સુરેન્દ્રનગર/ લીંબડી હાઈવે પર કેમિકલ વેસ્ટ ઠાલવી બોડીયાથી .ગેરકાયદેસર રેતીનું વહન કરાતું હોવાની ફરિયાદ

રોગચાળો ફાટી નીકળવાની દહેશત, પશુપાલકો માલઢોરને ચરાવવા જતા પણ ફફડી રહ્યા છે

Gujarat
Untitled 300 12 લીંબડી હાઈવે પર કેમિકલ વેસ્ટ ઠાલવી બોડીયાથી .ગેરકાયદેસર રેતીનું વહન કરાતું હોવાની ફરિયાદ

લીંબડી-બોડીયા હાઈવે પર કેમિકલ વેસ્ટ ઠલવાતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. કેમિકલ વેસ્ટ ઠાલવી બોડીયા ગામથી રેતીનું ગેરકાયદેસર વહન થતું હોવાની રાવ ઉઠી રહી છે. બોડીયાના ગ્રામજનોએ કેમિકલ વેસ્ટના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત વ્યક્ત કરી છે. કેમિકલ વેસ્ટના ડરથી પશુપાલકો માલઢોરને ચરાવવા જતાં પણ ફફડી રહ્યા છે.

લીંબડી-રાજકોટ નેશનલ હાઈવે પર બોડીયા ગામ નજીક કેમિકલ વેસ્ટનો જથ્થો ઠાલવી દેતાં લોકોના આરોગ્ય સામે ખતરો ઊભો થયો છે. બોડીયા ગામ કેમિકલ વેસ્ટ ઠાલવી દેવાનું ફેવરિટ સ્પોટ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. થોડા દિવસ પહેલા પણ બોડીયાના તળાવમાં કેમિકલ વેસ્ટ ઠલવી દેવામાં આવ્યું હતું. બોડીયા ગામ નજીક જ કેમિકલ વેસ્ટ ઠાલવવા પાછળનું કારણ જાણવું અતિ જરૂરી બની ગયું હતું. કારણ જાણવા બોડીયાના ગ્રામજનો સાથે વાત કરી ત્યારે ગામના એક વ્યક્તિએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું બોડીયા ગામ નજીક કેમિકલ વેસ્ટ ઠાલવી ભોગાવા નદીમાં થતું ગેરકાયદેસર રેતીનું વહન કરી અજાણ્યા શખ્સો જતાં રહે છે. ગામની નદીમાં થતું રેતીનું ખનન બંધ કરાવવામાં આવે તો બધી સમસ્યાઓનો ઉકેલ આવી શકે તેમ છે.

કેમિકલ વેસ્ટની દુર્ગંધના કારણે રસ્તા પર પસાર થવું મુશ્કેલ બની ગયું છે. કેમિકલ વેસ્ટ પાણીમાં ભળ્યા પછી શું નુકસાન નોતરશે તે તો આવનારો સમય બતાવશે. ગ્રામજનોએ રોગચાળો ફાટી નીકળવાની દહેશત વ્યક્ત કરી છે. પશુ ચરાવવા જતાં પશુપાલકો ફફડી રહ્યા છે. આર્થિક લાભ ખાટવા કેમિકલ વેસ્ટ નાંખી પશુઓ અને લોકોની જીંદગી જોખમમાં મૂકનાર શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોએ માગ કરી હતી. જો કે આંખે નિંદ્રાધીન પ્રદુષણ નિયંત્રણ બોર્ડને ઘટના અંગે કશી જાણકારી હોય તેવું દેખાઈ રહ્યું નથી.