અમદાવાદમાં આત્મહત્યાના કિસ્સામાં સતત વધારો થતો જઈ રહ્યો છે ગઈ કાલે પણ સાબરમતી નદીમાંથી એક મહિલાની લાશ મળી આવી હતી. રિવર ફ્રન્ટ વેસ્ટ પોલીસ દ્વારા સમગ્ર મામલાની તપાસ હાથ ધરાઈ છે. હાલ, આ કેસ લોકોની ચર્ચા ઉપરજ છે ને ત્યાં અમદાવાદમાં વધુ એક યુવતીએ આપઘાત કરી લેતા ફરીથી લોકોની ચર્ચાઓમાં મહિલાઓના એકાએક વધી રહેલા આપઘાતના કિસ્સાનો ઉમેરો થયો છે.અમદાવાદમાં સેટેલાઇટ, વસ્ત્રાપુર બાદ હવે શાહીબાગમાં વધુ એક યુવતીએ આત્મહત્યા કરી લીધી હોવાનો બનાવ સામે આવ્યો છે. બી.જે મેડિકલ કોલેજમાં ફિજિયોલોજી વિભાગમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી યુવતીએ હોટલના રૂમમાં દવા ખાઈને આત્મહત્યા કરી લેતા ચારે બાજુ ચકચાર મચી ગઈ છે.મૂળ બનાસકાંઠાની રહેવાસી અને બી.જે મેડિકલ કોલેજમાં ફિજિયોલોજી વિભાગમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી પૂજા ઠક્કર નામની યુવતીએ દવા પીને આત્મહત્યા કરી લીધી છે. પૂજા ઠક્કર અમદાવાદમાં યુ.એન.મહેતા હોસ્પિટલ સામે આવેલા ફ્લેટમાં પોતાની માતા સાથે રહેતી હતી અને બી.જે મેડિકલ કોલેજમાં ફિજિયોલોજી વિભાગમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી.
ગઇ કાલે પૂજા સાડા નવ વાગ્યાની આસપાસ રાબેતા મુજબ તે કોલેજ જવા માટે નીકળી હતી. તેની માતાએ તેણે ફોન કરતા તેને પોતે ઓફિસ પહોંચી હોવાનું જણાવ્યું હતું. જો કે દસેક વાગ્યાની આસપાસ ફોન કરતા પૂજાએ ફોન ન હોતો ઉપાડ્યો જેથી તેની માતાએ પૂજાની ફ્રેન્ડ ને ફોન કર્યો હતો. ત્યારે તેઓને જાણવા મળ્યું હતું કે, ‘પૂજા તો આજે કોલેજ પહોંચી જ ન હોતી.’ જેથી પૂજાની માતાએ હોસ્ટેલના સિક્યુરિટીને ફોન કરીને પૂજા હોસ્ટેલના રૂમમાં છે કે નહીં તે જોવા માટે કહ્યું હતું.
પરંતુ હોસ્ટેલનો રૂમ અંદરથી બંધ હોવાનું સિક્યુરિટીએ જણાવતા પૂજાની માતા તાત્કાલિક હોસ્ટેલ પર પહોંચી હતી.હોસ્ટેલ પર જઇને જ્યારે તેના રૂમનો દરવાજો ખખડાવવામાં આવ્યો ત્યારે કોઈએ પણ દરવાજો ખોલ્યો ન હતો. જેથી તેઓએ બારીમાંથી જોતા પૂજા પલંગ પર સૂતેલી હાલતમાં જોવા મળી હતી. જે જોઈને પૂજાની માતાએ બૂમાબૂમ કરી મૂકતા આસપાસના લોકો ત્યાં ભેગાં થઇ ગયા હતા અને દરવાજો તોડીને અંદર જઇને તપાસ કરતા પૂજાના મોઢામાંથી સફેદ રંગનું પ્રવાહી નિકળ્યું હતું. જેથી પૂજાને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના ડૉક્ટરે તેને મૃત જાહેર કરતા સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.જો કે પોલીસની પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું કે, ‘પૂજા છેલ્લાં કેટલાંક સમયથી ડિપ્રેશનમાં હતી અને તેના કારણે તેને આ પ્રકારનું પગલું ભર્યું હોઈ શકે છે. હાલમાં પોલીસે આ સમગ્ર ઘટના મામલે વધુ તપાસ હાથ ધરી છે.’