મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદ સાયન્સ સિટી ખાતે એક્વેટિક-રોબોટિક ગેલેરી અને નેચર પાર્ક ની મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, અમદાવાદ સાયન્સ સીટી ગુજરાત જ નહીં દેશ આખાનું આકર્ષણ છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, અમદાવાદ સાયન્સ સીટી માં ૨૫૦ કરોડના ખર્ચે નિર્માણ પામનારી એક્વેટિક ગેલેરી દેશ અને રાજ્યના મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સાયન્સ સિટી ખાતે નિર્માણાધિન એક્વેટિક ગેલેરીમાં અંડરવોટર વોક-વે ટનલની મુલાકાત લીધી હતી. આ એક્વેટિક ગેલેરી રાજ્યના બાળકો અને યુવાનોની જિજ્ઞાસાને વધુ પ્રબળ બનાવશે તેવી આશા મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રીએ આ ઉપરાંત સાયન્સ સીટી માં તૈયાર થઈ રહેલ નેચરપાર્કની પણ મુલાકાત લીધી હતી. સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટના સચિવશ્રી હરિત શુક્લાએ સાયન્સ સિટીમાં તૈયાર થઇ રહેલ અને પ્રગતિમાં રહેલ મ્યુઝિકલ ફાઉન્ટેન, નવા થિયેટર, પ્લેનેટ અર્થ વિભાગ, એનર્જી પાર્ક, લાઈફ સાયન્સ વિભાગ અંગેની જાણકારી મુખ્યમંત્રીને આપી હતી.