@Dhruv Kundel
Rajkot News: રાજકોટના થોરાળા મેઇન રોડ પર રસ્તા પર બેઠેલા પાથરણાવાળાને હટાવવા ગયેલા રાજકોટ મનપાનાં કર્મચારીઓ અને થોરાળા પોલીસ પર પાંચ જેટલા શખ્સોએ ઝગડો કરી પથ્થરમારો કરાયો હતો. એક મહિલા કોન્સ્ટેબલ ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ ટોળા વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
રાજકોટના થોરાળા (Thorala) મેઇન રોડ પર આવેલા સ્વામીનારાયણ શાળા પાસે રસ્તા પર બેસેલા પાથરણાવાળાને હટાવવા ગયેલા રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓ અને થોરાળા પોલીસ (Police) પર પાંચ જેટલા શખ્સોએ ઝગડો કરી પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં એક મહિલા કોન્સ્ટેબલ ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. આ ઘટનાની જાણ થોરાળા પોલીસને થતાં થોરાળા PI ભાર્ગવસિંહ ઝણકાટ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પણ તેમને ત્યાં પાથરણાવાળાનાં ટોળાએ ઘેરી લીધા હતા અને એક યુવકે પોલીસની હાજરીમાં ફિનાઈલ પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
ફિનાઈલ પીનારા યુવકને સારવાર અર્થે ખસેડાયો હતો. આ ઘટનાની જાણ થતા વધુ પોલીસ સ્ટાફ બોલાવી ઘટના સ્થળે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ હેડ કવાર્ટરમાં રહેતા અને ફરજ બજાવતાં પોલીસ કોન્સ્ટેબલ એકતા રાઠોડ આજે બપોરે 1-30 વાગ્યે થોરાળા મેઇન રોડ ઉપર સ્વામીનારાયણ શાળા પાસે રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવો શાખાની ટીમ સાથે પાથરણાવાળાને હટાવવા જતા ત્યાં હાજર ટોળાના પાયલ, શામજી મકવાણા, દીલો અને ચિરાગ સહીતના લોકોએ ઘેરી લઈ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો.
જેમાં એકતા રાઠોડ ઈજાગ્રસ્ત થયા હતા. આ સાથે સરકારી વાહનોને પણ નુકસાન થયું હતું. તેમજ ટોળું વિફરતા PSI તેમજ અન્ય પોલીસ સ્ટાફ સાથે પણ ઝપાઝપી કરી હતી. આ ઘટનાને પગલે થોરાળા પોલીસ મથકના PI ભાર્ગવસિંહ ઝણકાટ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તેઓને પણ ટોળાએ ઘેરી લીધા હતા.
ટોળામાંથી એક વ્યકિતએ જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યાના આક્ષેપ સાથે પી.આઈ.ની સામે જ ફિનાઇલ પી લઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટના અંગે સારવારમાં રહેલા મહિલા પોલીસ કોન્સ્ટેબલ એકતા રાઠોડની ફરીયાદ પરથી ટોળા સામે ગુનો નોંધી કાર્યવાહી કરવા તપાસ શરૂ કરાઈ છે. તેમજ બનાવ સ્થળે અન્ય પોલીસ સ્ટાફ પણ પહોંચી ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
આ પણ વાંચો:મની એક્સચેન્જની આડમાં શંકાસ્પદ નાણાકીય વ્યવહારો ઝડપાયા
આ પણ વાંચો:અડાજણમાં 22 વર્ષીય પરિણીતાનો આપઘાત, પરિવારે ન્યાયની માગ કરી
આ પણ વાંચો:પાનના ગલ્લાની રૂપિયા 4500ની ઉઘરાણીમાં યુવાનને સરેઆમ રહેંસી નાંખ્યો