મુંબઈ,
છેલ્લા કેટલાક દિવસોથી કોમેડી શો “ધ કપિલ શર્મા” ખુબ ચર્ચામાં છે, કારણ કે આ શોમાં કપિલે પોતાના દ્વારા કહેવામાં આવેલા એક નિવેદનને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ માંફી માંગી હતી. આ દરમિયાન ફેંસ એ જાણવા માટે ઉત્સુક છે કે, કપિલ શર્માએ પીએમ મોદીને લઈ એવું તો શું કહ્યું હતું કે, તે શરમ અનુભવી રહ્યા હતા અને અડધી રાત્રે માંફી માંગવા લાગ્યા હતા.
હકીકતમાં, આ શોમાં ગેસ્ટ તરીકે અનિલ કપૂર, સોનમ કપૂર, જુહી ચાવલા તેમજ રાજકુમાર રાવ પોતાની ફિલ્મ “એક લડકી તો દેખા તો ઐસા લગા”ના પ્રમોશન માટે પહોચ્યા હતા. આ દરમિયાન કપિલે રાજકુમારને પૂછ્યું કે, “તમે પીએમ મોદીને મળ્યા હતા ત્યારે મારા અંગે કોઈ વાત થઇ હતી” ?.
આ અંગે જણાવતા રાજકુમાર રાવે કહ્યું હતું કે, “હું જયારે પીએમ મોદીને મળ્યો ત્યારે તેઓ તમને લઇ નારાજ હતા. સાંભળ્યું છે તમે કોઈ ટ્વિટ કર્યું હતું”.
આ વાત પર કપિલ બોલી ઉઠયા હતા કે, “અરે આ વાત તો જૂની છે ટ્વિટર નામ કી પરેશાની. જેના માટે મોદી જી સોરી”.
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૬માં કોમેડિયન કપિલ શર્માએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, “તેઓ દર વર્ષે સરકારને ૧૫ કરોડ રૂપિયાનો ટેક્સ પે છે, ત્યારબાદ પણ મુંબઈમાં પોતાની ઓફિસ માટે BMCને ૫ લાખ રૂપિયાની લાંચ આપવી પડશે. આ જ છે આપકે અચ્છે દિન”.