Not Set/ ‘હુલાહૂપ’ શરીર જ નહીં, મગજને પણ સ્ટ્રૉન્ગ કરતી કસરત

હુલાહૂપ્સ જેવી ઍક્ટિવિટી ફન ઍક્ટિવિટી લાગતી હોય છે. એ કરતી વખતે બાળકોને મજા આવતી હોય છે,એક તો રંગબેરંગી રિન્ગ્સ ખૂબ આકર્ષક હોય છે

Health & Fitness Lifestyle
12 9 'હુલાહૂપ' શરીર જ નહીં, મગજને પણ સ્ટ્રૉન્ગ કરતી કસરત

એક સમય હતો કે સર્કસમાં જિમ્નૅસ્ટિક્સના ખેલ કરતી છોકરીઓ રિન્ગ્સ સાથે આવતી અને અદ્ભુત ખેલ બતાવતી. ગોળ રિન્ગ્સને તે કમર પર કમરની ફરતે રાઉન્ડ ફેરવતી એટલું જ નહીં, એમાંથી તેનું આખું શરીર પસાર કરતી. એ જોઈને અચંબિત થઈ જવાતું, પરંતુ છેલ્લાં પાંચ-સાત વર્ષથી તો જાણે ઘરે-ઘરે આ રિન્ગ્સ, હુલાહૂપ ધૂમ મચાવવા લાગી છે. ખાસ કરીને બાળકોમાં હુલાહૂપ બહુ ફેમસ છે. લૉકડાઉન દરમ્યાન બાળકોમાં યુટ્યુબ જોઈને હુલાહૂપ રિન્ગથી રમવાનું ચલણ ખૂબ વધ્યું છે.

શરીર જ નહીં, મગજને પણ સ્ટ્રૉન્ગ કરતી આ કસરત મનોરંજનની ઍક્ટિવિટી છે એટલે એ વધુ અકસીર પણ છે. રંગબેરંગી પ્લાસ્ટિકની રિન્ગ કમરની ફરતે ફેરવવાનો ટ્રેન્ડ થોડાંક વર્ષોથી વધી રહ્યો છે. બાળકો કાઉચ પટેટો બનીને વર્ચ્યુઅલ ગેમ્સ રમ્યા કરે એની સરખામણીએ આ રંગબેરંગી રિન્ગ્સ બહુ ઉપયોગી છે. હુલાહૂપ્સ જેવી ઍક્ટિવિટી ફન ઍક્ટિવિટી લાગતી હોય છે. એ કરતી વખતે બાળકોને મજા આવતી હોય છે. એક તો રંગબેરંગી રિન્ગ્સ ખૂબ આકર્ષક હોય છે. એને જોઈને ઇચ્છા થાય છે કે એ રિન્ગ્સથી રમીએ. પણ એ એક એવી ઍક્ટિવિટી છે જેનાથી શરીરને સારી કસરત મળે છે. બાળકોને શારીરિક રીતે શ્રમ પડે, એમની ફિઝિકલ ફિટનેસ જળવાઈ રહે એ માટે એવી ઍક્ટિવિટીની પસંદગી જરૂરી છે જેમાં ફન હોય, મજા પડે. હુલાહૂપ એવી જ ઍક્ટિવિટી છે. કદાચ એટલે જ એ આટલી પૉપ્યુલર બની છે.

કોર સ્ટ્રેંગ્થ વધે 

આપણી નાભિ અને એની આજુબાજુના સ્નાયુઓ સ્ટ્રૉન્ગ અને છતાં ફ્લેક્સ‌િબલ હોય એ ઓવરઑલ બૉડીને સ્ટ્રૉન્ગ રાખવા માટે બહુ જ જરૂરી છે. યુવાનો જિમમાં જઈને કોર સ્ટ્રેંગ્થ પર કામ કરે છે. એ જ કામ બાળકોમાં હુલાહૂપથી પણ સંભવ છે. બેઠાડુ લાઇફસ્ટાઇલ હવે બાળકોમાં પણ વધી ગઈ છે અને એને કારણે બાળક ગોલુમોલુ થાય એટલે તરત જ પેટની ફરતે ચરબીનો ભરાવો થવા લાગે છે. હુલાહૂપ રમવાની સાથે અઢળક ક્રીએટિવ આઇડિયાઝ જોડીને કિડ્સને હુલાહૂપ શીખવતાં ટ્રેઇનર પ્રિયંકા ગાંધી કહે છે, ‘આ ઍક્ટિવિટીથી પેટના સ્નાયુઓ સશક્ત થાય છે, જેને કારણે બાળકોમાં સેન્ટ્રલ ઓબેસિટી એટલે કે ફાંદની સમસ્યા જે અતિ કૉમન છે એ દૂર કરી શકાય છે. આમ પણ આ એક કાર્ડિઓ ઍક્ટિવિટી કે યોગ જેવી જ એક્સરસાઇઝ સમજો. એનાથી અઢળક લાભ થાય છે.’

