પિતાનો અમાનૂષી અત્યાચાર/ પપ્પા મને ચીપિયાને ગરમ કરીને ડામ દેતા હતા, 9 વર્ષની દીકરીની ફરિયાદ

બાળકીએ તેના મામાને જણાવ્યું હતું કે ‘પપ્પા મને ઘરનું કામ કરાવતા હતા અને જો ઘરનું કામ બરાબર ન કરું તો મને ઝાપટો મારતા અને લાકડી વડે માર મારીને રોટલી શેકવાના ચીપિયાને ગરમ કરીને ડામ દેતા હતા.’

Ahmedabad Gujarat
દીકરી

કહેવાય છે કે દીકરી પિતાની ખુબ જ નજીક હોય છે એક દીકરી પોતાના પિતા પાસે જેટલું સુરક્ષિત અનુભવે છે એટલું કોઈ જોડે નથી અનુભવતી પરંતુ આજે મને તમને જે ઘટના કહેવા જઈ રહ્યા છીએ તે જાણીને તમને લાગશે કે એક પિતા આટલા ક્રૂર કઈ રીતે હોય શકે? બન્યું એવું કે,  અમદાવાદના સોલા વિસ્તારમાં સગા પિતાએ નવ વર્ષની બાળકી પર અત્યાચાર ગુજારી અસહ્ય માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. એટલું જ નહીં, ચીપિયા વડે તેને ડામ પણ દીધા હતા. આ મામલે અત્યાચારી પિતા સામે  અમદાવાદ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આ અંગે મળતી માહિતી અનુસાર, પતિ-પત્ની વચ્ચે અણબનાવ થતા બંનેએ છૂટાછેડા લીધા હતા. જોકે, જે તે સમયે બાળકી તેની માતા સાથે રહેતી હતી પરંતુ માતાએ બીજા લગ્ન કરી લેતા બાળકી તેના મામા સાથે રહેવા લાગી હતી. ત્રણેક મહિના પહેલા તેના પિતા સમાજના આગેવાનો સાથે તેના મામાના ઘરે પહોંચ્યા હતા અને સમજૂતીથી બાળકીને પોતાની સાથે લઈ ગયા હતા. ત્યાર બાદ તેના પિતાએ બાળકીને અસહ્ય ત્રાસ આપ્યો હતો.

ચારેક દિવસ પહેલા ફરિયાદી પર તેમના એક સંબંધીએ ફોન કરીને કહ્યું હતું કે, તમારી ભાણીને તેના પિતા અતિશય ત્રાસ આપે છે અને માર મારે છે. જેથી ફરિયાદી પરિવારના સભ્યો સાથે ભાણીને લેવા માટે ચાંદલોડિયા ખાતે આવ્યા હતા. પરંતુ ભાણી ન મળતા તેઓ પરત જતા રહ્યા હતા. ગઈકાલે ફરીથી તેઓ ભાણીને લેવા માટે ચાંદલોડિયા ખાતે આવ્યા હતા. જોકે, ઘરે તાળું હોવાથી તેમણે બાળકીના પિતાને ફોન કર્યો હતો. જેથી તેણે ફરિયાદીને તેના ગામ બોલાવ્યા હતા. જ્યાં મોડી રાત સુધી રાહ જોવડાવ્યા બાદ બે વ્યક્તિ બાળકીને લઈને આવ્યા હતા. જે બાદ બાળકીએ તેના મામાને જણાવ્યું હતું કે ‘પપ્પા મને ઘરનું કામ કરાવતા હતા અને જો ઘરનું કામ બરાબર ન કરું તો મને ઝાપટો મારતા અને લાકડી વડે માર મારીને રોટલી શેકવાના ચીપિયાને ગરમ કરીને ડામ દેતા હતા.’

બાળકીએ કહ્યું હતું કે, જ્યારથી હું પપ્પાના ઘરે ગઇ હતી, ત્યારથી રોજ મને કોઈપણ કારણ વગર માર મારતા હતા અને અવારનવાર ગુસ્સે થઈને લાકડીથી પણ મારતા હતા. ઘણીવાર મને રોટલી શેકવાના ચીપિયા વડે મારી પીઠના ભાગે તેમજ પગે ડામ આપતા હતા. ઘણી વખત બંને પગ બાંધી લટકાવી માથાના ભાગે લોખંડની ફૂટપટ્ટીથી મારતા હતા અને દિવાલ સાથે માથું પણ પછાડતા હતા. જેથી ફરિયાદીએ આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. જોકે, પોતાની કરતૂતોનો પર્દાફાશ થઈ ગયો હોવાની જાણ થતાં જ આરોપી ફરાર થઈ ગયો છે. પોલીસે આરોપીને પકડવા માટે કવાયત શરૂ કરી છે, પરંતુ હજી સુધી આરોપીની કોઈ ભાળ મળી શકી નથી.

આ પણ વાંચો:તાઈવાનમાં 24 કલાકમાં બીજી વખત ભૂકંપના આંચકા, ટ્રેનના ડબ્બા પલટી ગયા, મકાનો પણ તબાહ

આ પણ વાંચો:સાયલા નજીક CNG છોટા હાથીમાં થયો વિસ્ફોટ, બે લોકોના મોત

આ પણ વાંચો:મુંબઈ-અમદાવાદ હાઈવે પર જ્યાં સાયરસ મિસ્ત્રીની કાર ટકરાઈ એ જ જગ્યાએ આ વર્ષે 62 લોકોના મોત