Food Recipe: તહેવાર પર મીઠાઈ ખાવી અને બનાવવાની લોકોને પસંદ હોય છે. દિવાળી (Diwali 2026)એ પરંપરાગત મીઠાઈઓ (Traditional Sweets) તો બનતી જ હોય છે પરંતુ જે બાળકોને કંઈક વિશેષ ખાવાનું મન થાય તો તમે ચૉકલેટ મખાના લાડુ (Chocolate Makhana Ladoo Recipe) બનાવીને એમને ખવડાવી શકો છો. બાળકોને આ રેસિપી (Kids’ Recipe) અવશ્ય પસંદ પડશે. મખાના અને ચણા હોવાને કારણે એમાંથી કેલ્શિયમ અને પ્રોટીન (Calcium and Protein)પણ મળે છે. આ લાડુને તમે શુગર-ફ્રી પણ બનાવી શકો છો. એમાં કેલરી ઓછી હોય છે અને આથી જ વજન ઘટાડવા (Weight Loss Recipe) માગતા લોકો પણ એને ખાઈ શકે છે. ફ્રિઝમાં સ્ટોર કરીને તમે એક અઠવાડિયા સુધી આ મખાના લાડુ ખાઈ શકો છો. તો ચાલો વિના વિલંબે નોંધી લઇએ ચૉકલેટ મખાના લાડુની રેસિપી…
મખાના ના સ્વાસ્થલાભ (Health Benefits of Makhana)
ભારતભરમાં પરંપરાગત રીતે ખાવામાં આવતા મખાના આજે સમગ્ર દુનિયામાં એક હૅલ્ધી સ્નૅક (Healthy Snack)ના સ્વરુપે લોકપ્રિય બની ચૂક્યું છે. આ સુપરફૂડ ફક્ત સ્વાદિષ્ટ છે એટલું જ નહિં પરંતુ, સ્વાસ્થ્ય માટે પણ અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે.
વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઇએ તો મખાના અર્થાત્ ફોક્સ નટ (Fox Nut) પ્રોટીન, એન્ટિ-ઓક્સિડન્ટ્સ અને ફાઇબરથી ભરપૂર ખાદ્ય પદાર્થ છે જે, આપણા શરીરને બીમારીઓથી રક્ષણ આપવાનું કામ કરે છે. આયુર્વેદ નિષ્ણાતોના મતે, મખાનાનું મહત્વ સૌપ્રથમ તો એની ન્યુટ્રિશનલ વેલ્યૂ (Nutritional Value)માં છુપાયેલું છે. એમાં પ્રોટીનની માત્રા સારી એવી હોય છે જે સ્નાયુઓને મજબૂત બનાવવા અને શરીરની ઊર્જાને જાળવી રાખવામાં મદદગાર છે.
આજના સમયમાં હેલ્થ પ્રત્યે સભાન લોકોમાં મખાના (Makhana) ખૂબ જ લોકપ્રિય આહાર બની રહ્યા છે.વજન નિયંત્રણમાં રાખવા અને શરીરને પૂરતું પોષણ આપવા માટે આ એક ઉત્તમ વિકલ્પ છે.મખાના માત્ર વજનમાં હળવા અને પચી જાય તેવા જ નથી,પરંતુ તેમાં પ્રોટીન,ફાઇબર,કેલ્શિયમ,મેગ્નેશિયમ,પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા જરૂરી ખનિજો (Minerals) ભરપૂર માત્રામાં જોવા મળે છે.કેલરી અને ચરબી ઓછી હોવાને કારણે ડાયેટિશિયન્સ પણ તેને સંતુલિત આહારમાં સામેલ કરવાની સલાહ આપે છે. તો ચાલો આ વખતે થઈ જાય ચૉકલેટ મખાના લાડુ!
