Gandhinagar News: રાજ્ય સરકારની વ્યૂહાત્મક નીતિઓને પરિણામે ગુજરાત આજે ડિજિટલ માળખાગત સુવિધાઓમાં દેશભરમાં અગ્રેસર બન્યું છે. નાગરિકોને ઝડપી, પારદર્શક અને ભ્રષ્ટાચારમુક્ત સેવાઓ પૂરી પાડવા માટે રાજ્ય સરકારે ઈ-ગવર્નન્સ (E-Governance)ના માધ્યમથી છેવાડાના માનવી સુધી ટેકનોલોજીના માધ્યમથી વિવિધ લાભો પહોંચાડ્યા છે. રાજ્યની વ્યૂહાત્મક નીતિઓએ દરેક નાગરિક માટે ડિજિટલ માળખાને એક પાયારૂપ સુવિધા તરીકે વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
રાજ્ય સરકારે ઈ-ગવર્નન્સ (E-Governance)ના માધ્યમથી છેવાડાના માનવી સુધી ટેકનોલોજીના માધ્યમથી વિવિધ લાભો પહોંચાડ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)ના “ડિજિટલ ઇન્ડિયા”ના વિઝનને સાકાર કરતી અનેક યોજનાઓ રાજ્ય સરકાર દ્વારા અમલીકૃત કરવામાં આવી છે. જે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Patel)ના પ્રગતિશીલ નેતૃત્વમાં અને સાયન્સ-ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયા (Arjun Modhwadia)ના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં ટેકનોલોજી (Technology)ના માધ્યમથી નાગરિકોના જીવનમાં આમૂલ પરિવર્તન આવી રહ્યું છે.
રાજ્યના 13 વિભાગોની 200થી વધુ DBT યોજનાઓમાં આધાર પ્રમાણીકરણ સેવાઓનો ઉપયોગ: ગત નાણાકીય વર્ષમાં 56 કરોડથી વધુ આધાર પ્રમાણીકરણ ટ્રાન્ઝેક્શન
ઈ-ગવર્નન્સ ક્ષેત્રે ગુજરાત ઇન્ફર્મેટીક્સ લિ. – GIL રાજ્ય સરકારના ડિજિટલ મિશનને આગળ ધપાવે છે. GIL ગુજરાત સરકારના તમામ વિભાગોને આધાર પ્રમાણીકરણ અને ઇ-કેવાયસી સેવાઓ પ્રદાન કરે છે. રાજ્યના 13 વિભાગોની 200થી વધુ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર- DBT યોજનાઓમાં આધાર પ્રમાણીકરણ સેવાઓનો ઉપયોગ થઇ રહ્યો છે. ગત નાણાકીય વર્ષમાં 56 કરોડથી વધુ આધાર પ્રમાણીકરણ ટ્રાન્ઝેક્શન થયા છે. આ સેવાઓ દ્વારા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર યોજનાઓમાં પારદર્શિતા અને કાર્યક્ષમતા સુદ્રઢ કરવામાં આવી છે.

GSWAN દ્વારા રાજ્યની આશરે 6 હજાર સરકારી કચેરીઓ ઇન્ટ્રાનેટના માધ્યમથી જોડાઈ
વડાપ્રધાનના ‘AI for All’ ના વિઝનને અનુસરીને ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે AI સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના દ્વારા સ્ટાર્ટઅપ અને નવીન પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન મળી રહ્યું છે. ગુજરાત AI સ્ટેક એ નાગરિકો, ડેવલપર્સ તથા સરકાર માટે અદ્યતન AI સેવાઓ ઉપલબ્ધ કરાવતું એકીકૃત પ્લેટફોર્મ છે. અહીં પાક રોગ નિદાન, યોજના અંગે માર્ગદર્શન, દસ્તાવેજ રૂપાંતરણ, ફરિયાદોનું વર્ગીકરણ અને ખરીદ સંબંધિત સેવાઓના ટુલ્સ API સ્વરૂપે ઉપલબ્ધ છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા નાગરિકો માટે એક જ આઈડી દ્વારા વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ મેળવવા માટે ‘સિંગલ સાઇન-ઓન પોર્ટલ’ વિકસાવવામાં આવ્યું છે. હાલમાં વિવિધ વિભાગોની 13 એપ્લિકેશન સિંગલ સાઇન- ઓન પોર્ટલ સાથે ઇન્ટિગ્રેટ કરવામાં આવી છે.