હુલાહૂપના ટ્રેઇનર કહે છે

જે બાળકો અત્યંત ઉત્પાતિયાં છે, પગ વાળીને બેસતાં નથી, એનર્જીથી ઊભરાય છે એવાં બાળકો માટે આ ખૂબ સારી એક્સરસાઇઝ છે એમ જણાવતાં હુલાહૂપના ટ્રેઇનર કહે છે, ‘આ ઍક્ટિવિટીથી બ્લડ-સર્ક્યુલેશન ખૂબ સારું થાય છે; જેને કારણે મગજને લોહી સારું પહોંચે છે. બીજું એ કે શક્તિ ચૅનલાઇઝ થાય છે, જેને કારણે ઉત્પાત ઘટે છે. બાળક શાંત થાય છે અને તેની એકાગ્રતા વધે છે. આ ઍક્ટિવિટી નૉર્મલ બાળકોને તો શું મેન્ટલી ચૅલેન્જ્ડ બાળકોને પણ અત્યંત ઉપયોગી છે. હું વર્ષોથી તેમને પણ આ શીખવું છું અને મારો અનુભવ છે કે એનાથી તેમને પણ ઘણો ફરક પડ્યો છે. એનાથી તેઓ ઘણા સ્ટેબલ થયા છે.’

જુદી-જુદી કક્ષાએ શીખી શકાય

હુલાહૂપ ઘણી જુદી-જુદી કક્ષાએ શીખી શકાય છે. બેઝિક તમે શીખો પછી એની સાથે ઘણુંબધું જુદું-જુદું કરી શકાય છે. ડ્રમ સાથે, ગ્લાસ સાથે, સાઇકલ સાથે, માટલા સાથે, દીવા સાથે એવા જુદા-જુદા ઘણા પ્રૉપ્સ વાપરીને હુલાહૂપ કરવામાં આવે છે જે ક્રીએટિવલી ખૂબ સુંદર લાગે છે એટલું જ નહીં, શરૂઆત એક રિન્ગથી થાય પછી ધીમે-ધીમે એકસાથે ૧૦-૧૫ રિન્ગ સુધી પણ બાળકો એ ચલાવતાં શીખી શકે છે. એ વિશે વાત કરતાં શિલ્પા ગણાત્રા કહે છે, ‘ક્લાસિકલ ડાન્સ સાથે પણ હુલાહૂપ મિક્સ કરીને પર્ફોર્મ કરી શકાય. બેઝિકલી આ એક ઍક્ટિવિટી જ નથી, એને ક્રીએટિવલી ઘણી રીતે વાપરી શકાય. એક વખત તમે બાળકને આ શીખવો પછી એની ક્ષમતા પર એ એમાં ઘણું કરી શકે છે. અઢી વર્ષનાં નાનાં બાળકો પણ હુલાહૂપ શીખી શકે છે.’

પ્રૅક્ટિસ જરૂરી

જે લોકોએ જાતે ભૂલથી પણ ટ્રાય કર્યું હોય તેમની પહેલી ઇમ્પ્રેશન તો એ જ હોવાની કે હુલાહૂપ અઘરું છે. પણ એ જરાય અઘરું નથી એમ જણાવતાં પ્રિયંકા ગાંધી કહે છે, ‘બાળકોને જસ્ટ પાંચ કલાકની અંદર આ ટ્રિક શીખવી શકાય છે. બાળકોને એમાં એટલો રસ પડતો હોય છે કે તેમના માટે તો એ અઘરું રહેતું જ નથી. પણ એ મહત્ત્વનું છે કે એની પ્રૅક્ટિસ કરતા રહેવી પડે. તમે એક વખત શીખીને મૂકી દેશો તો એ ડ્રાઇવિંગ જેવું છે. એકદમ પાછું ફાવે નહીં. એટલે પ્રૅક્ટિસ કરવી જરૂરી છે.’

ફન વિથ ફિટનેસ

હુલાહૂપ જેવી ઍક્ટિવિટી ઑનલાઇન અને ઑફલાઇન બન્ને રીતે શીખી શકાય છે. લૉકડાઉનમાં ઘણાં બાળકોએ આ વસ્તુ ઑનલાઇન શીખી છે, જે શક્ય બન્યું છે. જોકે એને શીખવાની મજા ઑફલાઇન વધુ આવે એ સમજી શકાય છે. જોકે આજકાલની યુટ્યુબ જનરેશન વિડિયોઝ જોઈ-જોઈને પણ એ શીખી લેતી હોય છે. મહત્ત્વની વાત એ છે કે હુલાહૂપ હવે ડાન્સ પર્ફોર્મન્સમાં પણ આવવા લાગ્યું છે. બાળકોમાં હુલાહૂપ થીમની બર્થ ડે પાર્ટી પણ બહુ ટ્રેન્ડમાં છે. હુલાહૂપ એક-એક પ્લાસ્ટિકની રિન્ગ જ છે, પણ એને વાપરવાના ક્રીએટિવ ઑપ્શન્સ અઢળક છે.