ગુજરાત ભાજપના ૧૩ સભ્યોના સંસદીય બોર્ડમાં પણ જીતુભાઈ વાઘાણી સહિત ૪ને પડતા મૂકી કેન્દ્રીય પ્રધાન અને રાજ્યના એક મંત્રીનો ઉમેરો કરાયો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. ભાજપે પોતાના સંગઠનને મજબૂત બનાવવા પેજ પ્રમુખ કક્ષાએથી કામગીરી શરૂ કરી છે. તો બીજી બાજુ માઈક્રો પ્લાનીંગ સાથેની રણનીતિ બનાવી છે. ભાજપે નગર મહાનગર અને ગ્રામ્ય કક્ષાની ચૂંટણી માટે દરેક જિલ્લામાં નિરિક્ષકો નીમી દીધા છે. બીજી બાજુ પોતાના જૂના વચનમાં છુટછાટ મૂકીને ભાજપે નવી રણનીતિ પણ બનાવી છે. જે મુજબ ગત ચૂંટણીમાં મહાનગરો અને નગરોના જે વોર્ડમાં કોંગ્રેસ જીતી હતી. ત્યાંના હવે પૂર્વ બનેલા નગરસેવકોને પોતાના પક્ષમાં લેવા માટેનો વ્યૂહ બનાવ્યો છે. બીજી બાજુ ગ્રામ્ય વિસ્તારમાં વગદાર કોંગ્રેસી નેતાઓને પોતાના પક્ષમાં લેવા માટે તખ્તો ગોઠવાઈ રહ્યો છે.
સામેની બાજુ કોંગ્રેસે પણ ચૂંટણી તૈયારી શરૂ કરી છે. પરંતુ તે ઘણી ઢીલી પડી રહી છે. હાલના સંજોગોમાં કોંગ્રેસે ઉમેદવારો પસંદ કરવાની કવાયત શરૂ કરી હોવાનો દાવો થાય છે. પરંતુ સંગઠન મજબૂત બનાવવા કે જે વોર્ડ જે શહેરોમાં સંગઠનમાં હોદ્દેદારોની જગ્યા ખાલી છે. તે પૂરવાની કોઈ તૈયારી શરૂ કરી નથી. સંગઠન અને બુથ લેવલ કે પેજ લેવલ સુધીનું માઈક્રો પ્લાનીંગ જ પક્ષને વિજય અપાવી શકશે તે વાત કોંગ્રેસ ભૂલી ગઈ છે.
ભાજપના નવા પ્રમુખ સી.આર. પાટીલ સંગઠનની બાકી રહેલી કામગીરી પૂરી કરવામાં વ્યસ્ત છે. તાજેતરમાં ઉપપ્રમુખો મહામંત્રીઓ મંત્રીઓ અને કોષાધ્યક્ષ અને સહકોષાધ્યક્ષની વરણી કર્યા બાદ પ્રદેશ પ્રમુખે સંગઠનમાં જેની મહત્વની જવાબદારી હોય છે. તેવા પાર્લામેન્ટરી બોર્ડની રચના કરી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ભલે સંઘ સાથે સીધી રીતે સંકળાયેલા ન હોય – વ્યાખ્યામાં આવે તેવા કુશળ સંગઠક પણ ન હોય, પરંતુ ચૂંટણી જીતવા અને જીતાડવામાં માહિર છે.
પાટીલ કેમ બન્યા ગુજરાતનાં સુકાની
દક્ષિણ ગુજરાતની બેઠકોમાં ભાજપનો ગઢ બનાવવામાં ૨૦૧૯માં સી.આર.પાટીલે ભજવેલી મજબૂત ભૂમિકા ભજવી છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ૬ લાખ ૬૯ હજાર મતની સમગ્ર રાજ્યમાં સૌથી વધુ સરસાઈ મેળવીને જીતેલા સી.આર. પાટીલે વાપીથી વડોદરા સુધીના તમામ ઉમેદવારોને જીતાડવા માટે જે વ્યૂહ ગોઠવેલો તેને સફળ પણ બનાવી છે. ૨૦૧૭માં વિધાનસભા ચૂંટણીમાં સુરત સહિતના ગુજરાતમાં ભાજપને જે સફળતા મળી તેની પાછળ પણ સી.આર. પાટીલની મહત્વની ભૂમિકા પણ હતી. જે વાતની નોંધ લઈને તો તેને ભાજપના કેન્દ્રીય મોવડી મંડળે માત્ર પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે એટલું જ નહિ, પરંતુ નિર્ણયો લેવા માટેનો છૂટોદોર પણ આપ્યો છે.
