનુસાર, અમેરિકામાં બરફના તોફાનના કારણે અલગ-અલગ જગ્યાએ 50 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે. વાવાઝોડાએ દેશના મોટા ભાગના વિસ્તારને હિમવર્ષા અને તેજ પવનથી ઢાંકી દીધા છે. આ વાવાઝોડામાં વધુ લોકોના મોત થવાની આશંકા છે. હિમવર્ષાના કારણે ઘણા લોકો ઘરની અંદર અટવાયા છે અને લાખો ઘરોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો છે.

ઘરો અને વાહનો પર બરફનો જાડો પડ જામ્યો છે. ભારે પવનના કારણે અનેક જગ્યાએ વૃક્ષો પડી ગયા છે અને વીજ લાઈનોને પણ નુકસાન થયું છે. મળી રહેલી માહિતી અનુસાર, અમેરિકામાં અંદાજે 4 લાખ ઘરોમાં અંધારપટ છવાયો છે. વાવાઝોડાએ કેનેડા નજીકના ગ્રેટ લેક્સથી મેક્સિકોની સરહદે આવેલા રિયો ગ્રાન્ડે સુધીના વિશાળ વિસ્તારને અસર કરી છે. નેશનલ વેધર સર્વિસે જણાવ્યું હતું કે લગભગ 60 ટકા યુ.એસ.ની વસ્તી હવામાન સલાહ અથવા ચેતવણી હેઠળ હતી, અને રોકી પર્વતોની પૂર્વથી એપાલાચિયન સુધીનું તાપમાન સામાન્ય કરતાં ઘણું ઓછું થઈ ગયું છે.

બરફના વાવાઝોડાએ લાખો અમેરિકનો માટે મુસાફરીની યોજનાઓ વિક્ષેપિત કરી છે, જેમાં પ્રવાસીઓને વર્ષના સૌથી વ્યસ્ત સમયમાં વિલંબ અને ફ્લાઇટ્સ અને ટ્રેનો રદ કરવાનો સામનો કરવો પડે છે. મહત્વનું છે કે, લોકો સુધી પહોંચવા માટે ઈમરજન્સી રિસ્પોન્સ વિભાગની કામગીરી પણ ખોરવાઈ ગઈ છે. બરફના જાડા પડને કારણે શહેરનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. યુ.એસ.ના અધિકારીઓએ મૃત્યુ માટે ટોર્નેડો, કાર અકસ્માત, વૃક્ષો પડી જવા અને તોફાનની અન્ય અસરોને જવાબદાર ગણાવી હતી. બફેલો વિસ્તારમાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા છે.

ન્યૂયોર્કના ચીકટોવાગામાં બે લોકોના મોત થયા છે. ઓહાયોમાં તોફાન સંબંધિત વિવિધ ઘટનાઓમાં 10 લોકોના મોત થયા છે. ઓહાયોમાં રોડ પર એક જગ્યાએ લગભગ 50 વાહનો અથડાયા હતા. વળી, ન્યૂયોર્કના એરી કાઉન્ટીમાં જુદા જુદા અકસ્માતોમાં સાત લોકોના મોત થયા છે. મિઝોરી અને કેન્સાસમાં અલગ-અલગ જગ્યાએ ચાર લોકોના મોત થયા છે.

અમેરિકામાં રેકોર્ડબ્રેક ઠંડીએ હાહાકાર મચાવ્યો છે. અમેરિકામાં વાવાઝોડાના કારણે કેન્દ્રીય રાજ્યોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. યુ.એસ.ના કેટલાક ભાગોમાં, નાતાલના બે દિવસ પહેલા તાપમાનનો પારો માઈનસ 45 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડી ગયો હતો, જેના કારણે નાગરિકોને તેમના ઘરોમાં બંધ રહેવાની ફરજ પડી હતી. અમેરિકાના સતાવાર સૂત્રોએ કહ્યું કે, સદીનું આ સૌથી ભયાનક બરફનું તોફાન છે. પુર્વોતર ભાગોમાં હાલત હજુ અત્યંત ખરાબ છે. લાખો ઘરોમાં વિજ પુરવઠો ખોરવાયેલો છે. પરિવહન ઠપ્પ છે અને સર્વત્ર બરફ જામેલો છે. 9 રાજયોમાં જ 50 લોકો મોતને ભેટયા છે. બફેલો શહેરમાં હાલત ખરાબ છે. બરફના ઢગ તથા વાહનોમાંથી મૃતદેહો નીકળી રહ્યા છે. બચાવદળ દરમ્યાન હવે તમામે તમામ વાહનોની ચકાસણી શરૂ કરવામાં આવી છે. બરફીલા પવન, હિમવર્ષા અને માઈનસ તાપમાનમાં થીજી જવા જેવી હાલત છે. આખુ શહેર બરફ નીચે દટાયાની હાલત છે.

