Farmer Suicide Statistics India: “જગતનો તાત” ગણાતો ખેડૂત આજે પોતે જ અન્નના એક-એક દાણા અને દેવા માફી માટે વલખાં મારી રહ્યો છે. જે ખેડૂત આખા દેશનું પેટ ભરે છે, તે આજે આર્થિક પાયમાલીને કારણે આત્મહત્યા કરવા મજબૂર બન્યો છે. તાજેતરમાં જાહેર થયેલા આંકડાઓ અને કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી રજૂઆતોએ ‘વિકસિત ગુજરાત’ અને ‘વાયબ્રન્ટ ઇન્ડિયા’ના દાવાઓ સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.
આંકડાઓ જે હચમચાવી દેશે
ખેતી સાથે સંકળાયેલા લોકોની આત્મહત્યાના આંકડા અત્યંત ડરામણા છે, જેમાં છેલ્લા પાંચ વર્ષમાં ખેડૂતોની આત્મહત્યાના કિસ્સામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. વર્ષ 2024માં ખેતી સાથે જોડાયેલા 10,546 લોકોએ આત્મહત્યા કરી હતી, જ્યારે વર્ષ 2023માં કુલ 10,786 લોકોએ જીવન ટૂંકાવ્યું હતું, જેમાં 4,633 ખેડૂતો અને 5,913 ખેત મજૂરોનો સમાવેશ થાય છે. આ આંકડાઓ મુજબ દેશમાં દરરોજ સરેરાશ 28 ખેડૂતો અને દર કલાકે 1 ખેડૂત આત્મહત્યા કરી રહ્યો છે તેવી ભયાનક વાસ્તવિકતા સામે આવી છે.
ગુજરાતના ખેડૂતો (Farmer) દેવાના ડુંગર નીચે
ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના ખેડૂતો પર આજે અંદાજે ₹99,000 કરોડનું દેવું છે. કેન્દ્ર સરકારે ખેડૂતોની આવક બમણી કરવાનો વાયદો કર્યો હતો, પરંતુ વાસ્તવિકતામાં ખેડૂત બરબાદી તરફ જઈ રહ્યો છે. એક તરફ ઉદ્યોગપતિઓના કરોડો રૂપિયાના દેવા માફ કરવામાં આવે છે, તો બીજી તરફ જગતના તાતને કોઈ રાહત મળતી નથી.

કોંગ્રેસની મુખ્ય માંગણીઓ
ખેડૂતો અને ખેત મજૂરોને બચાવવા માટે કોંગ્રેસે સરકાર પાસે કડક પગલાં લેવાની માંગ કરી છે, જેમાં ખાસ કરીને જે રીતે ઉદ્યોગપતિઓના દેવા માફ થાય છે, તે જ રીતે ખેડૂતોના તમામ દેવા પણ તાત્કાલિક માફ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત, ખેડૂતો આર્થિક સંકટને કારણે આત્મહત્યા ન કરે તે માટે નક્કર આર્થિક પેકેજ જાહેર કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે, તેમજ ખેતી સાથે સંકળાયેલા મજૂરોની પરિસ્થિતિ સુધારવા માટે તેમને પૂરતો રોજગાર અને વીમા કવચ પૂરું પાડવાની પણ માંગ કરવામાં આવી છે.
“ખેડૂત દેશની કરોડરજ્જુ છે, જો તે જ સુરક્ષિત નહીં હોય તો દેશનો વિકાસ અધૂરો છે. ઉદ્યોગપતિઓના દેવા માફ કરતી સરકાર ખેડૂતોના દેવા કેમ માફ નથી કરતી?” — ડૉ. મનીષ દોશી, મુખ્ય પ્રવક્તા, ગુજરાત કોંગ્રેસ
આ પણ વાંચો: વલસાડમાં કમોસમી વરસાદથી વાતાવરણમાં પલટો, ખેડૂતોમાં કેરીના પાકને લઈને ચિંતા
આ પણ વાંચો: વડોદરાના ડભોઈમાં બિલ્ડરે માઇનોર કેનાલ તોડતા ખેડૂતોને પિયતના ફાંફા
આ પણ વાંચો: આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, ખેડૂત નેતા સાગર રબારીએ પક્ષ છોડ્યો