આવી છે પાટીલ અને ભાજપની કામ કરવાની રીત
આના આધારે જ સી.આર. પાટીલે પહેલા જિલ્લા અને નગરો અને મહાનગરોના પ્રમુખ તેમજ પોતાની પ્રદેશ ટીમના ટોચના હોદ્દેદારોની વરણી કરી છે. તેમાં પણ જૂના ઘણા ચહેરાઓની બાદબાકી કરી છે. હવે ભાજપના આ પ્રદેશ પ્રમુખ કે જેને પોતાના પક્ષના કાર્યકરોને કોંગ્રેસ – વિપક્ષોની ક્લીન સ્વીપ કરવાનો લક્ષ્યાંક આપ્યો છે. અને તે દિશામાં એક પછી એક પગલાં ભરવાની શરૂઆત કરી છે. હવે ભાજપના પ્રદેશ પ૩મુખએ ૧૩ સભ્યોના બનેલા પક્ષના પાર્લામેન્ટરી બોર્ડ એટલે કે સંસદીય બોર્ડની ટીમ જાહેર કરી છે તેમાં પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર. પાટીલ તો તેના અધ્યક્ષપદે રાબેતા મુજબ હોય જ અને બીજી બાજુ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નયાબ મુખ્યમંત્રી નિતીન પટેલ અને મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખને સ્થાન અપાયું છે. આ સંસદીય બોર્ડના અન્ય સભ્યોમાં કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા, રૂપાણી પ્રધાન મંડળના કેબીનેટ પ્રધાન આર.સી. ફળદુનો સમાવેશ સાથે આ ટીમમાં સુરેન્દ્ર પટેલ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, જસવંતસિંહ ભાંભોર, ભીખુભાઈ દલસાણીયા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા અને ડો.કિરીટભાઈ સોલંકી ઉપરાંત કાનાજી ઠાકોરને સ્થાન અપાયું છે.
આટલા નેતાઓ કપાયા
અગાઉના એટલે કે પ્રદેશ પ્રમુખ પદે જીતુભાઈ વાઘાણી હતા તે વખતે જે પક્ષનું સંસદીય બોર્ડ હતું તેમાં જે નામો હતા તેમાં જીતુભાઈ વાઘાણીના નામની બાદબાકી તો થઈ ગઈ છે પણ સાથો સાથ મંગુભાઈ પટેલ, ભરતસિંહ પરમાર અને શંભુપ્રસાદ ટુંડીયાને પણ પડતા મુકવામાં આવ્યા છે. જ્યારે કેન્દ્રીય મંત્રી પરશોતમભાઈ રૂપાલા ઉપર જણાવી ગયા અને તે પ્રમાણે રાજ્યમાં કેબીનેટ પ્રધાન આર.સી. ફળદુનો ઉમેરો કરાયો છે. જીતુભાઈ વાઘાણીના સ્થઆને પ્રદેશ પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ પહેલા પણ જે ટીમની જાહેરાત થઈ તેમાં જેટલા અગાઉની ટીમમાં સ્થાન ધરાવનારા ૧૫ જેટલા આગેવાનોની બાદબાકી થઈ હતી. જ્યારે ૧૩ સભ્યોના સંસદીય બોર્ડની રચનામાં પણ આજ ઈતિહાસનું પુનરાવર્તન થયું છે.
અમુક ટકા રિપીટ કરવાની થિયરીમાં માને છે પાટીલ
ટુંકમાં પ્રારંભ કાળથી શરૂ થયેલો બાદબાકીનો ખેલ ચાલુ રહ્યો છે. ટુંકમાં સી.આર. પાટીલ અમુક ટકા રિપીટ કરવાની થિયરીમાં માને છે. પરંતુ અમુક ચહેરાઓને નો રીપીટની થીયરી પણ અપનાવે છે. બધા જાણે છે તે પ્રમાણે ભાજપનું ૧૩ સભ્યોનું સંસદીય બોર્ડ અમાપ સત્તા ધરાવે છે. આપણે જાણીે છીએ તે પ્રમાણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે તેવે સમયે ઉમેદવારોની પસંદગી કરવાનો અધિકાર સંસદીય બોર્ડને છે. સ્થાનિક ચૂંટણીના ઉમેદવારોની જાહેરાત પણ પ્રદેશ કક્ષોથી કરવાની ભાજપની પરંપરા છે. ટુંકમાં સંસદીય બોર્ડ જ પક્ષના ઉમેદવારોની પસંદગી કરે છે આ સંજાેગોમાં તેનું મહત્વ છે. આના પરથી એટલું અનુમાન કરી શકાય કે ઉમેદવારોની પસંદગીમાં હોદ્દેદારો તો નહિ જ હોય. સંગઠનનું કામ સંભાળનારા કોઈ નહિ હોય ત્યારે જે સ્થાનિક પ્રતિનિધિઓનું પર્ફોમન્સ નબળું હશે તેની પણ બાદબાકી થવાની છે તે હકિકત છે. આ સંજાેગો વચ્ચે ફેરફારો તો થવાના જ છે. જાે કે અન્ય પક્ષોમાંથી જે પૂર્વ કોર્પોરેટરોને આયાત કરવાના છે તેને ટિકિટ અપાશે તેવું ઘણા કહે છે કારણ કે ૮ બેઠકોની પેટા ચૂંટણીમાં પ્રથમ તબક્કો ભાજપમાં પ્રવેશ કરનારા તમામને ટિકિટ આપવામાં આવી હતી.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…