Gujarat News : સોરઠ વિસ્તારમાં ખેડૂતો(Farmers) ફરી એકવાર ખાતર મેળવવા માટે લાંબી લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. આવનાર ચોમાસુ વાવેતર પહેલા પૂરતું ડી.એ.પી ખાતર ઉપલબ્ધ ન હોવાથી ખેડૂતોએ તકલીફ અનુભવી રહી છે. દર વર્ષે આવતી આ સમસ્યાને લઈ સરકાર પાસે યોગ્ય આયોજન કરવાની માંગ ઉઠી રહી છે.
મગફળીના આગોતરા વાવેતરનો સમય નજીક આવતા ડી.એ.પી ખાતરની માંગ વધી રહી છે. સામાન્ય રીતે મે મહિનાના અંત ભાગમાં વાવેતર શરૂ થવાનું હોય છે, જેના કારણે હાલ ખેડૂતો (Farmers)માટે ખાતર અગત્યનું બની ગયું છે. છતાં, પૂરતું ખાતર ન મળતા અનેક ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરી છે.

ભેસાણ ખાતે ખાતર આવવાની માહિતી મળતા જ આસપાસના ગામોના ખેડૂતો સવારે લગભગ પાંચ વાગ્યાથી જ ડેપો પર પહોંચી ગયા હતા. ત્યાં દરેક ખેડૂતને મર્યાદિત પ્રમાણમાં, અંદાજે દોઢથી બે થેલી ખાતર આપવામાં આવ્યું હતું, જેના કારણે ઘણા ખેડૂતોને જરૂરી જથ્થો મળ્યો નહોતો.
સંઘના ડિરેક્ટર નટુભાઈ પોકીયાએ જણાવ્યું કે ઇફકોની આશરે 380 થેલી ડી.એ.પી આવી હતી અને આગામી 5 મેના રોજ વધુ જથ્થો આવવાની શક્યતા છે. તેમણે ખેડૂતોએ ઉતાવળ ન કરવાની અને આગળ પૂરતું ખાતર ઉપલબ્ધ થશે એવી ખાતરી આપી.
બીજી તરફ, સરદાર બ્રાન્ડના ડી.એ.પી ખાતરનું ઉત્પાદન હાલ મેન્ટેનન્સના કારણે બંધ હોવાનું જાણવા મળ્યું છે. કંપનીના અધિકારીઓ મુજબ, 1 મે પછી ઉત્પાદન અને પુરવઠા અંગે સ્પષ્ટતા થશે.
કેશોદ વિસ્તારમાં પણ ખેડૂતો(Farmers) ખાતર માટે દુકાનો અને વિક્રેતાઓ પાસે પૂછપરછ કરી રહ્યા છે, પરંતુ તેમને ચોક્કસ માહિતી મળતી નથી, જેના કારણે અસંતોષ ફેલાયો છે.
