નવી દિલ્હી,
નવા વર્ષની શરૂઆત બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સૌથી મોટો વધારો જોવા મળ્યો છે. રવિવારે સતત ચોથા દિવસે ભાવમાં વધારો થવાની સાથે જ પેટ્રોલમાં ૪૯ પૈસા અને ડીઝલમાં ૫૯ પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે.
આ ભાવવધારા સાથે જ રાજધાની દિલ્હીમાં પેટ્રોલ ૬૯.૭૫ રૂપિયા, કલકત્તામાં ૭૧.૮૭ રૂપિયા, મુંબઈમાં ૭૫.૩૯ રૂપિયા અને ચેન્નઈમાં ૭૨.૩૯ રૂપિયા પ્રતિ લીટર થયો છે.

જયારે દિલ્હીમાં ડીઝલનો ભાવ વધીને ૬૩.૬૯ રૂપિયા, કલકત્તામાં ૬૫.૪૬ રૂપિયા, મુંબઈમાં ૬૬.૬૬ રૂપિયા અને ચેન્નાઈમાં ૬૭.૨૫ રૂપિયા જેટલો થયો છે.
રાહતના અણસાર છે નહિવત
આંતરરાષ્ટ્રીય બજારમાં છેલ્લા સપ્તાહના અંતિમ સત્રમાં ક્રુડ ઓઈલની તેજી ઓછી થઇ છે અને ઇન્ટરકોન્ટીનેન્ટલ એક્સચેન્જ પર બ્રેટ ક્રુડમાં ૧.૮૩ ટકાના ઘટાડા સાથે ૬૦.૫૫ ડોલર પ્રતિ બેરલ પાર બંધ થયું છે.
બીજી બાજુ ઉર્જા ક્ષેત્રના નિષ્ણાંતના જણાવ્યા અનુસાર, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલની કિંમતમાં થયેલો ઘટાડો અને વધારો છેલ્લા ૧૦ દિવસ બાદ જોવા મળ્યો છે. જેનો મતલબ છે કે, હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત મળવાના અણસાર નહીવત છે.