શહેરી જનસુખાકારી દિવસ નિમિત્તે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત પોરબંદર જિલ્લાની નગરપાલિકાઓને મહાનુભાવોના હસ્તે જિલ્લાની નગરપાલિકાઓમાં લોકોની સુખાકારી માટે લોકાર્પણ/ખાતમુહૂર્ત તથા ચેક વિતરણ કરાયા હતા. જે અંતર્ગત ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ ગાંધીનગર દ્વારા પોરબંદર છાયા નગરપાલિકાને રૂ.૨.૫૦ કરોડ, રાણાવાવ નગરપાલિકા માટે રૂ.૧.૧૨ કરોડ તથા કુતિયાણા નગરપાલિકાને રૂ.૫૦ લાખ સર્વાંગી વિકાસ માટે પણ કર્યા હતા. જેના ચેક ધારાસભ્યશ્રી બાબુભાઇ બોખીરીયા તથા મહાનુભાવોના હસ્તે નગરપાલિકાઓના પ્રમુખ તથા ચીફ ઓફિસરને અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી.
પોરબંદર બિરલા હોલ ખાતે ધારાસભ્યશ્રી બાબુભાઇ બોખીરીયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ જનસેવા કાર્ય અંતર્ગત પોરબંદર છાયા નગરપાલિકાના નવા ઓફિસ બિલ્ડિંગમાં સોલાર રૂફ ટોપ સિસ્ટમ કામ, છાયા ઝોનલ નવી ઓફિસ બિલ્ડિંગમાં સોલાર રૂફ ટોપ સિસ્ટમ કામની તખ્તિનું અનાવરણ ઇ-ખાતમુહૂર્ત કરવાની સાથે અમૃત યોજના હેઠળ ઇ.એસ.આર.જી.એસ.આર તથા પીવાના પાણીની પાઈપલાઈન કામની તખ્તિનું અનાવરણ તથા ઇ-ખાતમુહૂર્ત કરાયું હતું.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી બાબુભાઇ બોખીરીયાએ કહ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના પાંચ વર્ષ નિમિત્તે વિવિધ સ્થળોએ યોજાતા લોક કલ્યાણના કાર્યોના લોકાર્પણ/ ખાતમૂહૂર્ત અંતર્ગત આજ તા. ૮ ઓગસ્ટના રોજ શહેરી જનસુખાકારી દિવસ નિમિત્તે પોરબંદર જિલ્લાની નગર પાલિકાઓના વિકાસકામો માટે સરકારે આર્થિક સહાય પૂરી પાડી છે. શહેરોની સુખાકારી પૂરી પાડવા રાજ્ય સરકારે જનહિતલક્ષી અનેક નિર્ણયો લઈ વિકાસ કાર્યો કર્યા છે. રોડ રસ્તા, ગટર વ્યવસ્થા, પીવાનું પાણી, ગરીબો માટે આવાસો, બાગ-બગીચા, કાયદો-વ્યવસ્થા, સીસીટીવી કેમેરાથી સજ્જ રસ્તાઓ, રિવરફ્રન્ટ સહિતની સુવિધાઓ પુરી પાડીને પોરબંદરને લવેબલ અને લિવેબલ બનાવ્યું છે.
શહેરી જનસુખાકારી દિન નિમિત્તે બિરલા હોલ ખાતે યોજાયેલ વિવિધ કાર્યોના લોકાર્પણ ખાતમુહૂર્ત પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી અશોક શર્મા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.કે.અડવાણી, પોરબંદર છાયા નગરપાલિકાના પ્રમુખશ્રી સરજુભાઈ કારીયા, રાણાવાવ નગરપાલિકાના પ્રમુખશ્રી જીવીબેન ઓડેદરા, કાર્યપાલક ઇજનેરશ્રી સોમપુરા, પ્રાંત અધિકારીશ્રી કે.વી.બાટી, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કિરીટભાઇ મોઢવાડીયા, પોરબંદર નગરપાલિકા કારોબારી ચેરમેન શૈલેષભાઇ જોષી, ભારતીબેન જુંગી સહીત અગ્રણીઓ, નગરપાલિકાના સભ્યશ્રીઓ, અધિકારીઓ તથા શહેરીજનો કોવિડ-૧૯ ગાઈડ લાઈનના પાલન સાથે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની આભાવિધિ પોરબંદર નગરપાલિકના ચીફ ઓફિસર મનનભાઇ ચક્રવેદીએ કરી હતી.