Not Set/ દિવ્ય આત્મ-જ્યોતિ !

સમાજનું ગૌરવ એટલે શું ? શું સમાજ માટે સોનાનો પહાડ લાવ્યા છો ? સમાજ માટે શું યોગદાન ? સમાજના કોઈ ગરીબ બાળકોને શિક્ષણની મદદ કે તેમની શિક્ષણની જવાબદારી લીધેલી છે ?

Trending
નિલેશ

સત્કાર્ય માટે પ્રેરણા અત્ર, તત્ર, સર્વત્ર જડી જ જાય – જો એ પ્રતિ સભાનતા કે તત્પરતા હોય ! “કોઈને કોઈની પડી જ નથી” એવુ જ્યારે જે કોઈ બોલે છે ત્યારે તેમણે આત્મમંથન કરવુ અતિ આવશ્યક ગણવુ. કહેવા કરતા કરવુ ભલુ. આપણા સમાજમાં એક નવો જ ચીલો પડી રહ્યો છે : ફલાણા ફલાણા માણસ – સમાજનું ગૌરવ ! આપ ડૉ., વકીલ, એન્જીનીયર કે કોઈ પણ ક્ષેત્રે માહિર હો કે સરકારી હોદ્દા ઉપર હો તો તેને સમાજનું ગૌરવ ન કહી શકાય પણ તેને વ્યક્તિગત ગૌરવ લેખવુ જોઈએ.

સમાજનું ગૌરવ એટલે શું ? શું સમાજ માટે સોનાનો પહાડ લાવ્યા છો ? સમાજ માટે શું યોગદાન ? સમાજના કોઈ ગરીબ બાળકોને શિક્ષણની મદદ કે તેમની શિક્ષણની જવાબદારી લીધેલી છે ? સમાજના કોઈ ગરીબ દર્દીને, વિધવા કે નિ:સહાયને સરકારી સહાય કે સરકારી યોજનાની મદદ કરી છે ? સરકારી હોદ્દા ઉપર હો અને કાયદાની રીતે સરકાર દ્વારા સીધી સહાય સમાજને અપાવી છે ખરી ? સરકારી પદેથી રીટાયર્ડ થતા પહેલા સમાજના દીકરા કે દીકરીને સરકારી કે સરકાર દ્વારા, નિયમ મુજબ, કરાર પર નોકરીએ રાખેલ છે કે કોઈ દીકરી કે દીકરાને યોગ્ય કામે રાખવાનો પ્રયત્ન કરેલ છે ? સમાજના કોઈ વ્યક્તિ પર થયેલા અત્યાચાર કે કોઈ અન્યાય સામે અવાજ રજૂ કર્યો છે ? કોઈ સામાજીક કે રાજકીય નાનો મોટો હોદ્દો ધરાવતા હો ત્યારે સમાજના પ્રશ્નો અંગે ખુલીને, યોગ્ય જગ્યાએ ક્યારેય રજુઆત કરી છે ? કોઈ પણ જગ્યાએ ચૂંટણીમાં જીત્યા બાદ કે પદ પ્રાપ્ત કરી સમાજ માટે વિશેષ કોઈ કામ કરેલુ છે ?

આપ જે જગ્યા પર છો તેનાથી સમાજને શું  ફાયદો થયો ? આપે તો પોતાના ક્ષેત્રે એક સિદ્ધિ હાંસલ કરી છે. આપ નોકરી લાગ્યા કે આપને પ્રમોશન મળેલ હોય કે રાજકારણમાં સારો, કોઈ હોદ્દો મળેલ હોય તે તો માત્ર પોતાની પ્રગતિ છે. તેને સમાજનું ગૌરવ ન જ કહી શકાય.

