ગાંધીનગરઃ સાણંદમાં પ્લાન્ટ સ્થાપનારી સેમી કંડક્ટર સેક્ટરની અગ્રણી કંપની માઇક્રોને પ્લાન્ટની કામગીરી ઝડપી બનાવવા માટે સીએમની હાજરીમાં ગાંધીનગર ખાતે કરાર કર્યા છે. આ કરાર હેઠળ માઇક્રોન પ્લાન્ટને જાળવી રાખવા માટે જરૂરી સહયોગ તેમજ નાણાસહાય અને કેન્દ્ર-રાજ્ય સરકાર સાથેના વિભાગોની પ્રક્રિયાઓ સમયસર પૂરી કરવામાં ગુજરાત સરકારનો સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ સહાયરૂપ બનશે. તેની સાથે ભારત સરકારનું ઇન્ડિયા સેમિકંડક્ટર મિશન પણ તેને વૈજ્ઞાનિક સગવડ પૂરી પાડશે અને આઇસીઆઇસીઆઇ બેન્ક નાણાકીય સહાય પૂરી પાડશે.
સીએમ ભુપેન્દ્ર પટેલે આ કરારને ગુજરાતમાં કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જિન સરકારનો બેવડો લાભ આપનારો કરાર ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે માઇક્રોનને તેના પ્લાન્ટ માટે એક જ અઠવાડિયામાં જમીન મળવી તથા 90 દિવસમાં જ પ્લાન્ટનું ભૂમિપૂજન થવું અને બાંધકામનો પ્રારંભ થવો એ ડબલ એન્જિન સરકારની વિકાસલક્ષી પ્રતિબદ્ધતાથી જ શક્ય બન્યું છે.
તેમણે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે માઇક્રોનનો આ સેમીકંડક્ટર ઉત્પાદન પ્રોજેક્ટ આત્મનિર્ભર ભારત અને મેડ ઇન ઇન્ડિયાના સંકલ્પને સાકાર કરશે. તેની સાથે 2047 સુધીમાં ગુજરાતને સેમી કંડક્ટરનું હબ બનાવશે. સાણંદમાં 22 હજાર કરોડ રૂપિયાના ખર્ચે 93 એકર વિસ્તારમાં બનનારો માઇક્રોન પ્લાન્ટ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે વીસ હજારનું રોજગારી સર્જન કરશે. સીએમે તાજેતરમાં સિંગાપોરના પ્રવાસ દરમિયાન માઇક્રોનના પ્લાન્ટ અને એસેમ્બલી યુનિટની વિઝિટ કરી હતી. માઇક્રોને જણાવ્યું હતું કે સાણંદમાં બનનારો પ્લાન્ટ સિંગાપોરની પેટર્ન પર અને હાઇટેકનોલોજીથી સજ્જ હશે.
કેન્દ્રીય રેલ્વેઝ અને આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે રાજ્ય સરકાર દ્વારા માઇક્રોનને મળતા ઝડપી પ્રતિસાદ માટે અભિનંદન પાઠવ્યા હતા. વૈષ્ણવે જણાવ્યું હતું કે ગુજરાતનો આ પ્રોજેક્ટ સમગ્ર વિશ્વમાં ચર્ચાનું કેન્દ્ર છે અને ડબલ એન્જિન સરકારના ત્વરિત અમલીકરણના ઉદાહરણ તરીકે શો-કેસ થઈ રહ્યો છે. માઇક્રોનના પગલે સેમી કંડક્ટર સેક્ટરમાં વધુ રોકાણ દરખાસ્તો આવશે તેવી અપેક્ષા પણ વ્યક્ત કરી હતી.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