Ahmedabad/ AMCની પાર્કિંગ પોલિસી : પાડાના વાંકે પખાલીને ડામ

અન્ય કોમર્શિયલ બિલ્ડિંગો તો ઠીક નિયમ ઘડનાર અને નિયમોનું પાલન કરાવવાની જેમની પવિત્ર ફરજ છે તેવા મ્યુનિ. કોર્પોરેશન અને ઔડાના બિલ્ડીંગોમાં જ  પાર્કિંગની  પૂરતી વ્યવસ્થા નથી.  આ બાબત પણ પાર્કિંગ પોલિસીનો ભાગ ના હોવી જોઈએ ?

Ahmedabad Top Stories Gujarat
લાકડાં

@પ્રફુલ્લ ત્રિવેદી

AMC દ્વારા અમલમાં મુકાનાર નવી પાર્કિંગ પોલિસીનું  ઊંડાણ પૂર્વક વિશ્લેષણ કરીને અમે ગઈ કાલે મૂકેલી પોસ્ટ શહેરભરમાં વાયરલ થતાં એ બાબત નક્કી થઈ ચુકી છે કે ‘પાડાના વાંકે પખાલીને ડામ’ ની કહેવત સાચી પડવા જઈ રહેલા તંત્ર સામે લોકોમાં પારાવાર રોષ છે. પાર્કિંગના ભોંયરા વેચીને કરોડો કમાઈ લેનાર બિલ્ડર -અધિકારીઓની જોડી સામે કોઈ જ પગલાં નહીં અને 5-10 કે 15 મિનિટ માટે પાર્ક કરેલ વાહન માલિકો સામે દંડનો કોરડો એ કયાંનો ન્યાય છે ? અમે આડેધડ પાર્કિંગની કે અન્ય ટ્રાફિકને નડતરરૂપ પાર્કિંગની જરા સરખીય તરફદારી કરવા નથી માંગતા. ટીપી રોડ 100 ટકા ટ્રાફિક માટે ખુલ્લો રહેવો જ જોઈએ. તેના અમે પુરસ્કર્તા છીએ. પણ અહીં વાત છે શહેરમાં વાહનોની સંખ્યા છે, તેટલા પ્રમાણમાં જાહેર પાર્કિંગની સુવિધા છે ખરી ?

અમદાવાદમાં હાલ 31.7 લાખ ટુ વ્હીલર 7.70 લાખ કાર અને 1.90 લાખ જેટલી રિક્ષાઓ છે. આ ઉપરાંત બહારગામથી આવતા વાહનો, કોમર્શિયલ વાહનો, સરકારી વાહનો, સફાઇ અને ગટર સફાઇના  વાહનો અલગ. શહેરમાં રહેણાંકની મિલકતો 16 લાખ જેટલી છે. એટલે ઘરદીઠ બે ટુ વ્હીલર અને ઘરદીઠ એક કાર ની સંખ્યા થઈ. આ જંગી સંખ્યા સામે મ્યુનિ. દ્વારા ઊભી કરાયેલી પાર્કિંગની સુવિધા અત્યંત ન ગણ્ય છે. એમ પણ દ્રષ્ટિહીન, અવૈજ્ઞાનિક  અને અવ્યવહારુ આયોજનના કારણે નવરંગપૂરા અને કાંકરિયાના બહુમાળી પાર્કિંગ ખાલી પડ્યા રહે છે. વાહનમાલિકોને પણ ઘણી વખત ચાર્જ ચૂકવતા ચૂક આવે છે. અનેક કોમર્શિયલ મિલકતો, બેંકો, શેક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક સ્થાનકો, બગીચાઓ હોટલ રેસ્ટોરન્ટ નિયમો ઘડનાર મ્યુનિસિપાલિટીના અને ઔડાના મકાનોમાં જ પૂરતા પાર્કિંગની વ્યવસ્થા નથી.  જો દંડવા જ હોય તો વાહન માલિકોની સાથે સાથે કાયદા મુજબ પાર્કિંગ નહીં રાખનાર ઈમારતોના માલિકોને પણ દંડવા જોઈએ. building use પરમીશન આપ્યા પછી ત્યાં દુકાનો ઓફિસો બાંધી વધારાનો નફો રળીને લેનારા બિલ્ડરો અને કુપ્રવૃત્તિ સામે આંખે પિંક નોટોના પાટા બાંધીને મૌન બેસી રહેનારા મ્યુનિ.ના અધિકારીઓને પણ દંડવા જોઈએ. એકને ગોળ અને બીજાને ‘ખોળ ’ એ ક્યાંનો ન્યાય ?

ઉભા થતા તાર્કિક પ્રશ્નો

  • સીજી રોડ ઉપર નર્સિંગ હોમની મંજૂરી લઈ મોટા મોટા કોમર્શિયલ સેન્ટરો બાંધી દેનારા બિલ્ડરો અને બાંધવા દેનાર અધિકારી સામે કેમ કોઇ પગલાં લેવાયાં ન હતાં આવા બનાવોથી જ ગેરકાયદે બાંધકામને પ્રોત્સાહન મળે છે.
  • આ પ્રાઈમ લોકેશન ગણાતા રોડ પરના અનેક બિલ્ડિંગોમાં પાર્કિંગ નથી તો પછી શા માટે મ્યુનિસિપાલિટીએ ટી.પી.રોડ કાપીને રોડની બન્ને તરફ પાર્કિંગની ભેટ આપવી પડી ?
  • building use પરમીશન બાદ ભોંયરાઓનો ગેરકાયદે ઉપયોગ કરનારાઓ પૈકી એક પણની પરમિશન રદ કેમ નથી કરાઈ ?
  • રહેણાંકની સોસાયટીઓ ફ્લેટોમાં ગેરકાયદેસર ચાલતી કોમર્શિયલ પ્રવૃતિ ને કેમ રોકવામાં આવતી નથી ?
  • TDO-એસ્ટેટના અધિકારીઓ-કર્મચારીઓ ગેરકાયદે બાંધકામો થવા દે છે, જેમાં પાર્કિંગની સુવિધા હોતી નથી આ બાબતે કેમ પગલા લેવાતા નથી ?
  • BU અને પાર્કિંગ વગરના ગેરકાયદે બાંધકામોને પાણી ગટરના જોડાણો   બારોબાર કઈ રીતે મળી જાય છે ? કેમ કોઈ એન્જિનિયર સામે પગલાં લેવાતાં નથી ?
  • મ્યુનિ.ના પ્લોટમાં ઊભી કરાયેલી પાર્કિંગની જગ્યામાં પણ યોગ્ય વ્યવસ્થા છે ખરી ?