અમેરિકામાં સોમવારે વધુ 3800 ફલાઈટો રદ કરી નાંખવામાં આવી હતી. જાણકારોના કહેવા પ્રમાણે આ બરફનું ભયાનક તોફાન કયારે ખત્મ થશે તે વિશે કોઈ આગાહી કરવાનું મુશ્કેલ બન્યુ છે. ન્યુયોર્કના ગામડાઓમાં રાત્રે 30થી40 ઈંચ બરફ પડયો હતો. અમેરિકી પ્રમુખ જો બાઈડન દ્વારા તમામ પ્રકારની મદદ જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે ન્યુયોર્કના નગરોમાં અનેક ફુટ બરફ જામેલો જ છે અને સોમવારે વધુ 14 ઈંચ પડયો હતો. ઈમરજન્સી સેવાઓને પુર્વવત કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તે નોર્મલ થયા બાદ અન્ય સેવા પર ધ્યાન કેન્દ્રીત થઈ શકશે.

નેશનલ ગાર્ડ તથા બચાવદળ દ્વારા બરફથી ઢંકાયેલી કારમાંથી સેંકડો લોકોને બચાવ્યા હોવા છતાં હજુ સંખ્યાબંધ લોકો દટાયેલા હોવાની આશંકા છે. બફેલોના ગવર્નર કેથી હોચૂલે જ કહ્યું કે કુદરત સામે ‘વોરઝોન’ જેવી હાલત છે. દેશના અનેક ભાગોમાં બ્લેકઆઉટની હાલત વચ્ચે માનવીઓની સાથે જાનવરોના પણ બરફ હેઠળ દબાઈ-થીજી જવાથી મોત થયા છે.

અમેરિકાના મોન્ટનામાં હાલત સૌથી વધુ ખરાબ છે. જયાં તાપમાન માઈનસ 50 ડીગ્રી નોંધાયુ હતું. અમેરિકા ઉપરાંત હિમ તોફાનનો કહેર જાપાન તથા ઓસ્ટ્રીયામાં પણ છે. જાપાનમાં હિમસ્ખલનથી 17 લોકોના મોત થયા હતા. 93 લોકો ઘાયલ થયા હતા. સેંકડો મકાનોમાં વિજળી ગુલ છે. ઓસ્ટ્રીયામાં હિમસ્ખલનમાં 10 લોકો લાપતા છે. કેનેડામાં હિમવર્ષાથી ચાર લોકોના મોત થયા છે. મેકસીકોમાં ઈમરજન્સી સેવા પણ ઠપ્પ છે.

અમેરિકામાં બરફના ભયાનક તોફાન સાથે કુદરતના કહેરમાં લોકોની થીજી જવા જેવી હાલત થઈ છે. લાખો મકાનો-ઈમારતોમાં વિજળી ઠપ્પ હોવાથી બ્લેક આઉટની હાલત વચ્ચે ખાવાપીવાના સાંસા છે. પરિણામે ચોરી-લુંટફાટના બનાવો વધી ગયા છે. વોલમાર્ટ જેવા સ્ટોર્સમાં લુંટની ઘટનાઓથી સુરક્ષા તંત્ર માટે નવો પડકાર સર્જાયો છે. બફેલોમાં એક સ્ટોરમાં લુંટ વખતે ફાયરીંગ પણ થયુ હતું. સ્થાનિક લોકો પાસે ખાવાનુ ન રહેતા સ્ટોરમાં ઘુસીને લુંટફાટ કરી હતી. પોલીસે તેઓને અટકાવવા ફાયરીંગ કર્યુ હતું. 30 મીનીટ સુધી આ લુંટફાટ ચાલી હતી.

