Not Set/ જીવનના ખાસ દિવસને પરફેક્ટ બનાવા આટલુ કરો..

તમારી ત્વચા ભલે કોઈ મેકઅપનો ગમેએટલો ઠઠારો કરે, પણ જો તમારી સ્કિન કુદરતી રીતે સારી હોય તો એનો બહારના દેખાવ પર ઘણો ફરક પડે છે

Tips & Tricks Lifestyle
13 7 જીવનના ખાસ દિવસને પરફેક્ટ બનાવા આટલુ કરો..

કોઈ પણ દુલ્હનને તેના સ્પેશ્યલ દિવસે કેવા દેખાવું છે એવું પૂછો તો આ બે શબ્દોમાં તેની ઇચ્છા વ્યક્ત થઈ જાય. તમે કદાચ લગ્ન વખતે પહેરવાના ડ્રેસ, મેકઅપ, હેરસ્ટાઇલ અને દરદાગીનાની પસંદગીમાં અઢળક સમય અને પૈસા ખર્ચશો; પરંતુ એક એવી ચીજ છે જે ખરા અર્થમાં તમારા લુકને ચમકીલો અને અદ્ભુત બનાવશે. એ છે તમારી ત્વચા ભલે કોઈ મેકઅપનો ગમેએટલો ઠઠારો કરે, પણ જો તમારી સ્કિન કુદરતી રીતે સારી હોય તો એનો બહારના દેખાવ પર ઘણો ફરક પડે છે.

જો તમે જીવનના આ  ખાસ દિવસે સુંદર અને નૅચરલ દેખાવા ઇચ્છતા હો તો તમારે ત્વચાની ઍડવાન્સમાં જ કાળજી લેવાનું શરૂ કરી દેવું જોઈએ. સ્ટ્રેસ અને હેક્ટિક શેડ્યુલ્સ તમારી ત્વચા પર માઠી અસરો કરી શકે છે.  લગ્નના દિવસે સુંદર, સુંવાળી, ચમકીલી ત્વચા મેળવવા શું કરવું એનો બ્યુટી-મંત્ર અહીં છે.  તમારા જનરલ ફિઝિશ્યનને કન્સલ્ટ કરીને બ્યુટીને નિખારવામાં મદદરૂપ એવાં વિટામિન્સ લેવાનું શરૂ કરો. આયર્નમાં નિયમિતતા અવશ્ય રાખવી. જ્યારે તમારા શરીરમાં લોહતત્ત્વની કમી હોય ત્યારે વાળ અને ત્વચા ડલ થઈ જાય છે. વાળ ખરે પણ ખરા.  એટલે નિષ્ણાત પાસેથી પ્રિસ્ક્રિપ્શન લઈને વિટામિન્સ લો જે વાળ અને ત્વચાને શાઇનિંગ આપે. વિટામિન ઈ ડેઇલી લો. એનાથી ચમત્કારિક પરિણામ મળે છે. પૂરતી ફિટનેસ જાળવવા માટે એક્સરસાઇઝના રૂટીનને રેગ્યુલર બનાવો. કસરત કરીને પરસેવો પાડ્યો હશે તો એ ત્વચા પર  સ્પષ્ટ દેખાશે. રોજ જિમમાં વર્કઆઉટ કરો અથવા તો એક રિધમમાં રોજ ૩૦ મિનિટ ચાલવાનું રાખો. યોગાસન અને પ્રાણાયામ આવડતાં હોય તો એ પણ ટ્રાય કરી શકો. આનો મુખ્ય હેતુ એ છે કે તમે ઍક્ટિવ થઈ જાઓ અને તમારી સિસ્ટમને અંદરથી નવપલ્લવિત કરો.

