ડોમિનોઝ પિઝાનાં ગુજરાતનાં આઉટલેટ્સમાં હવે નોન વેજીટેરીયન પિઝા નહિ મળે. ડોમિનોઝ પિઝાએ પોતાનાં મેનુમાંથી તમામ નોન વેજીટેરીયન પિઝા હટાવીને માત્ર વેજીટેરીયન પિઝાનું નવું મેનુ બનાવ્યું છે. નવરાત્રી શરુ થઇ ગઈ છે અને આ સમય દરમ્યાન લોકો નોન વેજીટેરીયન ખાવાનું ટાળે છે. જોકે આવો બદલાવ 2015માં સમગ્ર દેશમાં નવરાત્રી સમય દરમ્યાન કરવામાં આવ્યો હતો. નવરાત્રી દરમ્યાન આ પિઝા રેસ્ટોરન્ટ માત્ર પ્યોર વેજ પિઝા જ ઓફર કરતું હતું.
ગુજરાત રાજ્યમાં આ બદલાવ હવે કાયમી ધોરણે થઇ ગયો છે. આ બદલાવ પાછળ એવું કારણ જણાવાઈ રહ્યું છે કે ગુજરાત રાજ્ય એક એવું રાજ્ય છે જ્યાં લોકો એવાં રેસ્ટોરન્ટમાં જવાનું વધુ પસંદ કરે છે જ્યાં મીટ મળતું ન હોય. 2015માં સમગ્ર દેશમાં કરેલાં આ ફેરફારને લોકોએ આવકાર્યો હતો અને પાછલા વર્ષની સરખામણીમાં એ સમય દરમ્યાન ડોમિનોઝ પિઝાનું વેચાણ પણ વધ્યું હતું.
અમેરિકન પિઝા ચેઈન, ડોમિનોઝ પિઝાનાં ગુજરાતનાં રેસ્ટોરન્ટમાં ફોન પર પણ હવે નોન વેજ પિઝાનો ઓર્ડર લેવામાં નહીં આવે.
ગુજરાત રાજ્યમાં ડોમિનોઝનાં 75 જેટલાં આઉટલેટ્સ દ્વારા નોન વેજ ટોપીંગ્સ વાળા પિઝાનો ઓર્ડર લેવાનું બંધ કરી દેવમાં આવ્યું છે. માત્ર દમણમાં જ એક માત્ર ડોમિનોઝ પિઝા રેસ્ટોરન્ટ છે જે નોન વેજીટેરીયન પિઝા ઓફર કરે છે.