શિયાળામાં ઉષ્ણતામાન માઈનસ 10 ડીગ્રી આસપાસ રહે છે. આ ઉષ્ણતામાન ગામડાઓમાં છે જયારે શહેરોમાં તે માઈનસ 5 ડીગ્રી જેટલું રહે છે. આર્ટિક સર્કલ આસપાસના દેશોમાં ઉનાળામાં પણ પારો 20 ડીગ્રી આસપાસ રહે છે એટલે કે ભારતના મોટા ભાગમાં શિયાળામાં જે સ્થિતિ હોય છે તે સ્થિતિ ઉક્ત દેશોમાં ઉનાળામાં હોય છે ત્યારે તે દેશોમાં ગરમી ઘણી ઘણી લાગે છે. પરંતુ તે દેશોમાં જ અત્યારે ‘વિન્ટર હીટ-વેવ’ ચાલે છે એટલે આપણે ત્યાં જેટલું ઉષ્ણતામાન શિયાળામાં હોય એટલું ત્યાં ઉનાળામાં હોય છે. અત્યારે ત્યાં આ ‘હીટવેવ’ ચાલે છે તેને એકસ્ટ્રીમ ઇવેન્ટ કહી શકાય. તેમ લખતાં વૉશિંગ્ટન પોસ્ટ જણાવે છે કે, ઝેક રિપબ્લિક અને પોલેન્ડમાં ઉષ્ણતામાન જાન્યુઆરીના પ્રારંભે 19 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહ્યું હતું. નેધરલેન્ડમાં તે 17 ડિગ્રી રહ્યું, ડેન્માર્ક, લેટિવિયા અને બેલારૂસમાં પણ તાપમાન એટલું જ રહ્યું હતું. સ્વિત્ઝર્લેન્ડમાં પણ બરફ ઓછો પડયો છે. તેથી રિસોર્ટસ બંધ કરવા પડયા છે. આનું કારણ દર્શાવતા હવામાનશાસ્ત્રીઓ તેને ‘હીટ ડોમ’ કહે છે. યુરોપના લોકોને તેનાથી સાવચેત રહેવા કહેવામાં આવ્યું છે. અને તંદુરસ્તી ઉપર પણ ખાસ ક્રોનિક માંદગીવાળાને ઘરમાંથી બહાર નહી નીકળવા જણાવી દેવાયું છે અને કહ્યુ છે કે, તેમ નહી કરો તો મુશ્કેલીમાં મુકાઈ જશો.

‘હીટ ડોમ’ એક વિશિષ્ટ પરિસ્થિતિ છે તેમાં વાયુ મંડળ ગરમ સમુદ્રી હવાને બોટલ ઉપરના કોઈ ઢાંકણાની જેમ બંધ કરી દેવાય છે અને ધીમે ધીમે તે રીલીઝ થાય છે.

અમેરિકાનું ‘નેશનલ ઑશનિક એન્ડ એટમોસ્ફીયરિક એડમિનિસ્ટ્રેશન જણાવે છે કે આ પ્રકારની સ્થિતિ ત્યારે નિર્મિત થાય છે કે જ્યારે પ્રશાંત મહાસાગરનો એક નાનો એવો વિસ્તાર ઠંડો થઈ જાય ત્યારે બીજો વિસ્તાર ગરમ થઈ જાય. તેને લા-નીના સ્થિતિ પણ કહેવાય છે તેમાંથી હીટ ડોમ ઊભો થાય છે જે આશરે પંદરેક દિવસ ચાલે છે. તે પછી તે ઢાંકણ ઢીલું પડે છે અને તેમાં ફસાયેલી હવા પૂરેપૂરી ખતમ થઈ જાય છે.’

અમેરિકામાં હીટ ડોમની સ્થિતિ જૂન- જુલાઈ 2021માં સર્જાઈ હતી વૉશિંગ્ટનમાં પારો 49 ડીગ્રી પહોંચ્યો હતો. બ્રિટિશ કોલંબિયામાં તે 45 ડીગ્રી પહોંચી ગયો હતો. આથી 500થી વધુ મૃત્યુ થયા હતા. સપ્ટેમ્બર 2022માં પણ સામાન્ય રીતે મનાતા ઠંડા દેશો હીટ ડોમની ઝપટમાં આવ્યા હતા. 1995ના 12થી 15 જુલાઈ વચ્ચે હીટડોમને લીધે શિકાગોમાં જુલાઈ ૪થીએ અનેક મૃત્યુ નોંધાયા હતા.

ઉત્તર ભારત પણ ઠંડુગાર થઈ ગયું છે. અમેરિકામાં એટલી બધી હિમવર્ષા થઈ કે ઘરો, ખેતરો અને લોકો જ્યાં હતા ત્યાં થીજી ગયા. એક સાથે અનેક પ્રકારના હવામાન જોવા મળ્યા. જ્યારે વાવાઝોડું સમાપ્ત થયું, ત્યારે કેલિફોર્નિયામાં પૂર આવ્યું. તો સ્વિટ્ઝર્લેન્ડમાં પર્વતો પરથી બરફ ગાયબ છે. યુરોપના ઘણા દેશોમાં જાન્યુઆરીમાં જ ગરમી જેવું વાતાવરણ જોવા મળે છે. યુરોપમાં શિયાળાની ગરમીનું મોજું જોવા મળ્યું. સ્વિટ્ઝર્લેન્ડ કૃત્રિમ બરફ બનાવી રહ્યું છે. વિચિત્ર હવામાનને સમજવું મુશ્કેલ છે. આપ આપના મંતવ્ય જણાવશો.

આ પણ વાંચો: Bollywood/મનોજ બાજપેયીનું ટ્વીટર એકાઉન્ટ થયું હેક, કહ્યું- મારી પ્રોફાઈલમાંથી આવતી કોઈ પણ વસ્તુ સાથે કનેક્ટ ન થાઓ