તમે બહાર હો ત્યારે જ નહીં, રૂમની અંદર હો ત્યારે પણ સનસ્ક્રીનની જરૂર પડે છે. ઉનાળામાં એની જેટલી જરૂર હોય છે એટલી જ શિયાળામાં પણ છે. એ રોજ ત્વચા પર લગાડો. ઈવન તમારે હોઠ પર પણ સનસ્ક્રીન લગાવવું જોઈએ. એમ કરવાથી હોઠને ડ્રાય થઈને ફાટી જતા અટકાવી શકશો. ઇન ફૅક્ટ, હોઠ ફાટી ગયા પછી એને રિપેર કરવા કરતાં એને ફાટતા અટકાવવાનું અને એને ગુલાબી રાખવાનું સહેલું છે. સનસ્ક્રીનનો નિયમિત ઉપયોગ કરવાથી તમારી ત્વચાનો ટોન પણ એકસરખો થશે.  આ સમયમાં તમારે ત્વચાના ક્લેન્ઝિંગ, ટોનિંગ અને મૉઇશ્ચરાઇઝિંગમાં ખાડા પાડવાનું પોસાય એમ નથી. ખૂબ ગંભીર થઈને તમારે ત્વચાની ડેઇલી કૅર કરવી જરૂરી છે. રોજ સવારે ઊઠીને અને રાતે સૂતા પહેલાં ક્લેન્ઝિંગ, ટોનિંગ કરીને મૉઇશ્ચરાઇઝર લગાવવું જરૂરી છે. અઠવાડિયામાં બેથી ત્રણ વાર એક્સફોલિએટ ક્રીમ લઈને મૃત ત્વચાના કોષોને દૂર કરો. વીકમાં એક વાર નહાતી વખતે બાથ-સૉલ્ટનો ઉપયોગ કરો. એનાથી ડ્રાય ત્વચા હાઇડ્રેટ થશે અને આખા બૉડીની ત્વચા લિસ્સી, ગ્લોઇંગ અને સૉફટ થશે.

બૉડીના નિખાર વખતે ઘણા લોકો હાથ અને પગને ભૂલી જાય છે. હથેળી અને પંજાની ખાસ કાળજી લો. રેગ્યુલર સમયાંતરે મૅનિક્યૉર અને પેડિક્યૉર કરાવો. હૅન્ડ ઍન્ડ ફુટ ક્રીમ રોજ રાતે સૂતાં પહેલાં લગાવો જેથી બીજા દિવસે સવારે ઊઠશો ત્યારે હાથ અને પગ સુંવાળા હશે.

કોઈ સારો ફેશ્યલ-નિષ્ણાત શોધી કાઢો અને ઍટ લીસ્ટ મહિનામાં એક વાર રેગ્યુલર ફેશ્યલ કરાવો. જો તમે કેમિકલ પીલ્સ વાપરવાનું ઇચ્છતા હો તો એ છેલ્લી ઘડીએ નહીં, ઍડ્વાન્સમાં કરો. એમ કરવાથી તમને કેમિકલ પીલિંગ દરમ્યાન આવનારી તકલીફોનું નિવારણ કરવાનો પૂરતો સમય મળી રહેશે. જો તમે હેર રિમૂવલ માટે લેસર-ટ્રીટમેન્ટ કરાવવાનું વિચારી રહ્યા હો તો લગ્નના ઓછામાં ઓછા બે મહિના પહેલાં એ કરાવી લો. ધારો કે કોઈક રીઍક્શન આવે તો ઍડ્વાન્સ ટ્રીટમેન્ટમાં ત્વચાને નૉર્મલ થતાં પૂરતો સમય મળી રહેશે.

સુંદર દેખાવા માટે શરીરને પૂરતું પોષણ અને હાઇડ્રેશન મળે એ બાબતને આપણે કદી નજરઅંદાજ ન કરી શકીએ. તમારા ડાયટમાં પુષ્કળ સુપરફૂડ્સનો સમાવેશ કરો. કદી બ્રેકફાસ્ટ કરવાનું ટાળો નહીં. એ દિવસનું સૌથી અગત્યનું મીલ છે. ખાવાના પ્રમાણમાં અને સમયમાં પણ નિયમિતતા રાખો. બૉડીને હાઇડ્રેટેડ રાખવા માટે માત્ર પૂરતું પાણી પીવું જ જરૂરી નથી; પણ બૉડીને હાઇડ્રેટ રાખે એ માટે તરબૂચ, કાકડી જેવી ચીજો નાસ્તામાં લો. હૂંફાળા ગરમ પાણીમાં મધ અને લીંબુ નાખેલું પીણું લઈને દિવસની શરૂઆત કરો. એ તમારા શરીરમાંથી ઝેરી દ્રવ્યોને બહાર ફેંકવામાં અને સિસ્ટમને ક્લીન કરવામાં મદદ કરશે.