ગુજરાતનું શિક્ષણ ક્ષેત્ર/ ફી નથી ભરાઈ, મને સ્કૂલેથી પરીક્ષામાં બેસવા દીધો નથી, હું કૂવામાં પડવા જાઉ છું. : વિદ્યાર્થીના પીડા દાયક શબ્દો

સ્કૂલની ફી બાકી હોવાથી ફી લઈ આવવા માટે કહ્યું હતું જેથી અનુભાઈએ 16000 રૂપિયાનો ચેક લખી આપ્યો હતો અને પુત્ર સાથે મોકલાવ્યો હતો.

Top Stories Rajkot Gujarat
ફી

શિક્ષણ ક્ષેત્રે કલંક હોય એવી ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં પણ એક એવી ઘટના બની હતી જેમાં શિક્ષણ ક્ષેત્ર પરથી કોઈનો પણ ભરોસો ઉઠી શકે. એક સમય હતો જ્યારે શિક્ષણમાં પૈસાનું ઓછું અને અધ્યયનનું વધુ મહત્વ હતું જ્યારે આજે પૈસાનું મહત્વ સૌથી વધારે થઈ ગયું છે. રાજકોટના સાતડા ગામની એક ખાનગી શાળામાં શાળા સંચાલકોની આવી જ દાદાગીરી સામે આવી છે. એક શાળાના સંચાલકોએ તેના વિદ્યાર્થીને ફી ભર્યા વિના પરીક્ષામાં બેસવાની ના કહેતા વિદ્યાર્થી ડરી ગયો અને અને ડરમાં તેને આત્મહત્યાણા વિચાર સુધી પહોંચી ગયો હતો. જોકે સમયસર તેના પપ્પાને જાણ થઈ જતાં વિદ્યાર્થીને કોઈ જાનહાનિ થઈ નથી. તેના પિતાએ ફી મુદ્દે શાળાના સંચાલકો સામે ફરિયાદ કરી છે.

મળતી વિગત અનુસાર સાતડા ગામના વિદ્યાર્થીને એક ખાનગી શાળાએ તાત્કાલિક ફી ભરવા માટે દબાણ કર્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીના પિતા ગામના રહેવાસી અનુભાઈ ચાવડાએ જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પાસે આવેદન દેવા ગયા હતા અને આ રજૂઆતમાં કહ્યુ છે કે, મારો પુત્ર ધ્રુવ સાતડા ગામમાં આવેલી સરદાર સ્કૂલમાં ધો. 8માં અભ્યાસ કરે છે. સ્કૂલની ફી બાકી હોવાથી ફી લઈ આવવા માટે કહ્યું હતું જેથી અનુભાઈએ 16000 રૂપિયાનો ચેક લખી આપ્યો હતો અને પુત્ર સાથે મોકલાવ્યો હતો. પુત્ર 22 તારીખે ચેક લઈને પહોંચ્યો હતો અને ત્યારે ગણિતની પરીક્ષા હતી અને ચેક આપતા શાળાના સંચાલકોએ ચેક સ્વીકારવાની ના પાડી રોકડા લઈ આવવા કહ્યું હતું અને પરીક્ષા પણ આપવા દીધી ન હતી. મારા પુત્રએ હતાશ થઈને ગામની એક દુકાને પહોંચી દુકાનદાર પાસેથી મોબાઈલ લઈ ફોન કર્યો હતો અને કહ્યું હતું કે ‘હું કૂવામાં પડી આપઘાત કરવા જાઉ છું’. આ સાંભળી મારા પગ તળિયેથી જમીન ખસકી ગઈ હતી. મે દુકાનદારને ફોન કરી ત્યાં જ ધ્રુવને બેસાડી રાખવા કહ્યું હતું. દુકાનદારે બાળકને આપઘાત કરવા ક્યાંય જવા દીધો નહિ અને ત્યાં જ બેસાડ્યો અને ત્યાં સુધીમાં હું પહોંચી ગયો હતો.” આવા ગંભીર આક્ષેપો સાથેની રજૂઆત થતા તંત્રમાં પણ દોડધામ મચી હતી. આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારીએ આગળ કાર્યવાહી હાથ ધરી છે અને કડક તપાસના આદેશ આપ્યા છે.