સમાજનું ગૌરવ કહેવડાવું હોય તો પોતાના હૃદય ઉપર હાથ રાખીને પોતાને જ પ્રશ્ન કરવો કે ઉપર જણાવેલા વાક્યોમાંથી મેં કેટલો અમલ કર્યો અથવા સમાજ ઉત્કર્ષ માટે પ્રયાસ કર્યો – કરાવ્યો ! ઉપરમાંથી એકાદ નેક કામ જો સમાજ માટે કર્યું હોય તો આપ સમાજનું ગૌરવ ચોક્કસ  છો, અન્યથા કોઈ નવાઈની વાત નથી. પોતાના માટે એક મુકામ હાંસલ કરો છો તેનાથી વિશેષ આપ સમાજમાં કાંઈ નથી બલ્કે ફક્ત ને ફક્ત અભિનંદનને પાત્ર છો. આ કડવું છે પણ સત્ય તો છે જ.

જરૂરી એવી નવી સમજ કેળવવા ફરી એક વખત પ્રેરકકથાનું સ્મરણ કરી લઈએ.

રેલવેની પ્લેટફોર્મ ટીકીટ લઈ હું ઉતાવળે ચાલતો હતો કારણ કે મારી પાછળ સાત-આઠ વર્ષનો ભિખારી જેવો એક બાળક “એ સાહેબ, એ સાહેબ….” કહી પાછળ દોડતો હતો. હું મારી સ્પીડ વધારતો જતો હતો તેમ તેમ તે બાળક પણ “ઓ સાહેબ, ઓ સાહેબ….. ઉભા તો રહો….” કહી બૂમ પાડ્યે જતો હતો.

હું મનમાં ખિજાતો, ગાળો આપતો હતો કે, આ ભિખારીની જાતને, એકને આપો તો દસ પાછળ પડે. આખરે હું થાકીને ઉભો રહી ગયો અને જોરથી બોલ્યો : ચાલ, અહીંથી જાય છે કે પછી પોલીસને બોલાવું ? ક્યારનો સાહેબ, સાહેબ કરે છે. લે, આ ૧૦ રૂપિયા. હવે જતો જ રહેજે.

મેં પોકેટમાંથી પાકીટ કાઢી ૧૦ ની નોટ કાઢવા પ્રયત્ન કર્યો, પણ મારું

પાકીટ ગાયબ. હું તો મૂંઝાઈ ગયો. હમણાં જ ATM માંથી ઉપાડેલા હજારો રૂપિયા, ડેબીટકાર્ડ, ક્રેડીટકાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ બધું જ એ વોલેટની અંદર હતું !

“સાહેબ…..!” પેલો બાળક બોલ્યો. હું ઉશ્કેરાયો ને જોરથી બરાડ્યો, “અરે સાહેબ, સાહેબ શું કરે છે ક્યારનો ?

બાળકે એક હાથ ઊંચો કર્યો, “સાહેબ………..!”

તેના હાથ તરફ નજર ગઈ પછી તેની નિર્દોષ આંખ તરફ…! બે-ઘડી તો મને મારી જાત પર, મારા ભણતર પર, દંભ અને દેખાડા પર, મિથ્યાભિમાન અને અધ્યાત્મિકજ્ઞાન પર નફરત થઈ.

માણસ પોતાનો સ્વાર્થ હોય ત્યારે જ આંખ મેળવીને વાત કરે છે, બાકી તો આંખ મિચોલી કરી, રસ્તો બદલીને ભાગી જનાર વ્યક્તિઓ પણ સંસારમાં ઘણાં હોય છે.

એ બાળકની નિ:સ્વાર્થ આંખો અને હાથ ઉપર નજર નાંખતા મને ખબર પડી કે, મારૂં ખોવાયેલ “પાકીટ” તેના નાજુક હાથમાં જ હતું.

“લો સાહેબ, તમારૂં આ પાકીટ. સાહેબ, ટીકીટબારી ઉપર પાકીટ ખીસ્સામાં મુક્તા મુક્તા તમારાથી પાકીટ નીચે પડી ગયું હતું, સાહેબ !”

મારી આંખો ભીની થઈ ગઈ. રેલવેસ્ટેશન પર ગોઠણ ઉપર બેસીને એ બાળકના માથે હાથ ફેરવ્યો ને હું બોલ્યો : “બેટા, મને માફ કરજે.”

