નોટિંઘમ,
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ વન-ડે મેચમાં ભારતીય ટીમે ૮ વિકેટે શાનદાર વિજય મેળવ્યો હતો. નોટિંઘમના ટ્રેન્ટબ્રિજમાં રમાયેલી પ્રથમ વન-ડેમાં ચાઈનામેન્ટ ગુગલી બોલર કુલદીપ યાદવે કેરિયર બેસ્ટ પરફોર્મન્સ આપતા ૬ વિકેટ ઝડપી હતી. યાદવે ૧૦ ઓવરમાં માત્ર ૨૫ રન આપીને પહેલીવાર પાંચથી વધુ વિકેટ ખેરવી હતી.
જો કે કુલદીપ યાદવે આ શાનદાર પ્રદર્શનનો શ્રેય પોતાના કોચ કપિલ પાંડેને આપ્યો છે. ઈંગ્લેંડ સામેની જીત બાદ કે એલ રાહુલે કુલદીપ યાદવનો ઈન્ટરવ્યું કર્યો હતો.
આ દરમિયાન રાહુલે પૂછ્યું, “તમે દુનિયામાં વન-ડે ક્રિકેટમાં ૬ વિકેટ લેવાવાળા પ્રથમ લેફ્ટ આર્મ સ્પિનર બની ગયા છો આ ઉપલબ્ધિ હાંસલ કર્યા બાદ તમને કેવું લાગી રહ્યું છે અને આ મેચમાં તમારો શું પ્લાન હતો”.
આ સવાલનો જવાબ આપતા ચાઈનામેન્ટ બોલરે કહ્યું, “મેચ પહેલા હું નર્વસ હતો કારણ કે દરેક મેચ મારા માટે ખુબ જરૂરી છે અને મારા માટે અનેક વસ્તુઓ સામાન્ય રહી અને ૨૫ રન આપીને ૬ વિકેટ લેવી, આનાથી યોગ્ય કઈ પણ હોઈ શકતું નથી. હું ખુબ ખુશ છું”.
રાહુલે પૂછ્યું કે, “છેલ્લા એક વર્ષથી વધુ સમયમાં તમારું પ્રદર્શન અસાધારણ રહ્યું છે ત્યારે આ સફળતાનો શ્રેય કોણે આપવા આપવા માંગો છો”.
ત્યારે કુલદીપ યાદવે જવાબ આપતા કહ્યું, “હું આ સફળતાનો શ્રેય મારા કોચ કપિલ પાંડેને આપવા માંગું છું. કપિલ પાંડેએ મારા માટે ખુબ મહેનત કરી છે અને જયારે પણ હું ઘરે જાવ છું ત્યારે હું મારી બોલિંગ અંગે વાતચીત કરતો હોવ છું.
“ત્યારબાદ હું જયારે હું ટીમમાં હોવ છું ત્યારે માહી ભાઈ, વિરાટ ભાઈ, સપોર્ટિંગ સ્ટાફ અને સાથી ખેલાડીઓ પામ મદદ કરતા હોય છે”.
મહત્વનું છે કે, ઈંગ્લેંડ સામેની પ્રથમ મેચમાં ૬ વિકેટ મેળવવાની સાથે જ કુલદીપ યાદવ વન-ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં લેફ્ટ હેન્ડેડ સ્પિનર તરીકે સર્વશ્રેષ્ઠ બોલિંગ કરવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ પહેલા આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના બ્રેડ હોગના નામે હતો. હોગે ૨૦૦૫માં વેસ્ટ ઇન્ડીઝ સામે મેલબર્નમાં ૩૨ રન આપીને ૫ વિકેટ ઝડપી હતી.