દેશને ચોથી રસી મળવાની આશા છે. ઝાયડસ કેડિલા આગામી સપ્તાહે કોરોના વેક્સિનના ઇમર્જન્સી યુઝની મંજૂરી માગી શકે છે આ વેક્સિન દુનિયાની પ્રથમ DNA વેક્સિન હશે.
ભારતની મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં સામેલ ઝાયડસ કેડિલા આગામી સપ્તાહે પોતાની કોરોના વેક્સિન ઝાયકોવ-ડીના ઈમર્જન્સી યુઝ અપ્રૂવલ માટે સેન્ટ્રલ ડ્રગ્સ રેગ્યુલેટરને અપ્લાઇ કરી શકે છે. જો આ વેક્સિનને મંજૂરી મળી જશે તો આ કોરોના વાયરસ વિરુદ્ધ દુનિયાની પ્રથમ DNA વેક્સિન થશે. આ સાથે જ દેશમાં ઉપલબ્ધ વેક્સિનની સંખ્યા 4 થઈ જશે. અત્યારસુધી ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટની કોવિશીલ્ડ, ભારત બાયોટેકની કોવેક્સિન અને રશિયાની સ્પુતનિક-V ઉપયોગમાં લેવાઈ રહી છે.
વેક્સિનની ફેઝલ-3 ટ્રાયલનો ડેટા એનેલિસિસ લગભગ તૈયાર છે. કંપનીએ સરકારને આ જાણકારી આપી છે કે તે આગામી સપ્તાહે વેક્સિનના ઈમર્જન્સી યુઝના લાઇસન્સ માટે અરજી કરી શકે છે. આ વેક્સિનનો ટેસ્ટ પુખ્તો ઉપરાંત 12થી 18 વર્ષનાં બાળકો પર પણ કરવામાં આવી રહ્યો છે.ડીએનએ-પ્લાજ્મિડ બેઝ્ડ ઝાયકોવ-ડી ત્રણ ડોઝવાળી વેક્સિન હશે. એને 2થી 4 ડીગ્રી સે. તાપમાન પર સ્ટોર કરી શકાય છે. આ માટે કોલ્ડચેઈનની જરૂર નથી. આનાથી દેશના દૂરના વિસ્તારોમાં તેનું ટ્રાન્સપોર્ટેશન સરળ બની જાય છે. આ વેક્સિનને ડેવલપ કરવામાં નેશનલ બાયોફાર્મા મિશન પાસેથી મદદ મળી છે.