ગુજરાત સ્થાપના દિવસ/ પાટણમાં ગૌરવ દિવસની ઉજવણી દરમિયાન ‘સીએમ’ બન્યા ‘કોમનમેન’ : ‘સમરતા ભોજન’ની શરૂઆત

મુખ્યમંત્રીએ સ્થાપના દિવસની ઉજવણી દરમ્યાન ‘સમરસતા ભોજન’ની નવી પરંપરાનો પ્રારંભ કરાવતા મહિલાઓના હાથે બનાવાયેલું ભોજન જનસમૂહ સાથે જમીને મુખ્યમંત્રીએ અદના સેવકની પ્રતિતી પણ કરાવી હતી.

Top Stories Gujarat Others
મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ૧લી મે ગુજરાત ગૌરવ દિન ૨૦૨૨ ની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત પાટણ જિલ્લામાં યોજાયેલ વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થયા હતા. જ્યાં મુખ્યમંત્રીએ વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થયા બાદ ઇન્ડેકસ્ટ-સી ગાંધીનગર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી,પાટણ તેમજ GLPC ના સહયોગથી પાટણના પ્રગતિ મેદાનમાં યોજાયેલા હસ્તકલા હાટને ખુલ્લું મૂક્યું હતું. તેમણે ‘વોકલ ફોર લોકલ’ ની થીમ પર યોજાયેલા મહિલા સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત અનેકવિધ ચીજવસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ સ્ટોલની મુલાકાત લઈ, ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી આવેલી સખી મંડળની બહેનોને પ્રોત્સાહિત કરી  હતી. ઉપરાંત સામાન્ય જનતા સાથે ભોજન પણ કર્યું હતું.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પાટણ જિલ્લાની સામાન્ય પરિવારોની મહિલાઓના હાથે બનાવેલું ભોજન તેમની સાથે બેસીને ગુજરાતી ભોજનનો સ્વાદ માણ્યો હતો. પાટણ જિલ્લાના વિવિધ સમુદાય વર્ગની સામાન્ય પરિવારની મહિલાઓએ મુખ્યમંત્રી માટે પોતાના ઘરે અને પોતાના હાથે વિવિધ વાનગીઓ બનાવીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને હેત પૂર્વક જમાડ્યા હતા. મુખ્યમંત્રીએ સ્થાપના દિવસની ઉજવણી દરમ્યાન ‘સમરસતા ભોજન’ની નવી પરંપરાનો પ્રારંભ કરાવતા મહિલાઓના હાથે બનાવાયેલું ભોજન જનસમૂહ સાથે જમીને મુખ્યમંત્રી અદના સેવકની પ્રતિતી પણ કરાવી હતી. આ ભોજન થાળમાં શિરો, કેરીનો રસ, સુખડી, મગનું શાક, રોટલા, કઢી, દાળ – ભાત, છાશ – માખણ જેવી ૧૩ વાનગીઓનો રસથાળ પીરસવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી અને અન્ય મહાનુભાવોએ ગુજરાતી વાનગીઓનો આસ્વાદ માણ્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હાથશાળ, હસ્તકલા, ભરતકામ, મોતીકામ, સુશોભનની વસ્તુઓ, માટીકામ – જવેલરી અને વાંસની બનેલી વસ્તુઓને નિહાળવા ખાસ્સો  રસ દાખવ્યો હતો. પ્રદર્શન સહ વેચાણના કુલ ૭૬ જેટલા સ્ટોલ લગાવવામાં આવ્યા છે. “૨૦ વર્ષનો સૌનો વિશ્વાસ, ૨૦ વર્ષનો વિકાસ” – વંદે ગુજરાતની થીમ પર યોજાયેલા રાજ્ય સરકારની સિદ્ધિઓ આધારિત પ્રદર્શનને પણ રસપૂર્વક નિહાળ્યું હતુ. સીએમ પટેલે આ હસ્તકલા હાટમાં પાટણની વર્ષો જૂની પ્રખ્યાત મોરલી ટી સેન્ટરની ચાની મજા ઢોલિયા પર બેસીને માણી હતી. તેમણે પાટણના પ્રખ્યાત દેવડાનો પણ સ્વાદ માણ્યો હતો  અને પાટણની રેવડી ચાખી હતી. એક કોમન મેનની જેમ મુખ્યમંત્રીએ સખી મંડળની બહેનોના આગ્રહથી ફોટોસેશન પણ કર્યું હતું અને બધાનો ઉત્સાહ વધાર્યો હતો.

હસ્તકલા હાટમાં મુખ્યમંત્રીએ પાટણના પ્રખ્યાત પટોળા, કચ્છના ભરતકામ, મશરૂ વણાટની સાલ, હેન્ડલુમ પર ખરડ વિવિંગ ‘હાથ વણાટ” ના ભરતકામ જેવા સ્ટોલની મુલાકાત લઈ સખી મંડળની કારીગર બહેનો સાથે કોમન મેનની જેમ સંવાદ કર્યો હતો. અને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. મુખ્યમંત્રી પટેલે હસ્તકલા હાટમાં “ગુજરાત તને વંદન” થીમ આધારિત ચાર મિનિટની ટૂંકી ફિલ્મ નિહાળી હતી. આ અવસરે તેમની સાથે શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યકક્ષાના ઉદ્યોગમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા તથા જિલ્લાના મહાનુભાવો અને પદાધિકારીઓ અને પાટણ, ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા.

આ પણ વાંચો : મુખ્યમંત્રીએ આપી કર્મચારીઓ અને પેન્શર્સને આકર્ષક ભેટ : જાણો શું આપ્યું છે ખાસ