રાજકોટઃ ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાને ક્ષત્રિયો અંગે બફાટના મુદ્દે ચૂંટણીપંચની ક્લીનચિટ મળી ગઈ છે. આમ કેન્દ્રીય મંત્રી રૂપાલા સામે ચૂંટણીપંચમાં કરવામાં આવેલી ફરિયાદનો નીવેડો આવી ગયો છે.
રાજકોટ જિલ્લા કલેક્ટરે કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા સામે નોંધાયેલી ફરિયાદના સંદર્ભમાં જણાવ્યું હતું કે રૂપાલાએ કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીના વિડીયોમાં કોઈ સમાજના રાજા રજવાડાનો શબ્દપ્રયોગ કરવામાં આવ્યો નથી.
રાજકોટ જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે રૂપાલા સામે આચારસંહિતા ભંગની ફરયાદ બાદ આચારસંહિતા ભંગના નોડલ અધિકારી અને રાજકોટ પ્રાંત-2 કચેરીના આસિસ્ટન્ટ કલેક્ટર દ્વારા તપાસ કરવામાં આવી હતી. તપાસ પછી તેનો અહેવાલ ચૂંટણીપંચને મોકલવામાં આવ્યો હતો.
કલેક્ટરે આ ઉપરાંત જણાવ્યું હતું કે ચૂંટણીપંચે રૂપાલાને વિવાદાસ્પદ ભાષણના મુદ્દે ક્લીનચિટ આપી છે. તપાસ રિપોર્ટમાં એવા કોઈ પુરાવા મળ્યા નથી રૂપાલાએ જે સ્થળે વિવાદાસ્પદ ટિપ્પણી કરી એ એક પરિવારના ત્યાં યોજાયેલો ભજનનો કાર્યક્રમ હતો, કોઈ રાજકીય આયોજન ન હતું.
આ સાથે રૂપાલા પર આચારસંહિતાના ભંગનો તોળાતો ભય ઓસરી ગયો છે. રૂપાલાને આગામી ચૂંટણી લડવામાં કોઈ વાંધો નહીં આવે તેમ જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત રૂપાલા પોતે પણ પોતાના નિવેદનથી કોઈની પણ લાગણી દુભાઈ હોય તેમ માફી માંગી ચૂક્યા છે. આમ આ વિવાદનો અહીં અંત આવે છે.
આ પણ વાંચો: મતદાન જાગૃતિની અનોખી પહેલ, લગ્નની કંકોત્રીમાં મતદાન જાગૃતિના લગાવ્યા સ્લોગન
આ પણ વાંચો: રૂપાલા વિવાદ મામલે ભાતેલ ગામની ચૂંટણી બહિષ્કારની ચીમકી!
આ પણ વાંચો: 23મી નેશનલ પેરા સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં જયેશ મકવાણાએ ગુજરાતનું નામ રોશન કર્યું