આ જુલ્મી સમાજ નાના, ગરીબ કે મજબૂર માણસોને હંમેશા ચોર, ભિખારી કે પાકીટમાર જેવા જ કેમ સમજે છે !

હું બોલ્યો : આજે પાકીટ આપતો તારો હાથ ઉપર છે તથા મારો હાથ નીચે છે, બેટા ! સાચા અર્થમાં ભિખારી કોણ ? આજે મને સમજાયું કે સંસ્કાર, ઉદારતા, ઈમાનદારી એ ફક્ત રૂપિયાવાળાની જ જાગીર નથી. બેઈમાનીના રૂપિયાથી ધરાઈને ઈમાનદારીનું નાટક કરતા બહુ લોકો જોયા છે પણ ભૂખ્યા પેટે અને ખાલી ખીસ્સે પ્રમાણિક્તા બતાવનાર તું મોટા ગજાનો, દિલદાર નીકળ્યો, રાજા.

બહુ સહેલી વાત નથી, બેટા. લક્ષ્મીજી જોઈ ભલભલાની વૃત્તિ અને એની નીતિ બદલાઈ જાય છે. યાર, હું ધારું તો આ પાકીટ તને ઈનામમાં આપી શકું તેમ છું. હું એક વખત એવું સમજી લઈશ કે કોઈ મારૂં ખીસ્સું કાતરી ગયું. મિત્ર, તારી ઈમાનદારીનું ઈનામ તને જરૂર મળશે. બેટા,તારા મમ્મી-પપ્પા ક્યાં છે ?

મમ્મી-પપ્પાનું નામ સાંભળી બાળકની આંખમાં આંસુ આવી ગયા. હું તેના ચહેરા અને વ્યવહાર ઉપરથી એટલું સમજી ગયો હતો કે આ, માંગવાનો વ્યવસાય તેનો જન્મજાત નહીં હોય. કોઈ હાલતનો શિકાર આ બાળક બની ગયો છે.

મેં તેનો હાથ પકડ્યો. ચલ બેટા, આ નર્કની દુનિયામાંથી તને બહાર નીકળવા કુદરતે મને સંકેત કર્યો લાગે છે.

હું તાબડતોબ સીધો જ નજીકના પોલીસ સ્ટેશને ગયો અને બધી હકીકત જણાવી. પોલીસ ઈન્સ્પેક્ટરે સવાલ કર્યો :

આપને કોઈ સંતાન છે ?

“છે, પણ USA છે. અહીં મારો પોતાનો બિઝનેસ છે. આ બાળકને ઘરે લઈ જવાની વિધી સમજાવો તો આપનો આભાર. મારી પત્ની પણ ખુશ થશે, સાથે-સાથે અમે તેને ભણાવી ગણાવીને તંદુરસ્ત સમાજનો એક હિસ્સો બનાવીશું. અમે કોઈ મંદિર કે આશ્રમમાં રૂપિયા કદી આપ્યા નથી. એક સત્કાર્ય અમારા હાથે થશે. કોઈ રસ્તે રખડતા બાળકની જીંદગી બની જશે તો એક મંદિર બનાવ્યાથી અધિક આનંદ થશે.

પોલીસ ઈન્સ્પેક્ટર પણ ખુશ થતા બોલ્યા : “શ્રીમાન, ધન્ય છે તમારા વિચારોને. તમારી કાયદાકીય પ્રોસેસ હું પુરી કરી આપીશ. હું પણ એક સારા કાર્ય કર્યાનો આનંદ લઈશ. કોઈ લુખ્ખા તત્વો બાળકનો કબજો લેવા આવે તો મને ફોન કરી દેજો.”

૧૫ વર્ષો બાદ એજ બાળક ભણીગણીને  સરકારની ટોપકેડરની IPS કક્ષાની પરીક્ષા પાસ કરી મને પગે લાગી રહ્યો છે.