વિશેષ બાબત એ છે કે આ લાડુને બનાવવા માટે તમને સ્હેજ પણ ખાંડ અથવા ઘીનો ઉપયોગ નહિં કરવો પડે! છે ને મજાની વાત! ખાંડની જગ્યાએ આપણે ખજૂરનો ઉપયોગ કરીને એની મીઠાશ અને હૅલ્ધી ગુણો વધારીશું. જ્યારે પણ તમે ફ્રી હો ત્યારે મખાના અને ચણા શેકીને રાખવા અને એનો પાવડર બનાવીને રાખવો પછી ફટાફટ લાડુ બનાવી લો. તો જોઇએ ચૉકલેટ મખાના લાડુ બનાવવાની સરળ રેસિપી (Chocolate Makhana Ladoo Recipe)…
શી રીતે બનાવશો ચૉકલેટ મખાના લાડુ? (Chocolate Makhana Ladoo Recipe)
ચૉકલેટ મખાના લાડુ બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી
2 કપ મખાના
અડધો કપ શેકેલા ચણા
8 મોટા ખજૂર (ઠળીયા કાઢેલા)
1 મોટી ચમચી ઓર્ગેનિક કોકો પાવડર
લિક્વિડ ચૉકલેટ (લાડુને કૉટ કરવા માટે)
1 નાની ચમચી વેનિલા એસેન્સ (વૈકલ્પિક)
દૂધ (લાડુને બાંધવા માટે)

ચૉકલેટ મખાના લાડુ બનાવવાની વિધિ
1. સૌપ્રથમ ચૉકલેટ મખાના લાડુ બનાવવા માટે એક પૅનમાં મખાના લેવા અને એને ચણાની સાથે ડ્રાય શેકી લેવા. તમે ઈચ્છો તો 1 ચમચી ઘી પણ વાપરી શકો છો. હળવા ક્રંચી થાય ત્યાં સુધી તમારે શેકવાના રહેશે.
2. હવે શેકેલા મખાનાને હળવા ઠંડા થવા દેવા અને પછી મિક્સર જારમાં કરકરો પાવડર બનાવી લેવો.
3. આ પાવડરમાં ઠળીયા વિનાની ખજૂર, વેનિલા એસેન્સ, કોકો પાવડર અને આવશ્યકતા અનુસાર થોડું દૂધ મિક્સ કરો.
4. તૈયાર મિશ્રણને એક પ્લેટમાં કાઢી લો અને એના લાડુ બનાવી લેવા. આ દરેક લાડુને લિકવિડ ચોકલેટમાં કોટ કરીને કોકો પાવડર (Coco Powder)માં રગદોળી દેવા. આ પ્રમાણે બધા લાડુ તૈયાર કરી લેવા.
તો છે ને આસાન આ ચૉકલેટ મખાના લાડુ બનાવવા! આ લાડુ (Chocolate Makhana Ladoo)ને તમે એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરવા. એને 2-4 દિવસ સુધી ખાઈ શકો છો અને ફ્રિઝમાં રાખવાથી એક અઠવાડિયા સુધી તમે આ લાડુને ખાઈ શકો છો. બાળકોને આ લાડુ ઘણા જ પસંદ પડશે. આ વાનગીમાંથી શરીરને ભરપૂર કેલ્શિયમ મળશે.
આ પણ વાંચો: ઘરે ગુલાબજાંબુ બનાવો, દિવાળીમાં મહેમાનોનું સ્વાગત રસીલી મીઠાઇથી કરો..! આ રહી રેસિપી…
આ પણ વાંચો: મખાના અને નારિયેળમાંથી બનાવો હૅલ્ધી બરફી….એ પણ ખાંડનો ઉપયોગ કર્યા વિના! સરળ રેસિપી…
આ પણ વાંચો: ગળ્યું ખાવાના શોખીન છો તો બનાવો ‘પહાડી શૈયા’…સ્વાદમાં મજેદાર, પરંપરાગત સરળ મીઠાઈ…