ભાષિણી પ્રોજેક્ટના અમલીકરણથી વિવિધ ભારતીય ભાષાઓમાં માહિતી અનુવાદ સુલભ બન્યો છે. આ ભાષાંતર ટુલને વિવિધ વિભાગની કુલ ૫૨ વેબસાઇટ-એપ્લિકેશન ઇન્ટિગ્રેટ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વોટ્સએપ આધારિત સેવા દ્વારા નાગરિકોને પ્રમાણપત્રો સીધા મોબાઇલ પર પ્રાપ્ત થાય છે, જે ડિજિટલ સુવિધાઓને વધુ સરળ બનાવી રહી છે.
રાજ્ય સરકારના મહત્વપૂર્ણ ફરિયાદ નિવારણ પ્રોજેક્ટ ‘સ્વાગત’ સહિત વર્ષ દરમિયાન આશરે 4 હજાર વીડિયો કોન્ફરન્સ અને 13થી વધુ વેબકાસ્ટ ઇવેન્ટ યોજાઇ
રાજ્યવ્યાપી કનેક્ટિવિટી માટે Gujarat State Wide Area Network- GSWAN દ્વારા 34 જિલ્લા અને 248 તાલુકા ઉપરાંત નવા બનેલા તાલુકા ખાતેની આશરે 6 હજાર સરકારી કચેરીઓ ઇન્ટ્રાનેટના માધ્યમથી જોડવામાં આવી છે. આ નેટવર્ક થકી, રાજ્ય સરકારના મહત્વપૂર્ણ ફરિયાદ નિવારણ પ્રોજેક્ટ ‘સ્વાગત’ સહિત વર્ષ દરમિયાન આશરે 4 હજાર વીડિયો કોન્ફરન્સ અને 13થી વધુ વેબકાસ્ટ ઇવેન્ટ યોજવામાં આવી છે. આ ઉપરાંત સચિવાલય ઇન્ટીગ્રેટેડ કોમ્યુનિકેશન નેટવર્ક દ્વારા વોઈસ કનેક્ટિવિટી મજબૂત કરવામાં આવી છે અને તેને IP આધારિત સિસ્ટમ તરફ અપગ્રેડ પણ કરવામાં આવી રહી છે.
ગુજરાત સિક્યોરીટી ઓપરેશન્સ સેન્ટર રાજ્ય સરકાર માટે વિવિધ સાયબર સુરક્ષા સંબંધિત બાબતો પર દેખરેખ રાખે છે અને સરકારી વેબસાઇટસ તથા એપ્લિકેશનનું ઓડિટ કરે છે. આ ઉપરાંત આ સેન્ટર કર્મચારીઓ-અધિકારીઓને સાયબર સુરક્ષા તાલીમ આપે છે. ડેટા સંચાલન અને સુરક્ષા માટે ગુજરાત સ્ટેટ ડેટા સેન્ટર રાજ્ય સરકારના કોમન આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર (IT Infrastructure) તરીકે કાર્ય કરે છે. અહીં 750થી વધુ વેબસાઇટ્સ અને એપ્લિકેશન હોસ્ટ કરવામાં આવી છે.
દાયકાથી ચાલતા ડિજિટલ રૂપાંતરણ થકી ટેકનોલોજી, શાસન, શિક્ષણ સુધીની પહોંચમાં મૂળભૂત રીતે પરિવર્તન આવ્યું છે. વ્યાપક કનેક્ટિવિટી, મજબૂત ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (Connectivity, Digital Infrastructure) અને અદ્યતન કમ્પ્યુટિંગ ક્ષમતા દ્વારા શહેરી, ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોના નાગરિકો હવે રાજ્યના ડિજિટલ ઇકોસિસ્ટમમાં ભાગ લેવા વધુ સક્ષમ બન્યા છે.
રાજ્યનો ઉદ્દેશ્ય માત્ર ડિજિટલ વિસ્તરણનો નથી પરંતુ, નાગરિકોને આ ડિજિટલ ઇકોસિસ્ટમનો મહત્વપૂર્ણ ભાગ બનાવવાનો છે. આ ક્ષેત્રે રાજ્ય સરકારની વિવિધ પહેલ થકી ડિજિટલ પહોંચને ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ઉપલબ્ધ કરાવીને વાસ્તવિક સામાજિક અને આર્થિક સશક્તીકરણમાં પરિવર્તન આવી રહ્યું છે.