દોસ્તો, કોઈ જ જન્મજાત ભિખારી, ચોર કે ડોન નથી હોતું. સમય, સંજોગો કે અન્યાયનો શિકાર બનેલા લોકો કોઈ વખત રસ્તો ભટકી જાય છે, તેમનો હાથ પકડી ફરીથી એમને ભદ્ર સમાજ વચ્ચે મુકવાની જવાબદારી સમાજ અને સરકારની છે, આપણાં સૌની છે.

બેટા, હું સમજું છું. તારા માઁ-બાપ આજે હાજર હોત તો ખૂબ ખુશ થાત. પણ અમે ખુશ છીએ તારા આ અકલ્પનીય પ્રોગ્રેસથી, Extra-ordinary Performance થી ! બેટા, અહીં મારા “એક પાકીટનું ઈનામ” પુરૂ થાય છે, તેવું સમજી લેજે.

એ બાળકનું નામ અમે સંજય રાખેલું અને એ એટલું જ બોલ્યો –

त्वमेव माता च पिता त्वमेव ।

त्वमेव बन्धुश्च सखा त्वमेव ।

त्वमेव विद्या द्रविणम् त्वमेव ।

त्वमेव सर्वम् मम देव देव ॥

તમે મને કોઈ વાતની કમી રહેવા દીધી નથી. મેં નથી ભગવાનને જોયા કે નથી મારા માઁ-બાપને ! મારા માટે આપજ સર્વસ્વ છો. તમારૂં ઈનામ પુરું થાય છે ત્યાંથી મારી ફરજ ચાલુ થાય છે. પહેલાં તમે જયાં જતા ત્યાં હું આવતો. હવે હું જ્યાં જઈશ ત્યાં તમે હશો. સંજયે પગ પછાડી પહેલી સેલ્યુટ અમને કરી અને બોલ્યો : “પાપા, આ સેલ્યુટના ખરા હક્કદાર પહેલા તમે જ છો. આને કહેવાય લેણદેણના સંબંધ !”

જેને આપણે બિલકુલ મહત્વ આપ્યું ન હોય અથવા આપણે એવું સમજતા હોઈએ છીએ કે આમને કોણ ગણે છે કે ઓળખે છે – એતો નાનો માણસ છે ! પરંતુ એવા અનેક લોકો જોવા મળે છે જેમાં “ચિંથરે વીંટેલા રતન” તદ્દન સામાન્ય સ્થિતિમાંથી શિખર પર પહોંચ્યા છે.  સાદો માણસ ઉંચા પદ પર પહોંચ્યો હોય છે તેમની જીવનયાત્રાનો અભ્યાસ કંઈક નવું કરવાની પ્રેરણા આપે છે, શું નથી કરી શકતા તે વિચારવા કરતા શું કરી શકીએ છીએ તેના પર વધુ ધ્યાન આપવાથી આપણો આત્મ-વિશ્વાસ વધે છે. પ્રતિભા તો ઘણાં લોકો પાસે હોય છે પણ એનો ઉપયોગ કરી શકે તેમને જ જીવનસાફલ્ય મળે છે. ધનથી જ નહીં કર્મથી પણ ઉજળા થઈએ, રહીએ.

આ પણ વાંચો :એકતા કપૂર પર લાગ્યો કોન્સેપ્ટ ચોરીનો આરોપ, કંગના રનૌતના શોને મળી શકે છે બ્રેક

આ પણ વાંચો : યુક્રેનના રાષ્ટ્રપતિએ કરી અપીલ મદદ કરો, અમે તમને હથિયાર આપીશું, બિડેને કહ્યું- ત્રીજું વિશ્વ યુદ્ધ એકમાત્ર વિકલ્પ

આ પણ વાંચો :યુક્રેનના રાષ્ટ્રપતિને અમેરિકા કોઇપણ સમયે એરલિફટ કરશે! CIAએ કરી તૈયારી

આ પણ વાંચો :27 ફેબ્રુઆરી 2022, રવિવારનાં દિવસે તમને કયા ફળની પ્રાપ્તિ થઈ શકે છે?