મેગા ફૂટબોલ ટૂર્નામેન્ટ ફિફા (FIFA)વર્લ્ડકપ 2026 હવે તેના અંતિમ અને સૌથી રોમાંચક પડાવ તરફ આગળ વધી રહ્યો છે. રમાયેલી એક હાઈ-વોલ્ટેજ ક્વાર્ટર ફાઇનલ મેચમાં ફ્રાન્સે મોરોક્કોની ટીમને 2-0 થી ધૂળ ચટાડીને સેમિફાઇનલમાં ગૌરવપૂર્ણ સ્થાન મેળવી લીધું છે. આ હાર સાથે જ ટૂર્નામેન્ટમાં મોરોક્કોની સફર સમાપ્ત થઈ ગઈ છે અને તેમનું વર્લ્ડકપ જીતવાનું સપનું રોળાઈ ગયું છે. આખી મેચ દરમિયાન ફ્રાન્સના ખેલાડીઓએ મેદાન પર અદભુત દબદબો જાળવી રાખ્યો હતો અને વિરોધી ટીમને એક પણ ગોલ કરવાની તક આપી નહોતી.
પ્રથમ હાફનો રોમાંચ: એમ્બાપ્પેની પેનલ્ટી મિસ
મેચની શરૂઆતથી જ બંને ટીમો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. ફ્રાન્સ અને મોરોક્કોએ ગોલ કરવા માટે ઘણી તકો ઊભી કરી પરંતુ કોઈ સફળતા મળી નહોતી. મેચની 24મી મિનિટે ફ્રાન્સ પાસે ખાતું ખોલવાની સૌથી મોટી તક હતી. મોરોક્કોના ડિફેન્ડરે પેનલ્ટી બોક્સની અંદર કિલિયન એમ્બાપ્પેને ફાઉલ કર્યો, જેના કારણે ફ્રાન્સને પેનલ્ટી શૂટ મળી હતી. જોકે, મોરોક્કોના ગોલકીપરની અદભુત ચપળતાને કારણે એમ્બાપ્પે આ પેનલ્ટી ચૂકી ગયો હતો અને પ્રથમ હાફ 0-0 ની બરાબરી પર રહ્યો હતો.

બીજા હાફમાં ફ્રાન્સનો વળતો પ્રહાર: 6 મિનિટમાં ખેલ ખતમ
બીજા હાફમાં મેદાન પર ઉતરતા જ ફ્રાન્સની ટીમે આક્રમણ તેજ કરી દીધું હતું અને માત્ર 6 મિનિટની અંદર બે ગોલ ફટકારીને મેચ પોતાના પક્ષમાં કરી લીધી હતી.
60મી મિનિટ: પ્રથમ હાફની ભૂલ સુધારતા, સુપરસ્ટાર કિલિયન એમ્બાપ્પેએ એક શાનદાર ફિલ્ડ ગોલ કરીને ફ્રાન્સને 1-0 ની લીડ અપાવી દીધી.
66મી મિનિટ:આ આક્રમણને આગળ ધપાવતા ઓસ્માન ડેમ્બેલેએ મોરોક્કોના ડિફેન્સને હંફાવીને બીજો ગોલ કરી દીધો અને સ્કોર 2-0 થઈ ગયો.
વિકરાળ બનેલા આ સ્કોર બાદ મોરોક્કોની ટીમ ભારે દબાણમાં આવી ગઈ હતી અને અંતિમ સમય સુધી વાપસી કરી શકી નહીં. ફ્રાન્સે 2-0 થી આ મેચ જીતીને આગામી રાઉન્ડની ટિકિટ મેળવી લીધી.

હવે સેમિફાઇનલમાં કોની સામે થશે જંગ?
ક્વાર્ટર ફાઇનલમાં વિજય મેળવ્યા બાદ હવે સેમિફાઇનલમાં ફ્રાન્સનો મુકાબલો સ્પેન અથવા બેલ્જિયમ સામે થશે. આ બંને ટીમો વચ્ચેની આગામી ક્વાર્ટર ફાઇનલ મેચની વિજેતા ટીમ ફ્રાન્સ સામે ટકરાશે. આ મહામુકાબલો બુધવાર, 15 જુલાઈના રોજ ભારતીય સમયાનુસાર મધ્યરાત્રિએ 12:30 વાગ્યે રમાશે.

નોંધનીય છે કે આ વર્લ્ડકપમાંથી પોર્ટુગલ બહાર થઈ જતાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના ફેન્સ નિરાશ થયા છે, પરંતુ લિયોનેલ મેસ્સી અને કિલિયન એમ્બાપ્પેની જાદુઈ રમત હજુ પણ દુનિયાભરના ફૂટબોલ પ્રેમીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનેલી છે.
