Lifestyle: સામાન્ય રીતે, વરિયાળીનો ઉપયોગ જમ્યા પછી મોં સાફ કરવા અને વાસ દૂર કરવાના હેતુસર, એક માઉથ ફ્રેશનર તરીકે કરવામાં આવતો હોય છે. પણ શું તમે જાણો છો, આ મસાલો કોઇ સામાન્ય મસાલો નથી, એનુ સેવન કરવું એ આપણા સ્વાસ્થ્ય માટે ઘણું ઉપયોગી સાબિત થાય છે. વળી, વરિયાળી સાથે ખડી સાકર ભેળવીને ખાવાથી તો જાણે સોનામાં સુગંધ ભળે છે! એ શરીરને ડિટૉક્સ કરવા ઉપરાંત, પાચનક્ષમતાને પણ બહેતર બનાવે છે. વરિયાળીમાં કેલ્શિયમ, મૅગ્નેશિયમ, પોટેશિયમ તથા વિટામિન સીની માત્રા અત્યાધિક માત્રામાં જોવા મળે છે. વળી, એમાં હાજર એનેથોલ નામના ઘટકથી એમાં કેન્સર પ્રતિરોધક ગુણ પણ હોય છે. તો ચાલો જાણીએ, આટલા અઢળક ગુણ ધરાવતી વરિયાળી ફાયદા કયા-કયા છે?

સાકર-વરિયાળીનું સેવન કરવાની બે રીત
વરિયાળીમાં વાત, પિત્ત અને કફ ત્રણેયને સંતુલિત કરવાના ગુણ રહેલા છે. તમારી રોજીંદી દિનચર્યામાં આ બંને ઘટકોને સામેલ કરવાનું આસાન છે. તમે જમ્યા પછી મુખવાસની જેમ એને ખાઇ શકો છો અથવા તો એનું પાણી બનાવીને પી શકો છો.
સાકર-વરિયાળીનું પાણી શી રીતે બનાવવું?
આ માટે એક મોટી ચમચી ભરીને વરિયાળી તથા એક નાનો ખડી સાકરનો ટુકડો લો. એક ગ્લાસ પાણીમાં તેને આખી રાત પલાળી રાખીને, સવારે નરણા કોઠે આ પાણીને ગાળીને પી લેવું.

વરિયાળી-સાકરનું પાણી પીવાના ફાયદા
1. પાચનમાં મદદ કરે છે
સાકર-વરિયાળીનું એકસાથે સેવન કરવાથી શરીરને પાચનક્રિયામાં મદદ મળે છે. વળી, નિયમિતપણે એનું પાણી પીવાથી અપચો, કબજિયાત અને પેટ ફૂલવાની સમસ્યાઓથી રાહત મળે છે.
2. મોંની દુર્ગંધ દૂર કરે છે
વરિયાળી પોતાના રોગપ્રતિકારક ગુણ માટે જાણીતી હોવા ઉપરાંત, શ્વાસની દુર્ગંધ અને અવાળાને લગતા રોગોને થતા અટકાવવામાં પણ મદદરુપ છે. એના પાણીનું સેવન મોં સ્વચ્છ કરે છે જેથી મોંની અંદર રહેલા હાનિકારક બૅક્ટેરિયાની વૃદ્ધિ ઓછી થાય છે. આના પરિણામે, દાંત તથા અવાળાને લગતી તકલીફોને અટકાવી શકાય છે.
3.વજન ઘટાડે છે
વરિયાળી-સાકરનું પાણી જે લાકો વજન ઘટાડવાના પ્રયાસો કરે છે એમના માટે અત્યંત લાભદાયક સિદ્ધ થાય છે. એને પીવાથી ચયાપચયની ક્રિયામાં સુધારો આવે છે અને ભૂખ પણ ઓછી લાગે છે. આ પ્રયોગની સાથે સંતુલિત આહાર અને નિયમિતપણે કસરત કરીને વજન અવશ્ય ઘટાડી શકાય છે.
4. શરીરને ડિટૉક્સ કરે છે
સાકર તથા વરિયાળી એ બંને બોડીને ડિટૉક્સ કરવાના ગુણધર્મો ધરાવે છે અર્થાત્ તે શરીરમાં જમા થયેલા વિષાર્ધ પદાર્થોને બહાર કાઢવામાં મદદરુપ થાય છે. આ પાણીનું નિયમિત રીતે સેવન કરવાથી લીવરની કાર્યક્ષમતા વધુ સારી બને છે.
5. સ્ટ્રેસને ઓછો કરે છે
વરિયાળી સરસ મજાનું સુગંધીદાર દ્રવ્ય છે જેને ખાવાથી મોંની અંદર એક ફ્રેશનેસ વ્યાપી જાય છે. એને સાકર સાથે ચાવવાથી મન અને શરીર શીતળતાનો અહેસાસ કરે છે તથા તણાવ ઓછો થાય છે. સાકરમિશ્રિત વરિયાળીના સેવનથી દિવસની શરુઆત કરીને તમારુ મન અને શરીર આખો દિવસ સકારાત્મક અને શીતળ મહેસૂસ કરશે.
આ પણ વાંચો:તીખું ખાવાના શોખીન છો? તો બનાવો લસણની આ ચટાકેદાર ચટણી…
આ પણ વાંચો:ભરેલા મરચાં ફીકા ભોજનને પણ બનાવશે મજેદાર! જાણો આ ટેસ્ટી રેસિપી…
આ પણ વાંચો:આ ગણેશ ચતુર્થીના પાવન તહેવારે પરંપરાગત મોદકને આપો ચૉકલેટી ટિવસ્ટ!
