Not Set/ અમૃતસર ટ્રેન દુર્ઘટનાના આ 4 જવાબદારોને જાણી લો

અમૃતસર, પંજાબના અમૃતસરમાં દશેરાના દિવસે રાવણ દહનનો હર્ષોલ્લાસ પળવારમાં જ માતમમાં છવાયો હતો.શુક્રવારે રાતે અમૃતસરમાં રાવણ દહન દરમિયાન ટ્રેનની હડફેટે આવી જતાં 61 લોકોના મોત થયા છે જ્યારે 70 જેટલા લોકો ઘાયલ થયા છે.રાવણ દહનનો કાર્યક્રમ જોઇ રહેલાં લોકો રેલ્વે ટ્રેક પર ઉભા હતા અને અચાનક ફુલ સ્પીડમાં આવેલી ટ્રેને તેમને ઉડાવી દીધા હતા. આ […]

Top Stories India
amrts train અમૃતસર ટ્રેન દુર્ઘટનાના આ 4 જવાબદારોને જાણી લો

અમૃતસર,

પંજાબના અમૃતસરમાં દશેરાના દિવસે રાવણ દહનનો હર્ષોલ્લાસ પળવારમાં જ માતમમાં છવાયો હતો.શુક્રવારે રાતે અમૃતસરમાં રાવણ દહન દરમિયાન ટ્રેનની હડફેટે આવી જતાં 61 લોકોના મોત થયા છે જ્યારે 70 જેટલા લોકો ઘાયલ થયા છે.રાવણ દહનનો કાર્યક્રમ જોઇ રહેલાં લોકો રેલ્વે ટ્રેક પર ઉભા હતા અને અચાનક ફુલ સ્પીડમાં આવેલી ટ્રેને તેમને ઉડાવી દીધા હતા.

આ ભયાનક દુર્ઘટના પછી ‘કોનો વાંક’ જેવા અનેક સવાલો ઉભા થઇ રહ્યાં છે.અહીં આ દુર્ઘટના થવા પાછળના કારણો અને જવાબદારીઓ જાણવા પ્રયત્ન કર્યો છે.

1.કોણે પરવાનગી આપી

અમૃતસરના ધોબી ઘાટ પાસે આવેલા જોડા ફાટક પાસે રાવણ દહનનું આયોજન થયું હતું.જોવાની વાત એ છે કે આ કાર્યક્રમને પોલિસ પરવાનગી આપવામાં આવી નહોતી અને બનાવ સ્થળે પુરતો પોલિસ બંદોબસ્ત પણ નહોતો.કાર્યક્રમના સ્થળે 2000 લોકો ભેગા થવાના હતા પરંતું પોલિસ તંત્ર,કોર્પોરેશન કે કલેક્ટર તરફથી કોઇ બંદોબસ્ત કરવામાં નહોતો આવ્યો.અહીં સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે કાર્યક્રમને પરવાનગી કોણે આપી ?

2.રાવણ દહન  કાર્યક્રમના આયોજકો

રાવણ દહનના કાર્યક્રમના આયોજક કોંગ્રેસના ત્યાંના ધારાસભ્યના પુત્ર સૌરભ મિઠુ મદાન હતા.આયોજકોએ પણ પુરતા પ્રમાણમાં સિક્યોરીટી નહોતી રાખી હોવાનું પણ જાણવા મળેલ છે.કાર્યક્રમમાં આટલી મોટી ભીડ હતી અને મંત્રી નવજોત કૌર સિદ્ધુ આવવાના હોવા છતાં પુરતી વ્યવસ્થાનો અભાવ હતો.એવું પણ સામે આવી રહ્યું છે કે આયોજકોએ પોલિસ પરવાનગી લીધી નહોતી. બીજી તરફ જે સ્થળે આયોજન કરવામાં આવ્યું હતું તે જગ્યા અને રેલ્વે ટ્રેક વચ્ચે 5 ફુટ ઉંચી દિવાલ હતી પરંતુ લોકો રાવણ દહનને સારી રીતે નિહાળી શકે તે માટે રેલ્વે ટ્રેક પર ઉભા રહી ગયા હતા.

3.રેલ્વેની લાપરવાહી

ભારતીય રેલ્વે પોતાને બચાવવામાં લાગી છે પરંતું જોવાની વાત એ છે કે સ્ટેશન માસ્તર કે રેલ્વે ડ્રાઇવરને જાણ નહોતી કે અહીં મોટા પાયે રાવણ દહનનું આયોજન થાય છે.આપણે બીજા શહેરમાં જોયું હશે કે સામાન્ય રીતે ભીડભાડવાળાં વિસ્તારોમાં રેલ્વેના ડ્રાઇવરો સ્પીડ ઓછી કરે છે અને સતત હોર્ન મારતા રહે છે.જે ટ્રેને અકસ્માત કર્યો તેની સ્પીડ 100 કિલોમીટર પ્રતિ કલાકનો અંદાજ છે.ડ્રાઇવરે હોર્ન માર્યા વગર જ ટ્રેનને ભીડ પર દોડાવી દીધી હતી.બીજી તરફ ફાટકનો ગેટમેન પણ એલર્ટ નહોતો.

4.લોકોનો સેલ્ફી લેવાનો અને ફોટા-વીડીયો ઉતારવાનો ક્રેઝ

દેશમાં મોબાઇલથી સેલ્ફી લેવાના ચક્કરમાં અનેક જાન જતા જોયા છે એવી રીતે વીડીયો ઉતારવાના ક્રેઝમાં પણ લોકો જાન ગુમાવી બેઠાં છે.રાવણ દહનનો કાર્યક્રમ જોઇ રહેલાં લોકોને એ પણ ભાન નહોતું રહ્યું કે તેઓ રેલ્વે ટ્રેક પર ઉભા છે જ્યાંથી નિયમિત ટ્રેનો પસાર થાય છે.આ કમનસીબ અકસ્માતને નજરે જોનારનું કહેવું છે કે લોકો ફોટા પાડવામાં કે વીડીયો ઉતારવામાં એટલા મશગુલ હતા કે ક્યારે ટ્રેને તેમને ઉડાવી દીધા એ ખ્યાલ જ ના રહ્યો.